દેવ, આજે આપણી આ અંતિમ મુલાકાત..
કેમ ? શું થયું ? એની પ્રોબ્લેમ ?
આમ તો તને આ વાત ફોનમાં જ કરવાની હતી. પણ પછી થયું કે ના, ફોન નહીં, રૂબરૂ જ વાત કરીશ.
પણ જાનકી, આખરે થયું છે શું ?
દેવ, માલવ ગઇ કાલે જ યુકે.થી પાછો આવી ગયો છે.
ઓહ..ઓકે..સમજી ગયો. પણ જાનકી, આપણે કોલેજના મિત્રો છીએ. આપણે એકમેકને ગમતા હતા. પણ આપણી દોસ્તી પ્રેમમાં પરિણમે એ પહેલા જ તારા લગ્ન થ ઇ ગયા. અને આપણો પ્રેમ અવયક્ત જ રહી ગયો.
દેવાયુ, એથી જ કહેવાયું હશે કે જોડીઓ સ્વર્ગમાં બને છે.
માલવ તારી જિંદગીમાં થોડો મોડો આવ્યો હોત તો..આપણી જોડી બનતા વાર ન લાગી હોત. હકીકતે મને હતું કે બસ કોલેજની આ છેલ્લી પરીક્ષા પૂરી થાય પછી જ તારી સમક્ષ પ્રેમનો એકરાર કરીશ ને તારો જવાબ માગીશ.
બની શકે મારો જવાબ હકારમાં પણ હોત. જાનકી ધીમું હસી પડી.
બની શકે નહી.એમ જ બન્યું હોત. મને ના પાડવાની ગંભીર ભૂલ તેં ન જ કરી હોત. પણ માલવના નસીબ જોર કરતા હશે તે વચ્ચે આવીને મારી જાનકીનું હરણ કરી ગયો.
દેવાયુ ખડખડાટ હસી પડયો.
એ ય, દેવ, મારો માલવ રાવણ નથી હોં.
મેં કયાં એવું કહ્યું છે ? પણ કહી જરૂર શકું. મારી થનાર જાનકીનું હરણ કરે એને હું બીજું કયું નામ આપું ?
બસ..હોં. કોઇ નામ આપવાની જરૂર નથી.
દેવ, આ એક વરસની મારી એકલતાને સભર બનાવવા બદલ આભાર નહીં માનું.
જાનકી, આપણે હજુ પણ મિત્રો ન રહી શકીએ ? મળી ન શકીએ ?
ના, દેવ, એ લપસણો માર્ગ હશે આપણા માટે. આપણે આજ સુધી એવી કોઇ મર્યાદા નથી ઓળંગી. હા, તારા હાથનો હૂંફાળો સ્પર્શ, એ અનુભૂતિ હમેશ માટે મારી મૂડી બની રહેશે. એક મીઠા સમરણ તરીકે મારી ભીતર કોઇ ખૂણે હમેશા રહેશે. તારા ખભ્ભે માથું મૂકી હું ઠલવાઇ છું. તારા ખોળામાં માથું રાખી ને મેં તારા ગીતો સાંભળ્યા છે. મારા કપાળે તારા હોઠનો એ પ્રેમાળ સ્પર્શ મને ચોક્ક્સ ઝંક્રુત કરી ગયો હતો. દેવ, મારી એકલતાને હૂંફાળુ એકાંત તેં બનાવ્યું છે. આ ક્ષણો મારી જિંદગીનો અણમોલ ખજાનો બની રહેશે.
પણ દેવ, એ પણ હકીકત છે કે હું મારા પતિને, માલવને ખૂબ પ્રેમ કરું છું. બે વરસ એને યુકે જવાનું થયું ત્યારે મને હતું કે કેમ કાઢી શકીશ હું માલવ વિનાના આ બે વરસ ?
અને એક દિવસ આપણે ફરી એકવાર અચાનક મળી ગયા. આપણી અધૂરી દોસ્તી આ સમયમાં વધારે ગાઢ બની. એક દોસ્તથી કદાચ વધારે નિકટ અને પ્રેમી, પ્રેમિકાથી દૂર એવો કોઇ નામ વિનાનો સંબંધ આપણી વચ્ચે પાંગરી ઉઠયો. દેવ, આપણી આ નિકટતાને કયું નામ અપી શકાય એની જાણ નથી.
