ભારતનો પોતાનો એક ઉપગ્રહ હશે – ડો. વિક્રમ સારાભાઇ નું સ્વપ્ન હતુ

તા. 15મી ફેબ્રુઆરી, 2017ના રોજ જો તમે અખબાર વાંચ્યું હશો ત્યારે ભારતને અંતરીક્ષ ક્ષેત્રે સુપરપાવરનો દરજ્જો અપાવનાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા એક નવો વિશ્વવિક્રમ સર્જવામાં આવ્યો હશે. 15મી ફેબ્રુઆરી, 2017ના રોજ સવારે નવ-સાડા નવ વાગ્યે ઇસરોએ શ્રીહરિકોટા અંતરીક્ષ કેન્દ્ર પરથી સાગમટે અધધ 104 ઉપગ્રહો છોડીને પોતાની અનેક સિદ્ધિઓમાં વધુ એક સોનેરી સિદ્ધિનો ઉમેરો કરવાનું આયોજન કરેલું. આજે ઇસરો દ્વારા છોડવામાં આવેલા 104 ઉપગ્રહોમાંથી 101 તો વિદેશી ઉપગ્રહો છે. વિદેશી ઉપગ્રહોમાં સૌથી વધારે એકલા અમેરિકાના જ 96 ઉપગ્રહો છે, એ ઉપરાંત ઇઝરાયેલ, કઝાકિસ્તાન, નેધરલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ અને સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના એક એક ઉપગ્રહો પણ ઇસરો દ્વારા છોડવામાં આવ્યા છે. 104 ઉપગ્રહોનું કુલ વજન 11378 કિલો જેટલું છે.

ઇસરો આ અગાઉ 22 જૂન, 2016ના રોજ એકસાથે 20 ઉપગ્રહો તો સફળતાપૂર્વક છોડી જ ચૂક્યું છે. જોકે, આ વખતે 104 ઉપગ્રહો છોડીને તે વિશ્વમાં એકસાથે સૌથી વધુ ઉપગ્રહ છોડવાના અમેરિકા અને રશિયાના રેકોર્ડનો ભાંગીને ભુક્કો કરી નાખશે. ‘ભાંગીને ભુક્કો’નો શબ્દપ્રયોગ કરવા માટેનું એક ખાસ કારણ એ છે કે અમેરિકાની અંતરીક્ષ સંસ્થા નાસાએ 2013માં એકસાથે 29 ઉપગ્રહો છોડ્યા હતા તો એનો રેકોર્ડ તોડીને રશિયાએ વર્ષ 2014માં એકસાથે 37 ઉપગ્રહો છોડ્યા હતા. ભારત જૂના રેકોર્ડ કરતાં આશરે ત્રણ ગણા વધારે ઉપગ્રહોને સાગમટે અંતરીક્ષમાં પહોંચાડી દેવાનું છે ત્યારે જૂના રેકોર્ડના કેવા ચૂરેચૂરા થઈ જાય, એ સમજી શકાય છે. અલબત્ત, ભારત રેકોર્ડ તોડશે, એવું કહેવા કરતાં નવો રેકોર્ડ સર્જશે, એવું કહેવું વધારે ઉપયુક્ત છે.

ઇસરોની પ્રગતિ આંખો ઠારે એવી છે. આ સિદ્ધિઓ કંઈ રાતોરાત મળી ગઈ નથી. આ સિદ્ધિઓ તો દાયકાઓની મહેનતનું ફળ છે. આ સિદ્ધિઓ તો એક વિઝનરીના આશીર્વાદના અમૃત સમી છે. એ વિઝનરી એટલે ગુજરાતના પનોતાપુત્ર ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ. એક વાત હંમેશાં ખટક્યા કરતી હોય છે કે વિક્રમભાઈ જેવા મેધાવી વ્યક્તિત્વનું ગુજરાતે જેટલું ગૌરવ લેવું અને કરવું જોઈએ, એટલું કરાતું નથી. વિક્રમભાઈના યોગદાનને એટલું અવગણવામાં આવ્યું છે કે આજે બહુ ઓછા ગુજરાતી યુવાનો તેમના વિશે જાણે છે. અમદાવાદના આંગણે વૈશ્વિક સ્તરની અનેક સંસ્થાઓ સ્થાપીને અમદાવાદ-ગુજરાતને ગૌરવ અપાવનારા વિક્રમભાઈ ગુજરાતી યુવાનોના આદર્શમૂર્તિ (રોલ મૉડલ) બનવા જોઈએ, પરંતુ દુ:ખની વાત એ છે કે વિક્રમભાઈ અમુક સંસ્થા કે એવોર્ડનાં નામોમાં જ શેષ રહી ગયા છે.

