આવુ તો ફક્ત એક ગુજરાતી જ કરી શકે – સહમત કે?

savajibhai-dholakiya-min

શ્રીમાન સવજીભાઈ ધોળકિયા. આ નામ તમે સાંભળ્યું જ હશે. સુરતની 6000 કરોડની હરેકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક અને દર વર્ષે કંપનીના કર્મચારીઓને કરોડો રૂપિયાનું બોનસ આપનાર તે આ સવજીભાઈ.

સવજીભાઈનું વતન લાઠીની બાજુમાં આવેલું દુધાળા નામનું નાનું એવું ગામ. વર્ષો પહેલા મોટાભાઈ ગોવિંદભાઇ ઘોળકિયાની સાથે સુરતમાં આવ્યા અને સખત પુરુષાર્થથી સફળતાનાં શિખર સુધી પહોંચ્યા. ગોવિંદભાઇ અને સવજીભાઈ બંને મુઠ્ઠી ઊંચેરા માણસ છે. સુરતમાં રહ્યા રહ્યા પણ વતનના લોકો માટે કાંઈકને કંઈક સેવાકાર્ય કર્યા કરે અને વતન માટે બહુ મોટી આર્થિક મદદો પણ કરી છે.

અત્યારે સવજીભાઈએ એક અભિયાન શરુ કરું છે. વતનના ગામ દુધળામાં 100 વિધા જમીનમાં એક વિશાળ તળાવના નિર્માણનું કામ. આ તળાવના નિર્માણથી આજુબાજુના કેટલાય ગામોમાં પાણીના સ્તર ઊંચા આવશે અને કેટલાય લોકોના તથા પશુઓના જીવન આબાદ થશે. જે ખેતરો સૂકાભાઠ્ઠ લાગે છે એ ખેતરો હરિયાળા બનશે અને આખા વિસ્તારની કાયાપલટ થઈ જશે. આ વિશાળ તળાવ ફરવા માટેનું સ્થળ બનશે અને પ્રવાસીઓ આ તળાવની મુલાકાત પણ લેશે. આ અદભૂત અને અનોખું તળાવ તૈયાર કરવાનો ખર્ચ સવજીભાઈ ધોળકિયા આપી રહ્યા છે.

સૌથી અગત્યની વાત એ છે કે સવજીભાઈ સુરતમાં એસી ઓફિસમાં બેઠા બેઠા ગામડામાં તળાવની કામગીરી કરાવી શકે પણ તેમ કરવાને બદલે છેલ્લા કેટલાય દિવસથી એ ખુદ દુધાળા આવી ગયા છે. આજે નાનો ખેડૂત પણ પોતાના ખેતરમાં જતો નથી ત્યારે આ અબજોપતિ ઉદ્યોગપતિ 40 થી 45 ડિગ્રી તાપમાં તળાવનું કામ ઉપર ઉભા રહીને જાતે કરાવી રહ્યા છે. તમે ફોટામાં ટાઈ અને કોટ પહેરેલા સવજીભાઈને જોયા પણ દુધળામાં આવીને જોવો તો તમને એક ગામડાના ખેડૂત જેવા માથે ફાળિયું બાંઘીને આંટા મારતા જોવા મળે.15 જેટલા જેસીબી અને 150 જેટલા ડમ્પર-ટ્રેક્ટર આ મહા અભિયાનમાં કામે લાગ્યા છે. જેનું પોતાનું ચાર્ટર્ડ પ્લેન છે એવા સવજીભાઈ સવારના 7 વાગ્યાથી મોડી સાંજ સુધી આકાર તાપ અને ધૂળની ડમરીઓ વચ્ચે પણ સેવાયજ્ઞમાં હાજર રહે છે.

આજે માણસ પોતાના માટે પણ શારીરિક શ્રમ કરવા તૈયાર નથી ત્યારે સવજીભાઈ જેવી વ્યક્તિ બીજાના માટે ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે. વતનની માટી પ્રત્યેનું ઋણ અદા કરવાની એમની સેવાભાવનાને વંદન સાથે અભિનંદન

– શૈલેશ સગપરીયા

Leave a Reply

error: Content is protected !!