શું તમે પણ બસ માં કે બીજે બીડી/સિગરેટ પીવા વાળથી પરેશાન છો ? તો જરૂર વાંચજો

બારી બંધ કર્યે માંડ પાંચ મિનિટ થઈ હશે, ત્યાં આગળની સીટવાળા આદિવાસીએ ફરી વાર ખિસ્સામાંથી ખાખી બીડી કાઢી. લાઈટર તો એની પાસે કયાંથી હોય ? દિવાસળી પેટાવી. બે-ત્રણ ફૂંક ખેંચીને બીડી ઝગાવી. તમાકુનો તેજ કશ ફેફસામાં ખેંચ્યો અને પછી ધૂમાડાના ગોટે-ગોટા બસમાં ફેંકયા.

ડો. ભટ્ટ માણસ હતા, પણ અત્યારે ખાખી બીડી જેવા બની ગયા; સળગી ગયા. દાહોદ- અમદાવાદની બસમાં એ વચ્ચેથી ચડયા, ત્યારથી માંડીને આ પાંચમી જગ્યા હતી. આખી બસ આદિવાસી- મજુરવર્ગથી ભરેલી હતી અને બસની અંદર પ્રવાસ કરતા મુસાફરોમાં ધૂમ્રપાનનો દર નવ્વાણું ટકા જેટલો ભારે હતો. જો કોઈ અપવાદ હોય તો એ ફકત પોતે હતા. શિયાળાની કડકડતી ઠંડી હતી, એટલે બારીનાં કાચ ફરજીયાત બંધ રાખવા પડતા હતા. પણ બંધ બસની અંદર બે મિનિટથી વધારે સમય બેસી શકાય એમ નહોતું. આખી બસ ‘ગેસ ચેમ્બર’ જેવી બની ગઈ હતી.

ગૂંગળામણ અસહ્ય બની ગઈ ત્યારે ડો. ભટ્ટે બારીનો કાચ ધકેલ્યો. બરફના વરસાદ જેવું હવાનું ઝાપટું બહારથી ધસી આવ્યું. ભટ્ટ સાહેબ થીજી ગયા. એમણે ઝડપથી કાચ ખેંચી લીધો. ઠંડી ઓછી થઈ, તો તમાકુની દુર્ગંધ નાકને અકળાવી ગઈ.

”શું કરવું ?” ભટ્ટ સાહેબ ભયંકર મથામણમાં ડૂબી ગયા. બંને બાજુ મોત હતું. બારી ખોલે તો હિમાલયનના બર્ફીલા શિખર ઉપર લંગોટી પહેરીને બાવાની જેમ બેસી ગયા હોય એવું લાગતું હતું. અને બારી બંધ કરે તો ભઠ્ઠીમાંથી ઊઠતો ધૂમાડો હતો.

”એ ભ’ઈ… ! આ તારી ચીમની બંધ કર.” ડો. ભટ્ટે સળગતી બીડીનાં લાલ અંગારા જેવા ધગધગતા અવાજે હુકમ કર્યો. સામાન્ય રીતે ભટ્ટ સાહેબ સંસ્કારી હતાા, શાલીન હતા, સૌમ્ય હતા. ઘરમાં પત્ની સાથે પણ ઊંચા અવાજે વાત કરી શકતા નહોતા. દરદીઓ સાથેનું એમનું વર્તન પણ એક માણસને છાજે એવું જ રહેતું. પણ છતાંયે એમણે અવાજની ધાર તેજ કરવી પડી, એનું કારણ ભૂતકાળનો અનુભવ હતો.

આ રૂટ ઉપરની બસમાં એ છેલ્લાં બે વરસથી નિયમિત પ્રવાસ કરતા રહેતા હતા. બસનો સમય બદલાય, અંદરના પ્રવાસીઓ બદલાય, પણ ધૂમ્રપાનની કુટેવ ન બદલાય. એ અવાર-નવાર ટકોર કરતા, પણ જવાબમાં ધૂમાડો જ હાથમાં આવતો.

”ભ’ઈ, મહેરબાની કરીને ધૂમ્રપાન બંધ કરશો ?” એક વાર એમણે વિનંતી કરેલી. બીડી પીનારને પહેલાં તો ધૂમ્રપાન એટલે શું એની જ સમજ ન પડી, પણ એટલું સમજાયું કે કશુંક બંધ કરવાની વાત હતી. એણે આંખથી જ પૂછયું: ”કેમ ?”

”મને ધૂમાડાનો વાંધો છે.”

”તો બીજે જઈને બેહો.”

બીજી એક વાર એમણે કાયદો ચીંધ્યો: ”બસમાં બીડી પીવાની મનાઈ છે.”

