જયારે એમના પર પુસ્તકો વાંચવાનો પ્રતિબંધ આવ્યો ત્યારે ૮માં ધોરણની પરીક્ષા “આખેટ” વાંચીને આપી

આજે 12 જુલાઈ એ જેમનો બર્થ ડે છે એવા અશ્વિની દાદાનો પરિચય ‘આખેટ’થી થયો. હું માણસા તાલુકાના દેલવાડા ગામે મારા મોટા ફઈબાના ઘરે ભણતો હતો ત્યારની વાત છે. હું આઠમા ધોરણમાં હતો. કઝિન જીગરભાઈ ગામની લાઈબ્રેરીમાંથી ડઝનેક ચોપડીઓ લઇ આવેલા.

‘આખેટ'(પહેલો ભાગ) પણ એ પૈકીની એક. એ ફઈબા માટે હતી. અમારા માટે ‘છકો-મકો’ને એવી બધી વાર્તાની ચોપડીઓ લવાયેલી. એ સમયે હું જબરદસ્ત પુસ્તકીયો કીડો હતો. જે મળે એ ઝડપથી વાંચી કાઢતો. શિકારી પક્ષીની તસવીરવાળુ મુખપૃષ્ઠ અને ‘ભારત અને પાકિસ્તાનની ધરતી વચ્ચે પડેલી તિરાડને પુરવાનો અંતિમ પ્રયાસ એટલે આ આખેટ.’ એવી કંઈક લાઇન્સ સાથેની એ નોવેલમાં મને રસ પડ્યો અને મેં એ વાંચવાની શરુ કરી. ફઈબાને એ વાતની ખબર નહીં કે તેમની સાથોસાથ મેં પણ ‘આખેટ’ શરુ કરી છે.

એકવાર ઘરમાં બધા બેઠા હતા ને તેમણે ‘આખેટ’ના પ્લોટ વિશે કંઇક વાત કરી. ‘આખેટ’ના પાત્ર સાવંત શિરકે વિશેની કોઈ વાત હતી. તેઓ કંઇક ભૂલ્યાં કે ખોટું બોલી ગયા ત્યાં જ મેં વચ્ચે ભજિયું મુકીને પ્લોટની સાચી વાત માંડી. આશ્વર્યથી વિસ્ફારિત નયને તેમણે સવાલ કર્યો, ‘પીન્ટુળા(મારું પેટ નેમ) તું ‘આખેટ’ વાંચેશ?’ મેં જાહેરમાં ગુનો કબૂલ કર્યો ને મારા ‘આખેટ’ વાંચવા પર પ્રતિબંધ ઝીંકી દેવામાં આવ્યો.

<divસમાજનું માનવું હતું કે આવડી ઉંમરમાં અશ્વિની ભટ્ટની નવલકથાઓ થોડી વંચાય? ફઈબા અશ્વિની ભટ્ટના નિયમિત વાચક હોવાથી તેમની કલમમાંથી થ્રિલની સમાંતર વહેતા શૃંગારરસથી સુપેરે પરિચિત હતા. તેમનું માનવું હતું કે ‘એવું બધું’ વાંચવાથી નાની ઉંમરે મારું દિમાગ ખરાબ થઈ જશે. (ને આમ પણ એ બહુ સારું તો નહોતું જ.) પ્રતિબંધથી મારી હાલત ખરાબ થઈ ગઈ. અશ્વિની દાદાની નોવેલ કોઈ વળી અધૂરી કેવી રીતે મૂકી શકે? એમાં પણ મારા જેવો વાંચનખોર…?

નોવેલ આગળ વાંચવાની સોલ્લિડ તલપ લાગેલી પણ ફઈબાના ભારતાં(એટલે કે દેખતા) ‘આખેટ’ને અડાતું પણ નહીં. હું માત્ર એને તાક્યા કરતો. જાણે જાલીમ જમાનાથી બચી બચાવીને ગમતી છોકરી સાથે તારામૈત્રક રચતો હોઉં એ રીતે. ફઈબા થોડા આઘા પાછા થાય કે તરત જ લાગ જોઈને ચાર-પાંચ પેજ વાંચી લઉં. એ કંઈક અકસ્માતે મળી જતા ચાન્સ વખતે ઉતાવળમાં થતા ઉભડક રોમાન્સ જેવું જ હતુ. મને ‘આખેટ’ની આસપાસ ફરકતો ભાળે કે એને તાકતો જોઈ જાય તો પણ ધમકી આવે કે, ‘જોજે હો પીન્ટુળા અડતો નૈ હોં. અઈડો તો મરી ગ્યો હમજજે. હાડકાં ભાંગી જશે.’ અમો પ્રેમી પંખીડાઓને એક-મેકથી જુદાં પાડવા બુક સંતાડી દેવાના દાવ પણ અજમાવવામાં આવેલા. પણ એ ગમે ત્યાં સંતાડે હું શોધી જ નાખતો. પ્રેમ કરનારાઓને એમ કંઈ વિખુટા પડી શકાય?

