Mojemoj.com

Best Gujarati Blog

શુકનમાં લાપસી જ શા માટે ? જાણવા જેવું

આપણા વડવાઓ બહુ જ હોંશિયાર, સમજદાર, દીર્ધદષ્ટિવાળા, હિતેચ્છુ અને શુભ ભાવનાઓવાળા હતા. આપણે પ્રત્યેક પર્વ અને વ્રત તેમજ શુભ પ્રસંગોએ ખાવામાં પીવામાં અને આહાર-વિહારમાં જે પણ રિવાજો દાખલ કરવામાં આવ્યા છે, તેની પાછળ શારીરિક તંદુરસ્તી અંગે પૂરેપૂરો વિચાર કરવામાં આવેલો છે. તેની પાછળ સંપૂર્ણપણે આયુર્વેદનો યુક્તાહારનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આની પાછળ પણ વાસ્તવમાં સંપૂર્ણ વિજ્ઞાન જ રહેલું છે. પ્રત્યેક પરિવારોમાં અને ખાસ કરીને બ્રાહ્મણોમાં તો વિશેષ, દરેક શુભ પ્રસંગોએ જમણવારમાં બીજી કોઈ પણ મીઠાઈને બદલે હંમેશા ઘઉંની લાપસી અથવા ચૂરમું (છૂટો લાડુ) પીરસવામાં આવે છે એનું અનેકમાંનું એક કારણ એ છે કે લાપસી એ સલામત રીતે પૌષ્ટિક આહાર છે. લાપસીની બનાવટમાં વપરાતી ઘઉંની અંદરના બીજ, ગોળ અને ઘીની પૌષ્ટિકતાને દૂધપાક, શ્રીખંડ, બાસુંદી, ઘેબર, લાડુ, મોહનથાળ, મેસુર, પૂરણપોળી કે બીજી કોઈપણ માવા મીઠાઈ પહોંચી શકે તેમ નથી.

જેને આપણે વિટામિન્સ તરીકે ઓળખીએ છીએ તે વિટામિન્સ આપણી જીવનશક્તિ વધારે છે. વૈજ્ઞાનિક સંશોધન દ્વારા એ વાત સિદ્ધ થયેલી છે કે ઘઉંનો લોટ જેમ જેમ બારીક દળવામાં આવે છે તેમ તેમ તેની અંદર રહેલા બીજગુણોનું આયુષ્ય પૂરું થઈ જાય છે. મશીન વડે ચાલતી લોટ પીસવાની ઘંટીમાં દળેલો લોટ એકદમ બારીક લોટ હોવાને લીધે તેમાંથી બનેલ ચીજોનું પાચન ત્વરાથી થતું નથી. એક વાત ખાસ યાદ રાખો કે વિટામિન ‘બી’ નો નાશ ઘણી જ સખત ગરમી સિવાય ક્યારેય થતો નથી. મશીનથી ચાલતી ઘંટીમાં જ્યારે ઘઉંને એકદમ બારીક પીસવામાં આવે છે ત્યારે તેમાં એટલી બધી ગરમી થઈ હોય છે કે જેથી તેની અંદરનાં પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. આપણે આવી દોષયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરી બીમારીઓને આમંત્રણ આપીએ છીએ અને પછી થયેલાં દરદોના ઉપાય માટે હેરાન થઈએ છીએ. આજનું વિજ્ઞાન પણ મશીનના દળેલા લોટમાં થોડુંક ભૂસું નાખીને રોટલી બનાવવાની સલાહ આપે છે. એટલે કે લોટના ચારણને ફેંકી દેવા કરતાં બચાવીને વાપરવું ડહાપણ ભરેલું છે. તેમ કરવાથી આપણને તેનો પૂરેપૂરો લાભ મળે છે અને તેના અભાવે થતી બીમારીઓથી પણ બચી શકીએ છીએ.

