Mojemoj.com

Best Gujarati Blog

આવો આજે તમારી મેડીસીનબાબા સાથે ઓળખાણ કરાવીએ…..

દિલ્હીમાં રહેતા ઓમકારનાથ શર્માની ઉંમર અત્યારે 80 વર્ષની છે. સ્વાભાવિક છે કે આ ઉમરે માણસ શાંતિથી પરિવાર સાથે જીવન વિતાવે, પણ ઓમકારનાથ આ ઉંમરે પણ સવારના 6 વાગ્યાથી મોડી રાત સુધી કામ કરે છે. આશ્વર્યની વાત એ છે કે આટલી મોટી ઉંમરે અનેક શારીરીક મુશ્કેલીઓની વચ્ચે પણ ઓમકારનાથ પોતાના માટે નહી, બીજાના માટે કામ કરે છે.

2008માં દિલ્હીમાં મેટ્રો રેલ માટે બની રહેલ પુલ ધરાશયી થયો અને ઘણા લોકો ઘાયલ થયા. કેટલીક હોસ્પીટલોએ અસરગ્રસ્તોને સામાન્ય સારવાર આપીને રજા આપી દીધી. આ લોકો સામાન્ય મજૂર હતા એટલે દવા ખરીદવા માટે એની પાસે પૈસા નહોતા. દવા વગર જીવન સંગ્રામ લડતા આ સામાન્ય માણસોને જોઇને ઓમકારનાથનું હદય દ્રવી ઉઠ્યુ. સામાન્ય લોકો માટે કંઇક નક્કર કામ કરવું છે એવો એણે સંકલ્પ કર્યો. 72 વર્ષની ઉંમર, સામાન્ય આર્થિક પરિસ્થિતિ અને ઘરે 44 વર્ષનો માનસિકક્ષતિ ગ્રસ્ત દિકરો, આમ છતા દેશના સામાન્ય લોકોને મદદ કરવા માટે આ માણસે ભેખ ધારણ કર્યો.

મોંઘી દવા ન ખરીદી શકવાને કારણે ઘણા લોકો મૃત્યુના દરવાજે પહોંચી જાય છે. આવા લોકો માટે ઓમકારનાથ શર્માએ મફતમાં દવા આપવાની વ્યવસ્થા શરુ કરી. એમની પોતાની આર્થિક સ્થિતી એવી નહોતી કે એ કોઇને મદદ કરી શકે એટલે એણે બીજો રસ્તો અપનાવ્યો. રોજ સવારે 6 વાગ્યે ઘરેથી નીકળી જાય. દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં ફરે અને ઘરે ઘરે જઇને કોઇના ઘરમાં બિનઉપયોગી દવા પડી હોય તો દાનમાં આપવા માટે વિનંતી કરે. ભેગી કરેલી આવી દવાને એક્ષ્પાયરી ડેઇટ જોઇને દવાના કન્ટેન્ટ પ્રમાણે જુદી પાડે અને પછી સેવાભાવી સંસ્થાઓ અને હોસ્પીટલમાં પહોંચતી કરે કે જ્યાંથી જરૂરીયાતમંદ લોકોને મફતમાં દવા મળી જાય. આ માટે જરુર પડે ત્યાં ફાર્માસીસ્ટની મદદ લે.

ઓમકારનાથ શર્મા સીનીયર સીટીઝનના પાસ સાથે સરકારી બસમાં મુસાફરી કરે છે કારણકે એની પોતાની પેન્શનની આવકથી ઘર માંડમાંડ ચાલે છે. જ્યાં બસ ન જતી હોય ત્યાં આ દાદા ચાલીને જાય છે. દાદાને પુછવામાં આવ્યુ કે આ ઉંમરે ચાલીને જવુ પડે તો તમને તકલીફ નથી પડતી ? ઓમકારનાથે હસતા હસતા કહ્યુ, “ઉંમરને કારણે તકલીફ તો પડે જ, પણ જો આપણે આપણી શારીરીક તકલીફનો વિચાર કરીએ તો પછી બીજાની તકલીફ દૂર કરવામાં મદદરુપ કેવી રીતે થઇ શકીએ ?”

ઓમકારનાથ શર્માની આ સેવાને કારણે અનેક ગરીબ લોકોને મફતમાં દવા મળતી થઇ છે. લોકો એમને “મેડીશીનબાબા” તરીકે ઓળખે છે. આજે ઓમકારનાથ શર્મા એકલા નથી બીજા કેટલાય યુવાનો પણ આ સેવામાં જોડાયા છે. યુવામિત્રોએ મેડીસીનબાબા.કોમ નામની વેબસાઇટ પણ બનાવી છે.

મિત્રો, આપણને બધી જ અનુકુળતા હોવા છતા આપણે બીજા માટે કંઇ કરતા નથી અને મેડીશીનબાબા જેવી વ્યક્તિઓ ઘરમાં મનોવિકલાંગ દિકરો હોવા છતા બીજાની સેવા માટે 80 વર્ષે પણ દોડ્યા કરે છે.

આ મુઠી ઉંચેરા માનવીને શત શત વંદન.

– શૈલેશ સગપરીયા

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!