જાનકી, નામ આપવાની જરૂર પણ શી છે ? નહીં દોસ્ત, નહીં પ્રેમીઓ, નહી કોઇ સગપણ, નહીં કોઇ દાવાઓ, કે ન કોઇ વચનો..બસ..એક વિશ્વાસ, એક હૂંફ, થોડો સ્પર્શ, હૂંફના એક માધ્યમ તરીકે માત્ર..જાનકી, બસ …આ થોડા સમયમાં આપણે બંને જે પામ્યા છીએ..એ બની શકે કદાચ લગ્ન કર્યા હોત તો યે ન પામી શકત. રોજિંદી ઘટમાળમાં આ ક્ષણો, આ નિકટતા કદાચ ગુમાવી બેઠા હોત. કહે છે ને જે થાય છે તે સારા માટે..
હા, દેવ, કદાચ તારી વાત સાચી છે.
પણ જાનકી, માલવ આવી ગયો એટલે આપણે સાવ નહીં મળવાનું એમ ? તું માલવને મારી ઓળખાણ કરાવી શકે..મિત્ર તરીકે.
હા, દેવ ,ચોક્કસ કરાવી શકું. અને એમાં માલવને કોઇ વાંધો પણ ન હોય. પણ દેવ, આપણા સંબંધમાં ફ્કત મિત્રતાથી કંઇક વત્તે ઓછે અંશે કશુંક વધારે પણ છે. જે આપણે બંને જાણીએ છીએ. પણ માલવ જાણતો નથી. અને એનો ડંખ મને ભીતરમાં હમેશા રહેશે. આપણે કોઇ પાપ નથી કર્યું. માલવ પ્રત્યે મેં કોઇ બેવફાઇ નથી કરી. અને છતાં સાવ જ એમ નિર્દોષ મારી પોતાની કોર્ટમાં હું મને નથી જ લાગતી. એથી દેવ, આપણે અહીં જ છૂટા પડીશું. હમેશ માટે.આ ક્ષણોને ભીતરમાં સંઘરીને…કદીક રસ્તે મળી જશું તો પણ બસ એક મીઠું સ્મિત ફરકાવીને પસાર થઇ જશું. આટલો સરસ સમય આપણે સાથે ગાળી શકયા, સભર બની શકયા એ માટે ઇશ્વરનો આભાર માનીશું.
ઓકે..જાનકી, તારી ભાવનાનો હું આદર કરું છું અને કરીશ. હવે પછી આપણે કદી મળીશું નહીં. પણ મનમાં પ્લીઝ કોઇ ભાર, કોઇ ડંખ ન રાખીશ.આપણે એવું કશું ખોટૂં કામ નથી કર્યું.
ખોટૂં કે સાચું ? એ તો ખબર નથી. પણ જે વાત માલવને કહી ન શકું, જે વાત છૂપાવવી પડે એવી હોય તેને સાવ સાચી તો કેમ કહી શકાય ? પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસ એ મોટી મૂડી છે. જે મૂડી મેં…
પ્લીઝ..જાનકી, નહીં આજે યે તારી એ મૂડી સલામત છે. તું માલવને નથી કહેવાની..કેમ કે તને પણ દરેક સ્ત્રીની જેમ એક ડર લાગે છે કે પુરૂષ આવી કોઇ વાત કદી યે સહજતાથી સ્વીકારી શકતો નથી. તારી જગ્યાએ મારી પત્ની હોય ને મને આવી કોઇ દોસ્તીની વાત કરે તો મને યે ખબર નથી કે હું કેટલે અંશે એ પચાવી શકૂં ? હા, બની શકે હું એના પર કોઇ શંકા ન કરું. પણ અંદરખાને મને કદાચ ન જ ગમે એવૂં બની શકે. જાનકી, મનના તાણાવાણા બહું અજબ રીતે ગૂંથાયેલા હોય છે. દરેકની ભીતર એક છાનો, અંગત..સાવ જ અંગત ખૂણો હોવાનો જ. જે એની સાથે જ આખરી પળે અગ્નિમાં સ્વાહા થવાનો.