લાપસી માટે વપરાતા ઘઉંના ફાડા અગત્યના એટલા માટે છે કે તે ઘઉંની બનાવટ હોવા છતાં પણ તેનું પૌષ્ટિક મૂલ્ય ઘઉં જેટલું જ રહે છે, જ્યારે બીજી બનાવટોમાં થોડુંઘણું પોષણ ઓછું થાય છે. ઘઉંના ફાડામાં ખરેખર આખા ઘઉંના દાણાનો બધો જ ભાગ આવી જાય છે. ઘઉંના ઉપરના થૂલાના પડમાંથી સ્નાયુઓ માટે ઉત્તમ જાતનું પ્રોટીન મળે છે. વચલા ભાગ કરતાં તે દશ ગણો ક્ષાર પૂરો પાડે છે. જ્ઞાનતંતુ તથા હાડકાં માટે ફોસ્ફરસ અને કાળી દ્રાક્ષ કરતાં બમણા પ્રમાણમાં શરીરમાં રતાશ લાવનારું લોહી પૂરું પાડે છે તેમજ કબજિયાત અટકાવવા માટે તે જરૂરી કૂચો પૂરો પાડે છે. ઘઉંના છોડમાં રફેજ અથવા રેસા અથવા ફાઈબર સારું મળે છે જે પેટ સાફ રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. ઘઉંની મીઠાશ- મધુરતા પણ તેમાં જળવાય છે. ઘઉં રસમાં મધુર અને વીર્ય તેમજ વિપાકમાં શીતલ છે. ઘઉંમાં રહેલાં પ્રોટીન, સ્ટાર્ચ, ફેટ તથા તંતુ મનુષ્યનાં શરીર માટે બળદાયી, પોષક, વીર્યવર્ધક અને પુન:જીવનદાતા છે. લોહીને શુદ્ધ રાખવા માટે તથા બીજી કેટલીક ક્રિયાઓ માટે શરીરને મોટા પ્રમાણમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કલોરિન, સલ્ફર અને આર્યન – આ આઠ જાતના ક્ષારની જરૂરત હોય છે.

ઘઉંમાં આ આઠે આઠ જાતના ક્ષાર સારા પ્રમાણમાં મળી રહે છે અને શરીરને તે થૂલા, ફાડા વગેરે દ્વારા પૂરા પાડી શકાય છે. કબજિયાત અટકાવવા અને આંતરડાંના ખોરાકને ગતિ આપવા ‘કૂચા’ અથવા રેસાવાળા પદાર્થની જરૂરત છે. તે કૂચા પૂરા પાડનારા પદાર્થોમાં થૂલું, ફાડા તથા ફોતરાં ઉત્તમ છે. કારણ કે તે આંતરડાંને છોલતાં નથી. જ્યારે પાચક દવાઓ આંતરડાંને છોલીને દસ્ત લાવતી હોવાથી છેવટે ભયંકર રોગ ઉત્પન્ન કરે છે. થૂલું કાઢી નાંખવાથી લોટમાંથી એવી જાતનાં તત્વો નીકળી જાય છે જેની ઉણપ બીજા કોઈપણ જાતના ખોરાકથી પૂરી કરી શકાતી નથી. આને પરિણામે રોગ ઉત્પન્ન થવાનાં જોખમો વધી જાય છે. પ્રોટીન્સ, વિટામિન્સ અને ક્ષારો એ રક્ષણાત્મક આહાર છે. બાળપણ અને યુવાનીમાં પ્રોટીન વિશેષત જરૂરી છે. લેવાતા આહારમાં ફક્ત પ્રોટીનના અલ્પ પ્રમાણના કારણે જ સમાજમાં માંદગીનું મોટું ચિત્ર છે. ખોરાકના છ ઘટકો કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, ક્ષાર, વિટામિન્સ અને પાણી આ તમામે તમામ ઘટકો ઘઉંમાં સમાયેલા છે અને તેનાથી દુર્બળ-અશક્ત મનુષ્ય પુષ્ટ થાય છે, તેનું વજન વધે છે અને તેની ગેસ તથા કબજિયાતની ફરિયાદ દૂર થાય છે.

