Mojemoj.com

Best Gujarati Blog

ડબ્બા વિનાના દફતર – કરુણ પણ સત્ય

school-bags-without-lunchbox-min

લ્યો, પાછા ડબ્બા ભરવાના દિવસો આવ્યા. ફરી એ જ લામણાઝીંક. ડબ્બામાં રોજ શું ભરવું? એ જ રકઝક, એ જ મનામણા, રિસામણા અને ગુસ્સો, ઘમાલ. સવારની દોડાદોડી અને બાળકનો ખાવા-પીવાનો ગમો-અણગમો.

બાળકના દફતરમાં નાસ્તાના ડબ્બા મૂકાવા લાગ્યા અને મધ્યાન ભોજન શરૂ થયા એટલે તો સાલ્લી ખબર પડી કે ભણતાં ભણતાં ભૂખ લાગે! હું તો પૂછડું પછાડીને કહીશ કે બલ્બ, રેડિયો, ફોન, ટેલીવિઝન, પ્લેન કે રોકેટની શોધ કરતાં પણ માનવ જાતની સૌથી મોટી સિદ્ધિ એટલે છેક વીસમી સદીમાં શોધાયેલ નાસ્તાના ડબ્બા. ભૂખ્યું બાળક બરાબર ભણી ન શકે એવું ભાન અમારી પેઢીના બુદ્ધિશાળી સાયન્ટીસ્ટસ, સોશિયોલોજીસ્ટસ, સાઇકોલોજીસ્ટસ, સાક્ષરો કે સાશકોને કેમ નહીં થયું હોય?

વાત તો સાચી. ભૂખે ભજન ન થાય તો ભૂખે ભણતર કેમ ચઢે? કહેવું ખોટું પણ અમારી પેઢીએ તો ગવાય એટલાં ભજન ભૂખે ગાયાં અને ભણાય એટલું ભૂખે ભણ્યાં. હવે તો ખાલી પેટે ક્યાંય ભજન થતા હોવાનું નથી જોયું કે નથી ખાલી પેટે કોઈ ભણતું હોય એવું જાણ્યું.

કેવું હતું, નહીં? સવારે સાડા દસે જમવા બેસી જવાનું, સ્કૂલે ચાલીને જવાનું, પ્રાર્થનામાંથી ઊઠીને કલાસ રૂમમાં જઈએ ત્યાં સુધીમાં તો જમેલું પચી ગયું હોય. પછી? નાની રિસેસ પડે એટલે ફક્ત એકી-પાણી. મોટી રિસેસ પડે એટલે મેદાનમાં રમવાનું અને દોડીને લારી પર વેચાતાં જામફળ, આંબલી, ગંડેરી, જાંબુ, આંબળા અને ‘કુડી કડાકેદાર’માંથી કોઈ પણ એક વસ્તુ લેવાની. એ પણ રોજ નહીં હોં! જે દિ’ ઘેરથી પૈસા આપ્યા હોય તે દિ’ ખાવા પામીએ અને એમાં પણ પાછો દોસ્તારને ભાગ અપાવો પડે. શાળા છૂટવાનો ઘંટ પડે ત્યાં સુધી પેટમાં બિલાડાં બોલ્યા કરે. સંસ્કૃતનો શ્લોક સમજતા હોઈએ ત્યારે માનાં અવાજના પડઘા પડે ’જાવ, ઉકરડે જઈને ભૂંકો’. આંખ બ્લેકબોર્ડ તરફ હોય અને મન ઝટ્ટ ઘેર પહોંચી પોતાના ભાગનો મમરાનો લાડુ ખાવા અધીરું થયું હોય.

સાંજે છૂટીએ ત્યારે ખાલીખમ પેટ અને ડબ્બા વિનાનું ખાલી દફતર લઇ ઘર તરફ દોડીએ. અમારા ચહેરા પર ભૂખની ફરિયાદ ઓછી પણ ઝટ્ટ કંઇક ખાવાની ખુશી વધુ હોય. અમે હાથ-પગ ધોયા વિના મમરાના લાડુના ડબ્બા પર તરાપ ન મારીએ તો બીજું શું કરીએ?

આમ જુઓ તો અમારાં દફતરોના નસીબ ફૂટલાં હશે તે એમાં ન્યુટ્રીશસ નાસ્તા ભરેલા ડાબા ન ખખડતા. આખરે વર્ષો પછી મને જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેની ભેદ રેખા સમજાઈ ગઈ. નાસ્તાના ડબ્બા વિના ભણી ગઈ એ જૂની પેઢી અને નાસ્તાના ડબ્બા હોય તો જ ભણી શકે એ નવી પેઢી.

જ્યાં ડબ્બા નથી ત્યાં લંચ ટાઈમમાં પોકેટ મનીથી ભૂખ ભાંગવા કેન્ટીન હોય છે. બર્ગર, સમોસાં, સેન્ડવીચ, પોપકોર્ન, ચિપ્સ, નાચોઝ અને પેપ્સી મળે છે. વાત તો સાચી, ખાધું હોય તો દાખલા વધુ પાકા થાય, વિજ્ઞાનના નિયમો યાદ રહે અને સ્પેલિંગમાં ભૂલ ન પડે.

ડબ્બા ભરવાનું ચક્કર ક્યાંક બાર વરસ, ક્યાંક પંદર વરસ, ક્યાંક વીસ વરસ, અને ક્યાંક તો વર્ષો પર્યંત ચાલે. દોડીને ડબ્બા ભરવામાંથી બા ક્યારેય રિટાયર નથી થતી. બાળકો માટે કોરો નાસ્તો ભર્યા કરે, જુદો જુદો, ભાવે એવો, પૌષ્ટિક. જે દિ’ કામકાજમાં પહોંચી ના વળે તે દિ ડબ્બામાં બે મૂઠા ફ્રાયમ્સ ભરાય, ‘ટુ-મિનીટ્સ’ મેગી મૂકાય, આગલા દિ’એ વધેલો હાંડવો ભરાય. નોકરિયાત હોય ત્યાં ત્રણસો પાંસઠ દિ’ શાક-રોટલી. ડબ્બાથી ક્યારેક છૂટકારો મળશે એવી ઠગારી આશામાં સ્ત્રીને માથે ધોળાં આવી જાય પણ એ ‘ડબ્બા યુદ્ધ’ ખેલતી રહે છે.

ડબ્બા ભરવાની ‘પળોજણ’થી વંચિત ઘર ખરેખર ધમધમતું હશે ખરું?
સાચું કહો, તમે ડબ્બા ભરવામાંથી મુક્તિ ઝંખો છો ને?! મારે ઘેર બાવીસ-પચ્ચીસ વર્ષે ‘છેલ્લો’ ડબ્બો ભરાયો’તો. સ્કૂલ-કોલેજ અને પછી જોબ પર લઇ જવાતો ડબ્બો આખરે રિટાયર થયો’તો ખરો.

ડબ્બો ભરવો બંધ થાય પછી થોડો સમય હાશ થતી હશે પણ એક દિ’ એમ થાય કે, ડબ્બો ભર્યા વિના ગમતું નથી!

– અનુપમ બુચ

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!