જેમના સંતાનો વિદેશ સ્થાયો થયા છે…. એમના માં-બાપ ના જીવનમાં એક હાઉકલી

સમાજમાં એક નવો વર્ગ રચાયો છે.
એવાં માબાપ કે જેમનાં એકનાં એક સંતાન વિદેશમાં સ્થાયી થયાં છે અને એ હવે અહીં એકલાં છે. આવાં માબાપનાં મંડળ કે club રચાય છે . અને એ લોકો સાથે મળીને એકમેકની કંપની માણે છે.
એવું ય સાંભળ્યું છે કે એવાં યુગલોની પોતાની કોલોની પણ બની રહી છે. એવા રહેણાકમાં આવાં યુગલો રહે અને એમને જરુરી સગવડ મળી રહે એવું આયોજન પણ ત્યાં થાય છે. વધતી ઉંમરે જરુરી ભોજન અને સ્વાસ્થ્ય સંબંધી વ્યવસ્થા ને સલામતી તથા કાનૂની ઉપરાંત એમને ગમતી પ્રવૃત્તિની પણ વ્યવસ્થા હોય છે.
પણ, આ વડિલોને વ્યસ્ત રાખે તેવી આ વ્યવસ્થા એમને મસ્ત રાખે એ જરુરી નથી. પોતાના જીવનના સમય , નાણા અને સપનાંને પોતાનાં સંતાનો પાછળ રોકનારાં વાલીઓ સંતાનોની પ્રગતિથી રાજી તો રહે જ પણ પછી એમની સાથે જોડેલાં પોતાનાં હર્યાભર્યા નિવૃત્ત જીવનનાં સપનાંને સ્થાને આ એકલતા એમને પીડે છે.
કેટલાંક માબાપ આ સ્થિતિનો સમજીને સ્વીકાર કરે છે. કેટલાંક તમાચો મારીને ગાલ લાલ રાખે છે. કેટલાંક નિસાસા નાંખે છે , તો કેટલાંક અકળામણ વ્યક્ત કરે છે.
તો એમનાં સંતાનો વળી ક્યારેક એનાંથી અજાણ જીવે છે. કેટલાંક જાણીને અજાણ રહે છે. કેટલાંક બેપરવા રહે છે. કેટલાંક નાણા મોકલીને છૂટી જાય છે. તો કેટલાંક પોતાની લાચારી પ્રગટ કરે છે.
આ post કોઇ melodrama ન બને તેનું ધ્યાન રાખ્યું છે, પણ એથી કૈં માબાપની એકલતા ને એમની હર્યાભર્યા ઘરનાં સપનાં સૂની આંખોનાં ભીના ખૂણામાં કોઇ ફેર પડતો નથી.
સંજોગ , સંબંધ , વાંક કે વાસ્તવ કૈં પણ જવાબદાર હો , માબાપનાં સપનાંને પોતાનાં સપનાં સામે રાખીને તોલનાર સંતાનો પોતાનાં પલ્લે નમતું જોખે તે દુ:ખદ જ કહેવાય .

– તુષાર શુક્લા

Leave a Reply

error: Content is protected !!