Mojemoj.com

Best Gujarati Blog

અહંકાર – ઈગો ઓગાળવાની ટીપ્સ | Tips to come out of your EGO

Tips to come out of your EGO
અહંકાર જેટલો સ્થુળ અને દેખીતો છે એનાથી સો ગણો સુક્ષ્મ અને જટિલ છે. ‘આપણને નામની નથી પડી’ એવું કહેનારનું વજન ‘આપણને’ શબ્દ પર હોવાની શકયતા નકારી ન શકાય. જેટલો અહંકાર ઓછો તેટલી સહજતા અને હળવાશ વધું. અહંકારના નિર્મુલન માટે મોટા ઓપરેશન (જેમ કે યોગ, ધ્યાન, એકાંતવાસ, ઉપવાસ) કરવાંથી ઈગો ઓર મોટો બની શકે છે. ઈગોનો બેઝ ‘હું છું’ તે છે. એટલે ‘હું’ રોજીંદા પ્રસંગોએ જે રીતે વર્તન કરે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો અહંકાર ઉપર કંઈક કામ થઈ શકે. આજે એવી કેટલીક રોજબરોજની બાબતો મુદ્દાસર જોઈએ, જે વડે અહંકારને ઓગાળી શકાય. (નોંધ: આ સૂચનો કરનારનો અહંકાર નિર્મુલન થયો છે એવું માનવું ભોળપણ ગણાશે. ઈગો ઓગાળવાની ટીપ્સ, આજના ‘સ્મોલ સત્ય’ માંથી)

