Mojemoj.com

Best Gujarati Blog

દેરાણી – જેઠાણી | એક યુનિક સંબંધ જો દરેક સ્ત્રી સમજી શકે

અનુરાધા દાદરો ચડીને ઉપર આવી તો તેજસ વિચારોમાં ડૂબેલો હતો. અનુરાધા વિચાર મગ્ન તેજસને મનમાં ને મનમાં મલકાતા જોઈ રહી. અને પછી ગાલે ટપલી મારીને હસી પડતાં કહ્યું : ‘અત્યારના પહોરમાં ક્યાંના ક્યાં ખોવાઈ ગયા, તેજસભાઈ ?’
‘ઓહ ભાભી….’ છોભીલા પડી જતાં તેજસે કહ્યું : ‘બસ, એમ જ બેઠો હતો. ક્યાંય ખોવાઈ ગયો ન હતો ભાભી….’
‘રહેવા દો, જૂઠું બોલો મા. મને ખબર છે. બધી જ ખબર છે. ભલે તમારું શરીર અહીં હતું, પણ મન ?… મન તો મારી દેરાણી પાસે પહોંચી ગયું હતું. બોલો સાચું ને ?’ અનુરાધાએ કાનપટ્ટી પકડી કહ્યું : ‘આટલાં વરસ થયાં. દિયરજી ! તમે તો માંડ પંદર વર્ષના હતા ત્યારે હું આ ઘરમાં પરણીને આવી. અત્યારે તમે પચ્ચીસના થયા. દસ દસ વર્ષમાં મારા નાનકડાં દિયરજીના મનના એક એક તાણાવાણા એકએક ખાસિયતથી હું અત્યાર સુધી અજાણી રહી હોઉં એવું તો બને જ નહીં ને ? બોલો, હું સાચી છું ને ?’ જવાબમાં તેજસ મુક્ત મને ખડખડાટ હસી પડ્યો.
તેજસ હજી તો દસમા ધોરણમાં હતો અને નાની નણંદ મીરા હજી તો આઠમા ધોરણમાં હતી. વિવેકને હજી તો એકવીસમું વર્ષ બેઠું ન બેઠું ને તેનાં લગ્ન થઈ ગયાં. પી.ટી.સી. કરીને તરત જ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરીય મળી ગઈ. મુકુન્દરાય અને સવિતાબહેનને આ ઘરમાં એક રૂમઝૂમ કરતી વહુ આવે એની ઉતાવળ હતી. એક વખત સપરિવાર અંબાજી દર્શન કરવા ગયા તો ત્યાં મુકુન્દરાયની સાથે અગાઉ નોકરી કરતાં અને હાલમાં બદલી થઈને બીજે ગામ જતા રહેલાં જ્ઞાતિબંધુ રમેશભાઈ પણ સપરિવાર આવેલા. બંને પરિવારો અંબાજીમાં ભેગા થઈ ગયા. સવિતાબહેનની નજર તો તત્ક્ષણ રમેશભાઈની મોટી દીકરી અનુરાધા પર ઠરી જ ગઈ. બે દિવસ સાથે રહ્યા એ દરમિયાન જ સવિતાબહેને વિવેકનું માગું ય નાખ્યું. અનુરાધા હતી પણ એવી જ સરસ, નમણી, દેખાવડી, લાગણીશીલ અને એકદમ ભોળી છોકરી !
રમેશભાઈ અને લીલાબહેનને ય વિવેક ગમી ગયો. ઠરેલ, હોશિયાર અને દેખાવડો. સ્માર્ટ લાગતો હતો. ત્યાં ને ત્યાં જ પાક્કું થઈ ગયું. અનુરાધા હજી તો કૉલેજના બીજા વર્ષમાં જ હતી ને લગ્ન લેવાઈ ગયાં. અનુરાધાનાં કુમકુમપગલાં ઘરમાં પડ્યાં ને જાણે રિદ્ધિ-સિદ્ધિના પગલાં થયાં. બે વર્ષમાં તો ઘરનાં ઘર થઈ ગયાં. ફર્નિચર, ફ્રીઝ, કલરટીવી પણ ઘરની શોભા બની રહ્યા. આડોશી-પાડોશી અને સગાંવહાલાં તો અનુરાધાનાં વખાણ કરતા થાકતા નહોતા. ત્રણ વર્ષે તો અનુએ સુંદર મજાના બાબાનીય ભેટ ધરને આપી. યશ નામે, અને એ પછી પાયલ આવી. ઘર આખું કિલ્લોલતું થઈ ગયું.
