આજે ભીમ અગિયારસ – નિર્જળા એકાદશી – જાણો પૌરાણિક મહત્વ
આજે જેઠ સુદ અગિયારસ એટલે કે ભીમ અગિયારસ છે. આજના દિવસે ગાયત્રી મંત્રનો ઉદ્દભવ થયો હોવાથી ગાયત્રી જયંતિ પણ ઉજવવામાં આવે છે.
વૈષ્ણવો ગાયત્રી માતાના ઉપાસકો અને ખેડૂતો માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે.
ભીમ વૈવર્ત પુરાણમાં એવી વાર્તા છે કે ભીમ ખાવાનો ખૂબ જ શોખીન હતો. તે જરાય ભૂખ્યો રહી શકતો નહોતો. વર્ષમાં કુલ ૨૪ એકાદશી આવે છે અને તે બધી જ એકાદશી રહેવા માગતો હતો, પરંતુ પોતાની જાત પર નિયંત્રણ ન હોવાથી તે વેદ વ્યાસ પાસે માર્ગદર્શન લેવા ગયો.
વેદ વ્યાસે તેને જેઠ સુદ અગિયારસના દિવસે પાણી પીધા વિના ઉપવાસ કરવાથી બધી જ એકાદશીનું ફળ મળશે એવું કહ્યું. ત્યારબાદ ભીમે પાણીનું એક ટીપું પણ પીધા વિના ઉપવાસ કરતાં આ દિવસને ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી કહે છે.
ભીમ અગિયારસ સૌથી કષ્ટદાયક એટલા માટે મનાય છે કે તે ભરઉનાળે આવે છે. જ્યતોષોનાં જણાવ્યા મુજબ ખેડૂતો માટે ભીમ અગિયારસનું ખૂબ જ મહત્વ છે. એ દિવસે તેઓ તેમના ઓજારની પૂજા કરે છે. અગાઉના સમયમાં તેઓ ભીમ અગિયારસના દિવસે વાવણી પણ કરી દેતાં. આ દિવસે ગાયત્રી મંત્રનો ઉદ્દભવ થયો હોવાથી ગાયત્રી જયંતિ પણ મનાવાય છે. લોકો ઉપવાસ રાખે છે અને ભગવદ્દ ગીતા તથા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે છે. ઓમ નમો નારાયણાય (અષ્ટાક્ષરી મંત્ર) અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય (દ્વાદશાક્ષરી મંત્ર)ના જાપ કરવામાં આવે છે.
એકાદશીનું ધાર્મિક મહાત્મ્ય જોઇએ તો માર્કન્ડ પુરાણ અને વિષ્ણુ પુરાણ અનુસાર એકાદશી વિષ્ણુ-સ્વરૃપ છે અને આ દિવસે ઉપવાસ કરવાથી વૈકુંઠમાં વાસ મળે છે. ભીમ અગિયારસના દિવસે શાલીગ્રામને પંચામૃત વડે સ્નાન કરાવી તેની પૂજા કરાય છે અને વસ્ત્રો, અનાજ, કમંડળ કે સુવર્ણનું દાન કરાય છે.