સ્વામી વિવેકાનંદના અમુલ્ય વિચારો વાંચવાનું ચૂકશો નહિ
શ્રાવણમાં સાબુદાણાની ખીચડી ભલે પેટ માટે સારી વસ્તુ છે…
પણ સાથે – સાથે સ્વામી વિવેકાનંદના આ વિચારો પણ સમજવા એટલા જ જરૂરી છે.
બાકી, સમજ્યા વગરની કસરતનો કોઈ મતલબ નથી..
*********************************
1. આપણી માતૃભુમી પ્રત્યે જગતનું રુણ અત્યંત મોટું છે. અને પ્રત્યેક દેશ સાથે સરખાવતાં ખ્યાલ આવશે કે જગત જેટલું આ સહનશીલ હીન્દુનું – નરમ હીન્દુનું રુણી છે તેટલું આ પૃથ્વી પરની બીજી કોઈપણ પ્રજાનું નથી.
2. ભારતીય વીચાર, ભારતીય રીતરીવાજો, ભારતીય ફીલસુફી અને ભારતીય સાહીત્ય ઘણા લોકોને પહેલી નજરે ઘૃણાસ્પદ લાગે; પરંતુ જો તેઓ ખંત કેળવે, અભ્યાસ ચાલુ રાખે અને આ વીચારોની પાછળ રહેલા મહાન સીધ્ધાંતોનો પરીચય મેળવે તો નવ્વાણું ટકા તો એમના જાદુઈ પ્રભાવ નીચે અવશ્ય આવી જાય અને મુગ્ધતાનો ભાવ અનુભવે.
3. પણ, જેમ જેમ હું વયમાં મોટો થતો જાઉં છું, તેમ તેમ ભારતની આ પ્રાચીન સંસ્થાઓને વધુ સારી રીતે હું સમજતો થાઉં છું એવું મને લાગે છે. એવો પણ સમય હતો કે જ્યારે હું માનતો હતો કે આમાંથી ઘણી ખરી સંસ્થાઓ નીરુપયોગી અને વ્યર્થ છે, પરંતુ જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ એમાંથી કોઈને પણ ઉતારી પાડવાનો મારો ઉત્સાહ મન્દ પડતો જણાય છે. કારણ કે આવી પ્રત્યેક સંસ્થા એ અનેક સૈકાઓના અનુભવોનું મુર્ત સ્વરુપ છે.
4. મારી આ વાતમાં શ્રધ્ધા રાખો કે બીજા દેશો તો ધર્મની મોટી ચર્ચા કરે છે, પરંતુ જેણે ધર્મને પોતાના જીવનમાં ઉતાર્યો છે એવો વ્યવહારદક્ષ ધર્મપુરુષ તો કેવળ ભારતીય જ જોવા મળશે.
5. મેં કહ્યું છે કે જગતને શીખવી શકીએ એવું કંઈક હજી પણ આપણી પાસે છે. સેંકડો વર્ષોના જુલ્મો અને હજારો વર્ષોથી પરદેશી શાસન અને સીતમો સહન કરીને પણ આ દેશ આજ સુધી ટકી રહ્યો છે તેનું એ જ કારણ છે. આ રાષ્ટ્ર હજી જીવંત છે; એના અસ્તીત્વનું હાર્દ એ છે કે હજી પણ ઈશ્વરને, ધર્મ અને આધ્યાત્મીક્તાના અમુલ્ય નીધીને વળગી રહ્યો છે.
6. ઉતાવળા ન થાઓ; અન્યની નકલ કરવા દોડો નહીં. વાંદરનકલ એ સંસ્કૃતિ નથી. હું ભલે રાજાનો પોશાક પહેરું પણ એથી કાંઈ હું રાજા થોડો થઈ જવાનો હતો ? ગધેડાને માથે સિંહનું ચામડું ઓઢાડો તોપણ એ ગધેડો સિંહ નહીં થાય. નકલથી કદી પ્રગતિ થતી નથી. એ તો સાચેસાચ માણસમાં આવેલા ભયાનક અધઃપાતની નિશાની છે.
7. હું માનું છું કે સામાન્ય જનોની ઉપેક્ષા એ આપણું ઘોર રાષ્ટ્રીય પાપ છે અને આપણાં પતનનાં કારણોમાંનું એ એક છે. જ્યાં સુધી ભારતનાં લોકોને એક વાર ફરીથી સારી કેળવણી, પુરતું અન્ન અને યોગ્ય સારસંભાળ ન મળે ત્યાં સુધી આપણું બધું રાજકારણ વ્યર્થ છે.
8. માણસ તમને ઘણો વિદ્વાન લાગે કે સાવ અજ્ઞાની લાગે, પણ તેનામાં વિશ્વાસ રાખો; માણસ તમને દેવ જેવો દેખાય કે દાનવની મૂર્તિ જ દેખાય પણ તેનામાં વિશ્વાસ રાખો. પ્રથમ માણસમાં શ્રદ્ધા રાખો પછી જો તેનામાં ખામીઓ જણાય, જો તે ભૂલો કરે, જો તે પ્રાકૃતમાં પ્રાકૃત અને હલકામાં હલકા સિદ્ધાંતોમાં માને તોપણ એમ માનજો કે એ બધાં તેના સાચા સ્વભાવનાં લક્ષણો નથી, પણ તેની સમક્ષ ઊંચા આદર્શોના અભાવનું એ પરિણામ છે.
– સ્વામી વિવેકાનંદ
via- Ranmalbhai Sindhav