આપણા દેશમાં શ્રીમંત વર્ગમાં માલ-મલીદા ખાવા છતાં પણ નિ:સંતાનપણું વિશેષ જોવામાં આવે છે, જ્યારે ગામડામાં ગરીબ લોકોને ત્યાં લૂખો-પાંખો ખોરાક લેવા છતાં પણ બાળકની કતાર લાગેલી હોય છે. તેમના ખોરાકનો અભ્યાસ કરવાથી વૈદ્યો અને વિજ્ઞાનશાસ્ત્રીઓને વિટામિન ‘ઈ’ સંબંધી વિશેષ જ્ઞાન લાધ્યું છે. આ વિટામીન ‘ઈ’ ઘઉંમાં સારા પ્રમાણમાં હોય છે. વિજ્ઞાનશાસ્ત્રીઓએ વિટામીન ‘ઈ’ને રિપ્રોડકટીવ (સર્જક) વિટામિન તરીકે ઓળખાવેલ છે. બીજી રીતે શરીર બરાબર હોવા છતાં વિટામીન ‘ઈ’ના અભાવે નિ:સંતાનપણું આવે છે તેમ તેઓનું માનવું છે. આજે જગત અનેક પ્રકારની વ્યાધિઓથી પીડિત છે. ડૉક્ટરો વધતા જાય છે, રોજબરોજ નવી દવાઓ અને દવાખાનાં વધતાં જાય છે અને તેમ છતાં માનવીને સાચાં સુખશાંતિ દુર્લભ થતાં જાય છે. આનું કારણ એ છે કે, અથર્વવેદના એક અંગ આયુર્વેદમાં દર્શાવેલા તંદુરસ્તી જાળવવાના નિયમોની ઘોર ઉપેક્ષા થઈ રહી છે અને ખોરાકમાં પૌષ્ટિક તત્વો અથવા તો ઉપયોગી તત્વો જો પૂરતા પ્રમાણમાં લેવામાં ન આવે તો કેટલીક જાતનાં ખાસ દરદો થાય છે અને તેની ખાસ ચિકિત્સા પણ, એ જ ઉપયોગી તત્વોની ખામી દૂર કરવાથી દરદો દૂર થઈ જાય છે. તાત્પર્ય કે, આરોગ્યસંપત્તિ અને સૌંદર્ય સર્વે પૌષ્ટિક આહારથી જ પ્રાપ્ત થાય છે.

શરીર તંદુરસ્ત રહે તેમ દરેક માનવી ઈચ્છે છે, તેમ છતાં તેમ કરવા માટે તે આહારના નિયમોનું પાલન કરતો નથી તે હકીકત છે. અત્યારની નવી પેઢીઓનાં માનવીઓ આ રિવાજોનું પાલન કરતાં નથી. પહેલાં બાળકનું નામ પાડતી વખતે બારમા દિવસે આખા ઘઉંને બાફીને તેની ઘુઘરી બનાવી, ઘુઘરીમાં પણ ગોળ-ઘી નાંખી આપવામાં આવતી હતી. વૈજ્ઞાનિક દષ્ટિકોણથી આ ઘુઘરી તો લાપસી અને ચૂરમા કરતાં પણ વધુ પૌષ્ટિક છે તેમ છતાં, આજના જમાનામાં પોતાને સુધરેલા ગણાવતાં લોકો આટલું નગ્ન સત્ય સમજી શકતાં નથી અને તેઓના શુભ જમણવારોમાં લાપસીને યાદ કરી તે જમાડવાને બદલે લાપસીને રાંધનારા, પીરસનારા અને જમાડનારાની મશ્કરી કરે છે. તેમને વહેમીલા ગણાવી તેમના ઉપર અંધશ્રદ્ધાળુનો આક્ષેપ મૂકી તિરસ્કારની નજરે જોઈ પોતાને આધુનિક ગણાવી ગૌરવ અનુભવવાનો દેખાવ કરે છે અને બાપદાદાઓને મૂર્ખમાં ખપાવવાનો પ્રયત્ન કરે છે.

આ બધાના પરિણામે અત્યારે મેંદાના લોટનો વપરાશ દિનપ્રતિદિન વધી રહ્યો છે. પણ પ્રયોગથી એ વાત સાબિત થઈ ચુકેલી છે કે મેંદો શરીરને પોષવાને બદલે નુકશાન પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલા માટે આપણા વડવાઓ આજે પણ કહે છે કે આડા દિવસોમાં તમે એવો પોષ્ટિક આહાર નિયમિત ખાતા જ નથી પણ સારા પ્રસંગોમાં શુભ અવસરે શુકનમાં તો આ લાપસી કે ચૂરમું ખાઓ ! આવાં જીવનતત્વ અને વિટામીનથી ભરપૂર લાપસી જેવા ખોરાકને શુભ પ્રસંગોએ જમણવારમાં તો સમાવીએ ખરા જ પરંતુ નિયમિત ખોરાકમાં પણ તે અપનાવી લેવામાં જ શાણપણ છે એવું નથી લાગતું ?

સોર્સ: રીડગુજરાતી

 

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!