‘ભારત રત્ન’ થી વિશેષ બીજું કઈ હોય ખરું? – વાંચવા જેવી સત્ય ઘટના

c-v-raman-story-min

1954ના વર્ષની આ વાત છે.
દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’ માટે એવા એવા મહાપુરુષની પસંદગી કરવામાં આવી હતી કે જેમણે એમની તમામ શોધો દેશને અર્પણ કરી હતી. ડો.સી.વી.રામનને જ્યારે ‘ભારત રત્ન’ આપવાની જાહેરાત થઇ ત્યારે એ પોતાના સંશોધન કક્ષમાં કોઇ કામમાં વ્યસ્ત હતા.
ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિશ્રીએ ડો. સી.વી.રામનને આ બાબતે પત્ર લખ્યો અને આ દેશ એમની સેવાઓને ‘ભારત રત્ન’ના એવોર્ડથી બિરદાવવા માંગે છે તે જણાવ્યુ. એવોર્ડ આપવા માટે 27મી માર્ચનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. મહામહિમ રાષ્ટ્રપતિશ્રીનો આ પત્ર જ્યારે ડો. રામનને મળ્યો ત્યારે તેઓ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.
દરેક વ્યક્તિ આવુ સર્વોચ્ચ સન્માન ઝંખતી હોય છે જ્યારે ડો. સી.વી.રામને રાષ્ટ્રપતિશ્રીને વળતો પત્ર લખીને ‘ભારત રત્ન’ એવોર્ડ માટે પોતાની પસંદગી કરવા બદલ્ આભાર માન્યો અને પોતે 27 માર્ચના રોજ આ એવોર્ડ લેવા માટે દિલ્લી ખાતે હાજર નહી રહી શકે તે માટે દિલગીરી પણ વ્યકત કરી. બધાને આશ્વર્ય થયુ કે ડો. રામને કેમ દિલ્લી જવાની ના પાડી દીધી.
એક પત્રકારે ડો. રામનનો સંપર્ક કરીને આ બાબતે પુછ્યુ ત્યારે એમણે બહુ સહજતાથી કહ્યુ, “ ભાઇ, તમે બધા માનો છો એવુ કંઇ નથી. મેં એવોર્ડનો અસ્વિકાર નથી કર્યો પણ 27મી તારીખે હું દીલ્લી હાજર નહી રહી શકુ એમ જણાવ્યુ છે. એક વિદ્યાર્થી અત્યારે મારા માર્ગદર્શન નીચે પીએચડી કરી રહ્યો છે. યુનિવર્સિટીમાં એના સંશોધનને રજુ કરવાની આખરી તારીખ 31મી જાન્યુઆરી છે. જો હું એવોર્ડ લેવા માટે દીલ્લી જાવ તો મારો વિદ્યાર્થી સમયસર એનું સંશોધન રજુ ન કરી શકે. મારા માટે મારા વિદ્યાર્થીનું કાર્ય સર્વોચ્ચ એવોર્ડ સમાન જ છે એટલે હું દીલ્લી જવાનો નથી અને આ બધી જ બાબતથી મેં મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને પત્ર દ્વારા વાકેફ પણ કરેલા છે.”
આપણે જે કંઇપણ કાર્ય કરતા હોઇએ એ કોઇ કાર્ય સામાન્ય નથી. ડો. રામનની જેમ પોતાના કાર્યને ‘ભારત રત્ન’થી વિશેષ મહત્વ આપતા થઇશુ ત્યારે આપણે ’ભારત રત્ન’ સુધી નહી જવુ પડે પણ ‘ભારત રત્ન’ આપણા સુધી સામે ચાલીને આવશે.

Leave a Reply

error: Content is protected !!