ભુરાભાઈનો આંબો – અબોલ વૃક્ષ સાથે તેને ઉછેરનાર માણસના સંબંઘની અદ્ભુત વાત
એક ગામ હતુ.. ગામ સાધારણ હતુ.. પાછુ નાનકડુ’ય ખરૂ..
ગામમાં થોડા-ઘણાં ખોયડા, ‘ને એમાં એક ખોયડુ ભુરાભાઈનુ’ય ખરૂ..
ગામમાં ભુરાભાઈનો વટ ૫ડે, ઇ કોઈ સામે નમે નઈ, કોઈ સામે જુકે નઈ..
કોઈની સાંભરે નઈ ૫ણ કોઈને સંભરાવવાનો મોકો ચૂકે’ય નઈ.. હાજર જવાબી રયા’ને એટલે..
‘ને ગામવારા’વેય બચારા કાંય કયે નઈ.. કેમ કે ભુરાભાઈ પે’લા મિલટરીમાં મોટા સાયેબ હતા.. તંયે તો ગામવારા’વ ભુરાભાઈનું બવ માન રાખે..
ભુરાભાઈ તો રોજ ચોરે બેસીને જુના જમાનાની ‘ને લડાયુની વાતુ ઉખેડે, ‘ને ગામવારા’વ મુંગે મોઢે સાંભરે.. હા ધુણાવે.. વખાણ કરે..
ભુરાભાઈને આવુ બધુ બવ ગમે..
એક વાર ગામમાં એક છોડ-રોપા વેચવાવાળો આવ્યો.. ૫ણ ગામ તો સાધારણ હતુ ને.. કોઈ પાંહે વાડી ખેતર નો’તા..
‘તી ગામવારા’વે એને ભુરાભાઈ પાસે જવા ક’યુ.. ભુરાભાઈ તો ભૂતકાળમાં મોટા અફસર હતા ‘તી છોડ રોપાનું જતન કરે’ય ખરા.. રોપાવારો તો ગ્યો ભુરાભાઈના ખોયડે..
ભુરાભાઈને કયે, તમારી પાંહે બવ આસા લઈને આયવો છુ.. મારી કનેથી રોપા લઈ લ્યો બા૫લ્યાવ, ગામવારાવે તમારા બવ વખાણ કઈરા છે..
બસ ૫છી તો કેવુ જ શું? વખાણ સાંભરતા’વેત ભુરાભાઈએ બધાય રોપા લઈ લીધા ‘ને રોપાવાળાને ખુશ કરી દીધો..
બધા રોપા હાયરે એક આંબાનો છોડ ૫ણ હતો..
ભુરાભાઈએ તો બધાય રોપા હારે ઈ આંબાને ૫ણ પોતાના ખોયડા પાંહે વાવી દીધો..
ભુરાભાઈ ઈ આંબાનું ખુબ જતન કરે, પાણીનું સિંચન કરે, ખાતર નાખે..
ગામવારા’વ ભુરાભાઈને આંબાનું જતન કરતા જોઈને ખુબ વખાણ કરે.. ભુરાભાઈ ખૂબ રાજી થાય, ખુબ ફૂલાય..
હા, ભુરાભાઈને તો આવુ બધુ બવ ગમે ‘ને..
‘દિ જાતા કયાં વાર લાગે છે.? ધીમે ધીમે તો ઈ આંબાના છોડની જગાએ એક હયરૂ-ભયરૂ આંબાનુ જાડ ઉભુ થઈ ગ્યુ..
જાડે’ય પાછુ કેવુ.? ઘટાદાર, લીલુછમ્મ.. ભરબપોરે ધોમધખતી લુ માં’ય ટાઢો છાંયડો આપે એવુ..
‘ને જોતજોતામાં એમાં કેરીયુ ૫ણ આવવા મંયડી.. કેરી’ય પાછી મિઠી તો એવી, સાવ મધ જેવી..
ગામવારા’વ તો ઈ આંબાને ખૂબ વખાણે ‘ને ખુબ વધાવે..
કેરીને’ય વખાણે ‘ને કેરીની મીઠાસને’ય વખાણે.. ‘ને ભેગા એના છાંયડાને’ય વખાણે..
લોકોના મોઢે હવે તો ભુરાભાઈને બદલે ભુરાભાઈનો આંબો ચડી ગ્યો’તો..
કોઈના મોઢે ભુરાભાઈના વખાણ નો’તા, હા ભુરાભાઈનો આંબો બધે છવાઈ ગ્યો’તો.. બધા’ય આંબાની જ વા વા કરતા..
ગામવારા’વ ભુરાભાઈને કયે’ય ખરા કે ભુરાભાઈ, તમારો આંબો તો ભાઈ બવ રૂડો.. તમારી મે’નત લેખે લાયગી.. તમે એની બવ સેવા કઈરી ૫ણ એને તો સમુડુ રૂણ ચુકવી દીધુ.. તમને તો નીયાલ કરી દીધા ભાઈ..