વિવેક ઘણીવાર અનુરાધાને કહેતો : ‘અનુ, તું આવ્યા પછી તો આ ઘરની રોનક જ ફરી ગઈ છે. જોને, હું ભણતો ત્યારે પિતાજીના નાનકડા પગારને લીધે બહુ ખેંચ ભોગવવી પડતી. જૂની સાઈકલેય ખરીદવાની શક્તિ નહોતી એને બદલે આજે આપણાં નવા નક્કોર સ્કૂટર ઉપર જ્યારે પિતાજીને પાછળ બેસાડીને મંદિરે દર્શન કરવા લઈ જાઉં છું ત્યારે મારી છાતી ગજગજ ઊછળે છે. પણ આ બધું તારે લીધે. તારા વ્યવહારને લીધે, એ તને ખબર છે ? સાચે જ પેલા જ્યોતિષીનું કથન સાચું પડ્યું છે ?’
‘કયું કથન ?’ અનુ આંખો પટપટાવીને પૂછતી.
‘એ જ કે તમારો ભાગ્યોદય તમારા લગ્ન પછી જ થશે. જ્યારે ભાગ્યની દેવી રીઝશે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. અને પછી મારા ભાગ્યની દેવીએ મારા જીવનમાં પ્રવેશીને મારું ભાગ્ય પલટી નાખ્યું….! પણ તને ખબર છે કે એ દેવી કોણ છે ?’
‘કોણ ?’
‘તું જ ! માત્ર તું’ વિવેક, અનુને હળવા આશ્લેષમાં લઈ લેતો….
સવિતાબહેને પણ કબાટની ચાવી અનુરાધાને આપી દીધી હતી. વાતવાતમાં તેઓ અનુરાધાને જ પૂછતાં. કુટુંબમાં, સગાંવહાલામાં લગ્નપ્રસંગ હોય ત્યારે બધાનાં કપડાં ખરીદવાનો અધિકાર અનુરાધાનો જ ! લાડકા દિયરને ભાઈબંધ-દોસ્તાર સાથે બહાર જવાનું હોય તો એ ભાભીને જ પૂછે એટલે ચાલે. પોકેટમની પણ ભાભી જ આપે. નાની નણંદ મીરા પણ ભાભીને પૂછીને પાણી પીવે. ક્યારેક કોઈ કામસર બહેનપણીઓ સાથે સાંજના ઘેર આવવામાં મોડું થાય અને સવિતાબહેન વઢે કે તરત અનુરાધા પોતાની લાડકી નણંદની ઢાલ બનીને આડી ઊભી રહી જાય. તેજસ બારમા ધોરણમાં નાપાસ થયેલો અને પિતાજીના ગુસ્સાનો ભોગ બની ગયેલો. ખીજમાં ને ખીજમાં ઘર છોડી અડધી રાત્રે ભાગી નીકળતા તેજસને, અનુરાધાએ જ સમજાવી પટાવી લીધેલો… અને પછી, એ જ તેજસને આખું વરસ અભ્યાસમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું ને એ જ, તેજસ બોંતેર ટકાએ ઉત્તિર્ણ થયો ત્યારે ઘરમાં હર્ષની હેલી વરસી ગયેલી. એ જ તેજસને બી.બી.એ કરાવી ટૂરિઝમ હોટલમાં મૅનેજર પદનાં સુંદર હોદ્દા સુધી પહોંચાડવામાં અનુરાધાનો ફાળો નાનોસૂનો નહતો. એ જ, તેજસની સગાઈ કરવામાં અનુરાધાને કેટલી હોંશ હોય !
