શરૂઆતમાં સુંવાળા લાગતા સંબંધો પર સમય જતાં કાટ ચઢવા માંડે છે…

“માણસોને બદલાતાં વાર નથી લાગતી. દરેક સંબંધ શરુવાતમાં તો સુંવાળા જ લાગે છે પરંતુ સમય જતાં તેની પર કાટ ચઢવા માંડે છે. અંતે ખવાઈને બરડ બની જાય છે. તમને ખબર પણ ન પડે અને તૂટી જાય !” પાંત્રીસ વર્ષની જિંદગીમાં સંબંધોને ખૂબ નજદીકથી તપાસ્યા પછીનું, આ તારણ કાઢતી કિશુની આંગળીઓ, વાળમાં પરિપક્વતાની ચાડી ખાતી અને મહેંદીનો કેસરિયો ઢોળ ચડાવેલી સોનેરી લકીરો વચ્ચે, ફરી રહી છે. સંબંધોની તડકી છાંયડી વચ્ચે ફિલસૂફીના રંગ પૂરનારી દરેક વ્યક્તિને સાચી લાગતી આ વાત છે પરંતુ શું ખરેખર માણસો આટલી ઝડપથી બદલાતાં હોય છે ?!

સંબંધોમાં વાસ્તવમાં વ્યક્તિ બદલાતી નથી,

પરંતુ તેનો અભિગમ બદલાયા કરતો હોય છે,

બાકી મૂળભૂત સ્વભાવ તો એ જ રહે છે.

મનોવિજ્ઞાનના અભ્યાસુઓ તો એવું કહે છે કે આ પરિવર્તનશીલ વિશ્વમાં જેટલું ઝડપથી બધું બદલાતું હોય છે, તેટલું ઝડપથી વ્યક્તિનું માનસ બદલાતું નથી. પત્થરથી પત્થર ઘસીને અગ્નિ પેટાવતો માણસ, આજે જોજનો દૂર બેસીને માત્ર ચાપ દબાવી ધડાકો કરતો થઈ ગયો, પરતું એની મૂળભૂત માનસિકતામાં કેટલો ફરક આવ્યો ?! એકની ગતિ જેટની અને બીજાની ગોકળ ગાયની !! આજે પણ ધણા સંશોધનો, અરે રોજિંદા જીવનની ધટનાઓ, એ વાતની ટાપશી પૂરે છે કે સંસ્કૃતિને અનુરૂપ આપણા હાવ-ભાવ,  વર્તન-વ્યવહાર, વાણી-પહેરવેશ વગેરે વગેરે બદલતાં ગયાં છે. પણ મનના કોઈક ખૂણે આપણી મૂળભૂત વૃત્તિઓ – સ્વભાવ ત્યાંનો ત્યાં જ રહે છે ! નાનામાં નાની વસ્તુઓમાં બાથંબાથી પર આવી જનારા જંગલી માનવો અને ઠંડા કલેજે બુદ્રીપૂર્વક પરોક્ષ યુદ લડતા આધુનીક માનવોના માનસમાં રહેલાં ઉશ્કેરાટ માં કોઈ ભેદ ખરો! હા, સંસ્કૃતિએ આપણને બહારથી કલાઈ કરી નાખી ઊજળા અને ચમકતા કતી દીધા !! કિશુની વાતમાં અને મારી વાતમાં નરી આંખ અને માઈક્રોસ્કોપ વચ્ચેનો ભેદ છે.

સંબંધોમાં પોતે બદલાતા હોય, એવી લાગણીઓના

અનુભવ જેવો સંતોષજનક અનુભવ બીજો કોઈ નથી.

જીવન તો નરી આંખે જ જોઇને જીવાય, માઈક્રોસ્કોપ જોઇને નહી. એ ન્યાયે કિશુંની વાતમાં દમ છે. ઘણી વ્યક્તિઓની આ ફરિયાદ છે, કે સંબંધોમાં સમય જતાં વ્યક્તિઓ બદલાઈ જાય છે. સ્ત્રી-પુરુષના સંબંધોમાં આ ફરિયાદ વિશેષ છે. એમાંય ખાસ કરીને સ્ત્રીઓને એવું લાગવું ખૂબ સામાન્ય છે કે પુરુષ સંબંધોમાં જેટલો ઉત્સાહ શરૂવાતમાં બતાવે છે, તેટલો ઉત્સાહ સમય જતાં ઓસરતો જાય છે. સંબંધોમાં વાસ્તવમાં વ્યક્તિ બદલાતો નથી, પરંતુ તેનો અભિગમ બદલાયા કરતો હોય છે, બાકી મૂળભૂત સ્વભાવ તો એ જ રહે છે. સંબંધોની શરૂવાતમાં વ્યક્તિઓને એકબીજાની નબળાઈઓ આંખે ઊડીને વળગતી નથી અને વળગે તો પણ એક-મેકના સ્નેહમાં એને નજર અંદાજ કરે છે. સમય જતાં સ્નેહનું સંમોહન તૂટે છે અને સાચો સ્વભાવ એકબીજાની સામે આવે છે, વ્યક્તિઓ બદલાયેલી લાગે છે! જે વ્યક્તિઓ સંબંધોમાં સામેની વ્યક્તિઓને એના સાચા સ્વરૂપમાં સમજવાની કોશિશ કરતી રહે છે, તેમને ક્યારેક સામેની વ્યક્તિ બદલાયેલી નથી લાગતી. પરંતુ પોતે બદલાતાં હોય તેવું લાગે છે. સંબંધોમાં પોતે બદલાતાં હોય એવી લાગણીઓના અનુભવ જેવો સંતોષજનક અનુભવ બીજો કોય નથી.

આ તબક્કે કેટલીક પંક્તિઓ યાદ આવે છે.

હો ગઈ ઉનસે મહોબત યે હસીન બાત હુઈ

એસા લગતા હે, કિ વિરાને મે બરસાત હુઈ

અપને હિ આપસે અનજાન બને ફિરતે થે

ઉનસે મિલકર હી, કહી ખુદસે મુલાકાત હુઈ

વરના હમને તો યુંહી ખુદ કો ભુલા રખા થા

રાખ કે ઢેર મેં શોલો કો દબા રખા થા

પરંતુ અફસોસ, મોટાભાગની વ્યક્તિઓના સંબંધોના ગણિતમાં આ સિદ્નાતો ક્યાંય છૂપાયા જ નથી. અપરિપક્વતા ના સિચનથી બિલાડીના ટોપની જેમ સંબંધો ફૂટી નીકળે છે. તેની પર ફૂલની આશા રાખવી વ્યર્થ છે. આપણે પાત્રની પસંદગી થાપ ખાઈ ગયા છીએ એવું સ્વીકારવું આપણા અહમ માટે અઘરું છે. માટેજ આપણને અન્ય બદલાયેલાં લાગે છે.

– ડો. હંસલ ભચેચ ના પુસ્તક “પણ હું તો તને પ્રેમ કરુ છું’ માંથી

તમારી પત્ની, પ્રેમિકા ને ગીફ્ટ આપવા જેવું આ અદ્ભુત બેસ્ટ સેલર પુસ્તક ઘરે બેઠા મેળવવા વોટ્સએપ કરો 7405479678

Leave a Reply

error: Content is protected !!