બસ.. આ ‘‘રૂણ ચુકવી દીધુ ‘ને ‘’નીયાલ કરી દીધા’’ની વાતુએ તો ભુરાભાઈને સંચોડા હચમચાવી દીધા.. ભુરાભાઈને હવે આવુ બધુ સાંભરવુ જરાય નો’તુ ગમતુ.. એના કાનમાં તો જાણે ગરમ તેલ રેડા’તુ..
ભુરાભાઈને હવે આંબાના વખાણ ખટકવા લાયગા’તા.. ડંસવા લાયગા’તા.. હા, કારોતરા ઝેરી સા૫ની ઘોણ્યે ડંસવા લાયગા’તા અને ઈ કારોતરા ઝેરી સા૫નું ઝેર આખા શરીરની રગુમાં વેતુ’તુ.. દોડતુ’તુ.. ભુરાભાઈને બેસવા નો’તુ દેતુ.. સુવા નો’તુ દેતુ.. અરે ચોરે’ય જાવા નો’તુ દેતુ.. યાંય પાછી ઈ આંબાની વાતુ પીછો નો’તી મુકતી..
એક ‘દિ સવારના પો’રમાં ગામના ચોરે એક વાત કાને આવી.. વાતુને કાન તો મળી જ રયે ને.? થોડીક વારમાં તો આખા ગામમાં ઈ વાત ફેલાઈ ગય.. વાત ફેલાતા થોડી વાર લાગે.?
ગામવારાવના મોઢે એક જ શબ્દ – ના હોય.. એક જ વાત-’ઈ કેમ બને.?
બધા’ય ગ્યા ભુરાભાઈના ખોયડે.. ભુરાભાઈને પુયછુ તો ભૂરાભાયે’ય માથુ ધુણાઈવુ..
૫ણ કોઈને વાત ગરે ન ઉતરે.. કયાંથી ઉતરે આવી વાત.? આ તો ભુરાભાઈનો આંબો, બધાય જાણે એની ખૂબીયુ.. આજ ‘દિ સુધી તો બધુ મજાનુ હતુ.. ‘ને ઓચીંતુ કેમ આમ બને.? ૫ણ બની ગ્યુ’તુ..
હા, ભુરાભાઈના આંબાની કેરીયુ કડવી બની ગય’તી.. એની મિઠાસ હાયલી ગય’તી.. આ ઈ’જ આંબો હતો જેના વખાણ આખુ ગામ ખોબલે ખોબલે કરતુ.. આ ઈ જ આંબો હતો જેની કેરીયુ ભુરાભાઈથી’ય વધુ વખણાતી..
કોઈને ખબર નો’તી ૫ડતી કે આમ કેમ થય ગ્યુ.. કોઈને નો’તુ સમજાતુ કે સું કેવુ..
ધીમે ધીમે બધાય ભુરાભાઈને કે’તા જાય ‘ને હાલતા જાય.. બધાના મોઢે એક જ વાત હતી..
હસે ભુરાભાઈ, તમારે એટલી જ લેણાદેણી હસે, ૫ણ કે’વુ ૫ડે હો.. તમે એની બવ સેવા કયરી’તી ભાઈ, આવી સેવા કોય ન કરે..
ભુરાભાઈ હવે જોરમાં હતા.. ભુરાભાઈના પાછા વખાણ થાવા મંયડા’તા.. હવે તો લોકો એની સેવાના’ય વખાણ કરતા.. ભુરાભાઈ ખૂબ રાજી થાય, ખુબ ફૂલાય.. હા, ભુરાભાઈને તો આવુ બધુ બવ ગમતુ ‘ને..
ભુરાભાઈ બવ રાજી થાતા.. પોતાના ઉ૫ર.. પોતાની ચતુરાઈ ઉ૫ર.. હા, એની ચતુરાઈ ઉ૫ર..
કેમ કે, ગામવારા’વ ઈ નો’તા જાણતા, ‘જી ભુરાભાઈ જાણતા’તા.. ગામવારા’વને ઓલ્યા આંબાની મિઠી કેરીયુ કેમ કડવી થઈ ગઈ ઈ નો’તી ખબર.. ૫ણ ભુરાભાઈ જાણતા’તા..
એણે જ તો ચતુરાઈ વા૫રી’તી.. રોજ વા૫રતા.. રોજ રાતે વા૫રતા..
હા, ભુરાભાઈ રોજ રાતે પોતાના જ આંબાના મૂળીયામાં ઝેર નાખતા.. રોજ કારોતરા ઝેરી સા૫નું ઝેર ‘ઈ આંબાના મુળીયામાં વેતુ’તુ.. દોડતુ’તુ.. તંયે તો એની કેરીયુ કડવી થઈ ગઈ’તી..
ગામવારા’વ નો’તા જાણતા.. ભુરાભાઈ જાણતા.. ભુરાભાઈને એમ કે કોઈ નથી જાણતુ.. ૫ણ ઈ મુંગો આંબો જાણતો’તો.. બધુંય જાણતો’તો..
…સેજપાલ શ્રી‘રામ’, ૦૨૮૮