અત્યાર સુધીમાં પૂત્રવત્ રાખેલા તેજસ માટે ગોરી, સુંદર, ઊંચી, નમણી, સ્માર્ટગર્લ, ‘નેહલ’ અનુરાધાની જ શોધ હતી. પોતાનાં લાડકડા દિયર માટે ‘નેહલ’ યોગ્ય પાત્ર હતી. એમ તો પંદર છોકરીઓ જોઈ પણ અનુરાધાને નેહલ ગમી હતી. તેજસે તો કહેલું : ‘ભાભીને જે છોકરી ગમે એ છોકરી મને ગમશે જ….’ અને પછી તો નેહલ બધાને ગમી ગયેલી.
ડિસેમ્બરમાં તો તેજસ- નેહલ પરણીય ઊતર્યા. નેહલ આવી એના બીજા જ દિવસે એણે અનુરાધાના હાથમાંથી કામ છોડાવી દીધું અને કહ્યું : ‘દીદી, તમારે હવે કશું કામ કરવાનું નથી. બહુ કામ ખેંચ્યું. હવે તમારે બા સાથે બેસવાનું. બા સાથે ફરવાનું. મોટાભાઈ સાથે બાકીનો સમય પસાર કરવાનો….’
શરૂશરૂમાં તો અનુરાધાને બહુ ગમતું. પણ કેટલીકવાર તેનું સ્વમાન પણ ઘવાતું. પહેલાં પહેલાં, તેજસ ઑફિસથી ઘરે આવે ત્યારે અનુરાધાની પાસે બેસીને કહેતો : ‘ભાભી સાહિબા, ચા બનાવી આપો ને…’
‘ભાભીજાન, ભૂખ લાગી છે. જમવાનું આપો ને.’
‘ભાભી, કપડાંને ઈસ્ત્રી…’
‘ભાભી, પોકેટમની ! બહુ તકલીફ છે.’
‘ભાભી, નેહલને કશુંક પ્રેઝન્ટ આપવું છે. લઈ આપોને. મને ખબર ન પડે શું આપવું તે-’
‘ભાભી, માથું દુ:ખે છે. વિક્સ લગાવી દો ને.’
સવારનો સૂર્ય ઊગતો ને તેજસ-મીરાંના હોઠોમાંથી ‘અનુભાભી’ ના બોલ શરૂ થતા તે છેક રાત્રિના અગિયાર લગી….હવે એ શબ્દોમાં ઓચિતું પરિવર્તન આવી ગયું છે. ‘અનુભાભી’ નું સ્થાન નેહલભાભીએ લઈ લીધું છે. નણંદ અને દિયરની લાગણી ‘નેહલ’ તરફ વળી ગઈ છે. હવે તો બા પણ ‘નેહલ બેટા’ કહીને તેને જ પૂછે છે.
એવામાં મીરાંની સગાઈ નક્કી થઈ. ઘરેણાં અને કપડાં ખરીદવાની વાત આવી. અનુરાધાને હતું કે હમણાં જ બા મને બોલાવીને પૂછશે અનુ, બેટા, શું કરશું ? એમ કરને, બધી ખરીદી કરી આવને….. એને બદલે પોતાની જાણ બહાર જ બાએ અને નેહલ-મીરાંએ મળીને ખરીદીનું આયોજન કરી તો નાખ્યું અને એક દિવસ લઈ પણ આવ્યા. તે દિવસે સાંજે, નેહલે બધી ખરીદીની ચીજવસ્તુઓ બતાવવા અનુને બૂમ પાડી, અનુરાધા આવી તો એના આશ્ચર્ય વચ્ચે – ’
‘અરે, તમે બધી ખરીદી કરી આવ્યા, મને વાતેય ન કરી ?’ અનુરાધાએ પૂછ્યું. જવાબમાં મીરાંએ કહ્યું : પણ ભાભી, નેહલભાભી સાથે હતા ને એટલે તમને ક્યાં હેરાન કરવા ? જુઓ તો ખરા, નેહલભાભીની પસંદગી કેટલી મસ્ત છે !’