12 ઑગસ્ટ, 1919ના રોજ અમદાવાદ ખાતે ધનકુબેર અંબાલાલ સારાભાઈના ઘરે જન્મેલા વિક્રમભાઈ બાળપણથી જ મેધાવી હતા. વિક્રમભાઈનાં બહેન લીનાબહેને ‘અખંડ દીવો’ પુસ્તકમાં નોંધ્યું છે કે રિટ્રીટ બંગલામાં રહેવા આવેલા કવિવર રવીન્દ્રનાથ ટાગોરે બાળ વિક્રમનું લલાટ જોઈને કહેલું કે આ છોકરો બહુ મેધાવી છે! ટાગોરની વાતને સાચી પાડતાં વિક્રમભાઈએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કોસ્મિક કિરણો પર સંશોધન કરીને પીએચ.ડી.ની ડિગ્રી હાંસલ હતી. અભ્યાસ પતાવીને સ્વદેશ પરત ફર્યા પછી વિક્રમભાઈએ અમદાવાદ ખાતે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ)ની સ્થાપના કરી હતી. સંસ્થાઓ સ્થાપવામાં વિક્રમભાઈને કોઈ ન પહોંચે. કહેવાય છે કે તેમણે પોતાના પ્રમાણમાં ટૂંકા જીવનકાળ દરમિયાન આશરે 40 જેટલી સંસ્થાઓની સ્થાપના કરી હતી, આમાંની જ એક સંસ્થા એટલે ઈસરો.

ઇસરોની સ્થાપનાનો ઇતિહાસ રસપ્રદ છે. શીતયુદ્ધના સમયગાળામાં વર્ષ 1957માં સોવિયત સંઘ (રશિયા) દ્વારા અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહ લૉન્ચ કરવામાં આવ્યો. આ મોટી વૈજ્ઞાનિક ઘટનાથી સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ગઈ હતી. વિક્રમભાઈએ એ વખતે એક સપનું જોયું હતું કે ભારત પણ એક દિવસ પોતાના ઉપગ્રહ જાતે છોડશે. વિક્રમભાઈએ 1960માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સમક્ષ ભારતીય અવકાશ કાર્યક્રમ શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. દેશને આઝાદ થયાને માંડ એક દાયકો વીત્યો હતો અને અવકાશ કાર્યક્રમ માટે આવશ્યક અધધ નાણાં ખર્ચી શકાય એવી દેશની સ્થિતિ નહોતી. જોકે, નેહરુ અને વિક્રમભાઈ આ દિશામાં ધીરજપૂર્વક છતાં નક્કર પગલાં ભરવાં સહમત થયા અને 1962માં કેન્દ્ર સરકારના પરમાણુ ઊર્જા મંત્રાલય અંતર્ગત ‘ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ’ની સ્થાપના કરવામાં આવી. ડૉ. વિક્રમ સારાભાઈને જ આ સમિતિના અધ્યક્ષ બનાવાયા. પ્રારંભમાં આ સમિતિનું કામકાજ પીઆરએલ, અમદાવાદની ઑફિસમાંથી જ ચાલતું હતું. તેજ ગતિએ ગાડી હંકારવાના શોખીન વિક્રમભાઈને કોઈ કામ ધીમી ગતિએ ચાલે એ મંજૂર નહોતું. 1963ના નવેમ્બર મહિનામાં તો ભારતે પોતાની ધરતી પરથી પ્રથમ રોકેટ સફળતાપૂર્વક છોડી બતાવ્યું હતું! આમ, વિક્રમભાઈના નેતૃત્વમાં ભારતે અંતરીક્ષ ક્ષેત્રમાં પગરણ પાડ્યા. પરમાણુ કાર્યક્રમ અને અંતરીક્ષ કાર્યક્રમ સ્વતંત્ર રીતે ઝડપથી આગળ વધે એવા હેતુથી ઈ.સ. 1969માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાના પ્રથમ અધ્યક્ષ પણ ડૉ. વિક્રમ સારાભાઈ જ હતા.

અંતરીક્ષ ક્ષેત્રે એક પછી એક હરણફાળ ભરી રહેલી ઇસરો સંસ્થા આજે અમેરિકાની નાસા જેવી સંસ્થાઓની હરોળમાં સ્થાન જમાવી ચૂકી છે. ઇસરોની સિદ્ધિઓ માટે જરૂર ગર્વ અનુભવીએ, પરંતુ તેની સાથે સાથે તેના પાયાના પથ્થર સમા ગૌરવવંતા ગુજરાતી ડૉ. વિક્રમ સારાભાઈનું સ્મરણ પણ કરવું જ રહ્યું. આશા રાખીએ કે નવી પેઢી અઢળક પૈસા કમાનાર સફળ બિઝનેસમેન બિલ ગેટ્સ કે ઝકરબર્ગ કરતાં ડૉ. વિક્રમ સારાભાઈ જેવાને પોતાના રોલ મૉડલ ગણે, જેઓ દેશને ખરા અર્થમાં આધુનિક તબક્કામાં પહોંચાડવા માટે છેલ્લા શ્વાસ સુધી મથ્યા હતા. ઇસરોની વિક્રમી સિદ્ધિ સાથે લોકોને આ ‘વિક્રમ’ પણ યાદ રહેશે તો આપણો બેડો પાર થશે!

– દિવ્યેશ વ્યાસ

Leave a Reply

error: Content is protected !!