આવી સંતાકૂકડી વચ્ચે મારી પરીક્ષા આવી. પરીક્ષાનો ટાઈમ બપોરના 12 વાગ્યાનો અને ફઈબા લગભગ સવા દસ-સાડા દસે ખેતરે જાય. મોટેભાગે હું સ્કુલે જાઉં એ પહેલા પાછા આવતા નહીં. ઘરે માત્ર હું અને દાદી જયા બા એકલા જ હોય. જયા બાને મારા ‘આખેટ’ વાંચવા સામે કોઈ વાંધો નહોતો. કારણ કે એમને સ્વાભાવિક રીતે જ મૂડી કરતા વ્યાજ વધારે વ્હાલું હતું એટલે લગભગ તેઓ (તોફાન સિવાય)ની મારી કોઈ પ્રવૃત્તિ સામે વાંધો લેતા નહીં. એ મોટેભાગે મારા પક્ષમાં જ હોય. ને બીજી વાત એ કે એમને ખબર પણ નહોતી કે ‘એ ચોપડી’માં શું છે. એમને એ જાણવું પણ નહોતું. એમને માત્ર એ વાતનો સંતોષ હતો કે પીન્ટુળો કંઈક વાંચે છે, તોફાન નથી કરતો. હું વાંચને વળગ્યો ત્યારથી એમને મોટી નિરાંત હતી કે મારા તોફાનો ઓછા થઈ ગયેલા. એટલે મેલ્લા(મહોલ્લા)માંથી મારા નામની રાડ ઓછી આવતી. (બાળપણથી મારા નામે કોઈનુ ભોડું ફોડવાથી માંડી બટકા ભરી લેવાની રાવ-ફરિયાદોની એક લાંબી પરંપરા રહી છે.) વિરમગામ પણ એ સાંજે મારો ટાઈમ થાય ત્યારે હાકલ કરી જ દેતા કે, ‘એ પીન્ટુળાઆઆઆ…લાયબરી(લાઈબ્રેરી)એ જા.’

ખેર, મેં આઠમા ધોરણની એ પરીક્ષા ‘આખેટ’ વાંચીને આપી. બીજા બધા વિદ્યાર્થીઓ પેપરની છેક છેલ્લી ઘડી સુધી જે તે વિષયનું વાંચતા અને હું ‘આખેટ’ વાંચતો. સ્કૂલ પાસે જ હતી. ઘંટ ઘરે સંભળાય એટલી પાસે. હું છેક છેલ્લો ઘંટ વાગે ત્યાં સુધી ‘આખેટ’ વાંચતો. મિત્રો પૂછે કે, ‘કેમ મોડું થયું?’ તો કહેતો કે, ‘વાંચતો હતો.’ શું વાંચતો હતો એ તો હું જ જાણતો. ઘણી વાર તો એવું પણ બનતું કે ‘આખેટ’ના વાર્તાપ્રવાહમાં એવો ખોવાયો હોઉં કે પેપર કયુ છે એ પણ મનમાંથી નીકળી ગયું હોય. જેમ તેમ પરીક્ષા પુરી થઇ ને ‘આખેટ’નો પહેલો ભાગ પણ પત્યો. રિઝલ્ટ વો હી આયા, જીસકી સબ કો ઉમ્મિદ થી. ગણિતમાં મારી દાંડી ઉડેલી. જોકે, ‘આખેટ’ ન વાંચી હોત તો પણ એ જ થવાનુ હતું. સંસ્કૃતમાં હું ક્લાસફર્સ્ટ હતો. પછી પાછો વિરમગામ રહેવા ગયો ત્યારે ત્યાંની લાઈબ્રેરીમાંથી મેળવીને બીજો અને ત્રીજો ભાગ મેળવીને વાંચી નાખ્યા. બહુ સમય પછી ફઈબાને ખબર પડી કે મેં ‘આખેટ’ આ રીતે શબ્દશઃ ‘એમની પીઠ પાછળ’ વાંચેલી ત્યારે બહુ હસ્યાં હતાં. આજે પણ જ્યારે આ પ્રસંગ યાદ આવે ત્યારે અમે ખુબ હસીએ છીએ.

ફ્રિ હિટ :

ખુબસૂરત ઓરત ઘડતા ઘડતા ભગવાન પણ જ્યારે કંઈક ભુલે કે મુંઝાય ત્યારે અશ્વિની ભટ્ટની કોઈ નોવેલ રિફર કરી લેતા હશે!

સોર્સ: તુષાર દવે

ashwini bhatt gujarati books

નોંધ: અશ્વિની ભટ્ટ ના દરેક પુસ્તક ૧૫% થી વધુ ડિસ્કાઉન્ટ માં ખરીદવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!