અનુરાધાના દિલને ઠેસ પહોંચી. એ ગુમસુમ બનીને વિચાર ચક્રાવામાં પડી ગઈ. ધક્કો લાગણીને વાગ્યો અને ટપકી પડ્યાં આંખમાંથી આંસુ. નેહલ તો તેને સાડી બતાવતી હતી. પણ અનુરાધાનું મન ક્યાં તેમાં હતું ? પાંપણોને છેદીને એ અશ્રુબિંદુ સાડી ઉપર પડ્યા ને નેહલ હેબતાઈ ગઈ… આમ તો અત્યાર સુધીની અનુરાધાની ઉદાસીનતાની તેણે નોંધ લીધી હતી પણ આજ… આજ તેને સાચું કારણ મળી ગયું હતું. આજ એણે ગાંઠ લીધી કે ભાભીને પૂછ્યા વગર એ પાણી નહીં પીવે. અનુરાધા ભારે હૈયે ઉપર પોતાના રૂમમાં ચાલી ગઈ. હજી નેહલનાં, અનુરાધાનાં કપડાંની ખરીદી બાકી હતી. બંને બાળકોની ખરીદીય બાકી હતી. તે દિવસે સવિતાબહેને, નેહલને બોલાવીને કહ્યું : ‘નેહલ બેટા, તારા અને તારી જેઠાણીનાં કપડાં બાકી છે. એમ તો એક સૂટ અને વીંટી જમાઈને પણ આપવાની છે. તું અને મીરાં જઈને –’
‘ના બા ! એ તો ભાભીનું જ કામ. મને ન ફાવે. હા, હું ભાભી સાથે જરૂર જઈશ.’
‘અચ્છા, એમ કરજો તો તું અનુરાધાને કહી દેજે –’
‘ના બા. એ તમે કહો એ જ સારું લાગે. હું કહું એ યોગ્ય ન લાગે. તમે વડીલ છો.’
બીજે દિવસે સવારે અનુરાધા નહાઈ ધોઈ વાળ ઝાટકતી હતી ત્યાં જ, સવિતાબહેને તેને બોલાવીને કહ્યું : ‘અનુ બેટા, હજી સુજિતકુમાર માટે એક સૂટનું કાપડ અને વીંટી લાવવાની છે. તમારા બેય દેરાણી-જેઠાણીનાં કપડાંય બાકી છે. છોકરાવનાય કપડાં બાકી છે. એ તમે પોતે જ લઈ આવો. અને એ કામ તમારું છે. અત્યાર સુધી તમે જ આ બધું કર્યું છે. નેહલ નાની છે એને કંઈ ખબર પડશે નહિ. એટલે તમે….’
‘ના બા. નેહલને બધી ખબર પડે જ છે. હવે તો એ શીખી ગઈ છે.’ અનુરાધાના ચહેરા પર આછો રોષ ભળ્યો.
‘ના હો દીદી, આ તો મીરાંબહેનનાં કપડાં લેવાનાં હતાં એટલે જ ગઈ. બાકી આપણું કામ નહીં. પ્લીઝ ભાભી, પ્લીઝ… તમે ના આવો તો મારા સોગંદ છે. તમારે આવવું જ પડશે.’ કહી નેહલ અનુરાધાની કોટે વળગીને ગદગદ થઈ જતા લાડથી કહ્યું ત્યારે અનુરાધાએ પ્રેમથી સફરજન જેવા લાલ ગાલ ઉપર ચૂંટી ખણતાં કહ્યું : ‘મારી ગાંડી દેરાણી તોફાન છોડ, હવે તું નાની નથી. કાલે સવારે તો એક સંતાનની મા બની જઈશ. એ ખબર છે ? ઠીક ચલ, તારી હઠ છે તો હું આવીશ, બસ ?’
‘થેંક્યૂ ભાભી. માય સ્વીટ દીદી.’ કહેતાં નેહલે અનુરાધાના ઉરમાં પોતાનું માથું છુપાવી દીધું અને અનુરાધાનો હૂંફાળો હાથ નેહલની પીઠ પર ફરતો રહ્યો. બંને વચ્ચેનો સૂકાયેલો લાગણીનો છોડ ફરીથી નવપલ્લિત થઈ મહોરી ઊઠ્યો !!

લેખક: યોગેશ પંડ્યા

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!