1. મંતવ્ય આપતી વેળા ચહેરાને અને શરીરને અંદરથી જોઈ લેવું. જો મંતવ્ય આપતી વેળા શરીર ટટ્ટાર થાય, આંખોમાં ખુન્નસ આવી જાય, ચહેરો તંગ બની જાય, અંગુઠો ભીંસાવવા માંડે તો તમે તમારા ઈગોને ઉછેરી રહ્યા છો.
2. પાર્ટીમાં પ્રવેશીએ તો સૌનું ધ્યાન આપણા પર ખેંચાય એવા પ્રયત્નો ન કરવા. વાતો, હાવભાવ, ગીમીકસ, જૉકસ વગેરે દ્વારા જો અન્યનું ધ્યાન આપણા ઉપર કેન્દ્રીત થાય તો માનવું કે ‘હું’ મન્કી-ડાન્સ કરી રહ્યો છે.
3. આપણું જ્ઞાન, અનુભવો, ડાહપણ અન્ય સામે ખોલતાં જરીક ચેક કરવું, કારણ કે મહદાંશે એ વેળા અહંકાર એ સાબિત કરવા માંગે છે કે ‘મને ખબર છે’.
4. વાતચીત ચાલતી હોય ત્યારે આપણી વાત કહેવાની જે અદમ્ય ઈચ્છા થઈ આવે એને જરીક પૉઝ આપવો, કારણ કે ‘આપણી’ વાત કહેવાની ચળ થાય છે ત્યારે અહંકાર જોર કરતો હોય છે.
5. ‘સેન્સ ઓફ હ્યુમર’ સારી બાબત છે, પણ તપાસવું કે આપણી મજાક કરવાની સ્ટાઈલમાં આપણો અહંકાર તો મજબુત નથી બની રહ્યો ને?
6. ફેસબુક પર ઓછા ગમતા વ્યક્તિની કે જેની સાથે અણબનાવ હોય એવા વ્યક્તિની જે પોસ્ટ ગમે એને ‘લાઈક’ કરવી. ઈગો તો એ સારી અને ગમી ગયેલી પોસ્ટ અંગે પણ, ‘એમાં શું નવું છે!’ જેવા ચિત્ર-વિચિત્ર લોજીક કરી, તમને એ પોસ્ટ ‘લાઈક’ નહીં કરવા દે. એ લાઈક ન કરવાની પળે અહંકાર પર કામ થઈ શકે છે. અણગમતા વ્યક્તિની ગમતી બાબતને ‘લાઈક’ કરી તમે આખરે તમારા ઈગોને જ ડાઉન કરો છો અને ફાયદો તમને જ છે. સામેવાળાને જે થાય એ એનો પ્રોબ્લેમ છે.
7. વાતેવાતે જો તમનું ઓછું આવતું હોય, ખોટું લાગી જતું હોય, તમારી અપેક્ષા પ્રમાણે ન થાય તો ચેન સ્નેચીંગ થઈ જતું હોય તો એનો અર્થ એ કે તમારો ‘હું’ ખાસ્સો મોટો છે. એ ‘હું’ના ખભે હાથ ફેરવી, એના કાનમાં કહેવું: દીકરા, ઈટસ ઓકે!
8. દિવસમાં ‘મને તો આવું જ ગમે’ અને ‘મને તો આવું ન જ ગમે’ એવા પ્રકારના વાકયો આપના મુખેથી કેટલી વાર સરી પડે છે એની એકાદ દિવસ નોંધ રાખવી. ચિત્ર આપોઆપ સ્પષ્ટ થઈ જશે.
9. કોઈક બાબતે તમારા વખાણ થાય ત્યારે અંદર એ હોશ રહે કે એ વખાણ તમારા નથી થઈ રહ્યા, તમારી જે તે બાબત કે કાર્યના થઈ રહ્યા છે. .
10. આપણી ભૂલ થાય તો એને શકય એટલી જલ્દી અને શકય એટલી ચતુરાઈ વિના સ્વીકારી લેવી. ભૂલ સ્વીકાર કરવો તે ઈગોને ડાઉન કરવાનું બ્રહ્માંસ્ત્ર છે. ટ્રાય ઈટ.
11. આપણાથી નાના માણસને કોઈને ખ્યાલ આવે એ માટે માન ન આપવું.
12. નાકનું ટેરવું અને આંખોની ભ્રમર જેમ ચડે એમ ઈગો ચડે, એ જેમ નમે તેમ ઈગો ઓગળે.
13. આપણા અંગે સારી વાતો થતી હોય ત્યારે એ વાતપ્રવાહને સભાનતાપૂર્વક અન્ય વાતો તરફ ડાઈવર્ટ કરવો.
14. સામેવાળો આપણને ‘હાય કે હેલ્લો’ કરે એની રાહ ન જોવી. એ રાહ જોવાના સમયનો ઉપયોગ બેધ્યાનપણે ઈગોને વિકરાળ કરવામાં થાય છે. ‘આપણે એને સામેથી બોલાવીશું તો એનો ઈગો ફૂલશે, એ છકી જશે’ વગેરે વગેરે કુતર્ક ન કરવા. એનું જે થવું હોય તે, એ એનો પ્રોબ્લેમ છે.
15. આપણે (સામાજીક અને વ્યવસાયિક રીતે) શું છીએ અને શું કરી શકીએ છીએ એવું દુનિયાને જણાવવાનો જે આવેગ આવે એને શકય એટલો ગળી જવો.
16. ટ્રાફિક પોલીસ પકડે ત્યારે ફલાણાને કે ઢીંકણાને ફોન કરવાની ઉતાવળ ન કરવી. સોરી કહેવું, દંડ ભરી દેવો.
17. વાહન ચલાવતી વેળા આપણી આગળ કોઈક નીકળી જાય તો ખુશ થવું. ફાટક બંધ હોય તો આપણી લાઈનમાં ઉભા રહી ફાટક ખુલવાની રાહ જોવી. ભારતમાં આવું ‘ટ્રાફિક ધ્યાન’ કરવાની તકો મળતી રહે છે. માટે તો અહીં અધ્યાત્મની વિપુલ તકો છે અને ધોળિયાઓ ભારત આવે છે.
18. વિવિધ ક્ષેત્રની કેટલી જાણીતી વ્યક્તિઓને તમે ઓળખો છે, તમારે એમની સાથે કેવા ઘર જેવા સંબંધો છે એની વાત સગી પત્ની કે સગા પતિને પણ કહેવાનું ટાળવું.
19. પોતાને પડેલા દુ:ખનું પોટલું જેમતેમ ખોલવું નહીં. દુ:ખ કહેતી વેળા ઈગો નૂતન સ્વરુપ ધારણ કરે છે.
20. જે પણ કાર્ય કરીએ તેની પાછળ ‘મૂળ વૃતિ શું છે?’ એવો મૂળ પ્રશ્ન સતત પૂછતા રહેવું.
21. જો અહંકાર શબ્દના ધ્વનિમાં ઓમકાર સંભળાતો હોય તો ઈ.એન.ટી. પાસે કાનનું ચેક અપ કરાવી લેવું.

આભાર: મુકેશભાઈ મોદી

Updated: May 25, 2017 — 10:37 am

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!