કદાચ તારી વાત સાચી હશે. ગમે તેવી નિકટતા પછી યે કદાચ માણસને થોડી મોકળાશ, એક નાનકડા ખૂણા જેટલી પોતાની આગવી સ્પેશની જરૂર પડતી હશે.
હા, અને કમનસીબે બહું ઓછા સ્ત્રી, પુરૂષો આ વાત સમજી કે સ્વીકારી શકે છે. ખેર ! ચાલ, આજે સાથે આપણી સ્પેશય્લ કોફી મગાવીશું ને ? કદાચ આખરી વાર.
જાનકી કશું બોલી નહીં. મૌન બની દેવાયુ સામે જોઇ રહી. દેવાયુ એને કેટલી સાચી રીતે સમજી શકયો હતો. એનું એને ગૌરવ હતું.
થોડી વારે કોફી આવી. બંને ચૂપચાપ કોફી પીતા રહ્યા. હવે કોઇ સંવાદ નહોતો થતો. કદાચ જરૂર પણ નહોતી.
જાનકી, કંઇ ખાવાની ઇચ્છા છે ?
ના..દેવ, હવે મારે જવું જોઇએ. માલવનો આવવાનો સમય થઇ ગયો છે.
ઓકે.. ચાલ.
દેવાયુએ જાનકીના હાથ પર પોતાનો હાથ મૂકયો.
જાનકી, ટેઇક કેર.. બની શકે..કયારેક, કયાંક મળી પણ જઇએ. જીવનનો રસ્તો કયારે, કયાં ફંટાઇ જાય છે કોણ કહી શકે ? ત્યારે એકાદ સ્મિત તો આપીશ ને ?
જાનકી કશં બોલ્યા સિવાય આ દોસ્ત સામે જોઇ રહી. ન જાણે કેમ આંખોમાં જરીક અમથી ભીનાશ અનુભવાતી હતી.
અને બંને રેસ્ટોરંટની બહાર નીકળ્યા.
રેસ્ટોરંટને બીજે ખૂણે બેસેલા ચિરાગ અને માલવ બંનેને જતા જોઇ રહ્યા.
માલવ, ભાભી…
પ્લીઝ ચિરાગ, નો કોમેન્ટ..
પણ..આ રીતે ભાભી કોઇ સાથે…
કોઇ નહોતું, ચિરાગ, કોલેજ સમયનો એનો દોસ્ત દેવાયુ હતો. એ બંને કોલેજમાં સાથે ભણતા. અમારા મેરેજમાં પણ આવેલો. જાનકીએ ત્યારે જ મને ઓળખાણ પણ કરાવેલી. અલબત્ત પછી કદી જોયો નહોતો.
પણ તને ખબર છે માલવ, તારી આ લાંબી ગેરહાજરીમાં મેં ભાભીને અનેક વાર એની સાથે જોયા છે.
હા, તો શું છે ? મિત્ર સાથે જઇ ન શકે ? ખાસ કરીને ઘરમાં કોઇ હોય જ નહીં ત્યારે આખો દિવસ માણસ કરે શું ?
પણ આમ..એક પુરૂષ સાથે તારી પત્નીને જોઇને તને કશું થતું નથી ?
શા માટે થવું જોઇએ ? એક સ્ત્રી ને એક પુરૂષ સાથે છે એટલે ? દોસ્ત, શંકાની કોઇ ચિનગારી મારે મનમાં જલાવવી નથી. એ માનસિકતામાંથી હવે આપણે બહાર નીકળવું જ રહ્યું. જો એને થોડી સ્પેસ આપી શકીશું તો સ્ત્રી મોટે ભાગે બહાર જવાનું પસંદ નહીં કરે.
ને મને ખબર છે કે એની સાથે જતી વખતે મને જાણ ન કરવા માટે એના મનમાં કોઇ એક ખૂણે ડંખ જરૂર છે જ. બસ..એ ડંખ છે ત્યાં સુધી પુરૂષે ડરવાનું કોઇ કારણ નથી.
– નીલમ દોશી
This Article is Protected with Copyright © 2017 with Author. All rights reserved.