આ વખતે બીડી પીનાર માણસ આદિવાસીઓનો નેતા હતો અને કોઈપણ નેતાની જેવો જ નફૂફૂટ હતો. એનો જવાબ આજે પણ ડો. ભટ્ટને યાદ છે: ”ભારતમાં કાયદા જેવું છે જ કયાં ? એમ જોવા જાવ તો આપણા દેશમાં ખૂન કરવાનીયે મનાઈ છે, બળાત્કારનીયે મનાઈ છે, લાંચરૂશ્વત, દારૂ પીવો, દાણચોરી કરવી…. ! કઈ વાતની છુટ છે ? અને છતાં પણ બધું થાય છે ને ? માટે મહેરબાન, ચાલતું હોય એમ ચાલવા દો ! બીડી બંધ નહીં થાય, તમે બંધ થઈ જશો…”

છેલ્લાં વાકય સાથે એ જુવાન જણ ઊભો થઈ ગયેલો. એની સાથે બીજાં પણ ચાર-પાંચ આદિવાસીઓ ઊભા થઈ ગયા હતા. ડો. ભટ્ટ ખરેખર બંધ થઈ ગયા…. બોલતાં બંધ….!

અને લગભગ સાતેક વખત મળેલો જવાબ ખરા અર્થમાં જવાબ નહીં પણ સલાહ જેવો હતો: ”ભ’ઈ, તમે કોણ છો બીડી પીવાની ના કહેનારા ?”

”હું…. હું ડાઁકટર છું….”

”તો એક કામ કરો. બસને બદલે તમારી પ્રાઈવેટ ગાડી લઈ લો. એમાં અમે બીડી પીવા નહીં આવીયે.”

આવો ઊઘાડો પ્રત્યુત્તર સાંભળીને સળગી જતા ભટ્ટ સાહેબ. આ શબ્દો તમારા જેવા લાગતાં. પણ કરવું શું ? એમનું ચાલે તો ખરેખર પોતાની ગાડીમાં જ ફરે, પણ અફસોસ કે સરકારી નોકરીમાં એમનું વિશાળ કુટુંબ આરામથી જીવી શકતું હતું, પણ ડાબા હાથની કમાણીની ‘સારી’ ટેવ અપનાવી નહોતી, એટલે કાર જેવી સાહ્યબી એમને પોસાય એવી નહોતી. (આ વાતને વરસો થયાં, ત્યારે ગાડી માટે ગમે તે બેંક ફાવે તે ઘરાકને લોન ધીરવા માટે પડાપડી કરતી ન હતી.)

ભૂતકાળના અનુભવો આવા કાતીલ હતા, એટલે આ વખતે ભટ્ટ સાહેબે યુકિત વિચારી. એક સાવ નવો જ ઉપાય એમને સુઝયો અને આગળ-પાછળ વધુ કંઈ વિચાર્યા વગર અમલમાં મૂકયો.

”એ ય મિસ્ટર !” એમણે અવાજને ઈસ્ત્રીદાર બનાવ્યો. આગલી બેઠકમાં બેઠેલા બીડીધારીને ખભે ટાપલી મારી: ”આ બીડી બંધ કર.”

‘તુંકારા’ની ધારી અસર થઈ. પેલો પચાસ ટકા જેટલો ડઘાઈ ગયો. બાકીના પચાસ ટકા હવે આવ્યા. ભટ્ટ સાહેબે એના હોઠ વચ્ચેથી સળગતી બીડી ખેંચી લીધી, બારીનો કાચ ખોલ્યો, બીડીનો ઘા કર્યો અને બારી ફરીથી વાસી દીધી. આખી બસમાં સોપો પડી ગયો. થોડી વારે માંડ પેલાને કળ વળી. દબાયેલા અવાજે એણે પૂછયું :

”તમે…. તમે કોણ છો…..?”

”આઈ એમ પોલીસ ઈન્સ્પેકટર વાઘેલા.” ભટ્ટ સાહેબને ખુદનેય નવાઈ લાગતી હતી કે એમના અવાજમાં આવું જોશ કયાંથી આવી ગયું ! એમના અવાજની કરડાકી જોઈને પેલો બીડીવાળો જુવાન પણ થથરી ગયો. એણે જરૂર નહોતી તોયે સલામ ભરી અને ચૂપચાપ પોતાની બેઠક ઉપર બેસી ગયો.

અસર માત્ર એના એકલાની ઉપર નહીં, પણ આખી બસ ઉપર થઈ. ટપોટપ બીડીઓ બારીની બહાર ફેંકાવા માંડી. કન્ડકટર પણ પોતાની જગ્યાએ બેઠો હતો ત્યાંથી ઊભો થઈ ગયો. કારણ વગર બસમાં આંટા મારવા માંડયો. ‘વાઘેલા’ સાહેબની સામે જોઈને વિનમ્રપણે હસી પણ લીધું. બસની અંદરનું પર્યાવરણ મંદિર જેવું પવિત્ર અને શુધ્ધ બની ગયું.

પંદર મિનિટ પછી એક ગામ આવ્યું. બસ ઊભી રહી. ઊતારૂઓ નીચે ઊતરવા માંડયા. બીડીની તલપ પૂરી કરવા માટે હવે આ એક જ રસ્તો હતો. આખી બસ ખાલી થઈ ગઈ. ડો. ભટ્ટને પણ પગ છુટ્ટો કરવાની ઈચ્છા થઈ આવી, પણ હવે એ સામાન્ય પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં નોકરી કરતા સામાન્ય ડોકટર ન હતા, હવે એ એક જાંબાઝ પોલીસ ઓફિસર હતા. એમનાથી આમ સામાન્ય પેસેન્જરની જેમ બસમાંથી નીચે ન ઊતરી પડાય. એમને તો જે જોઈએ તે….

અને ખરેખર, બન્યું પણ એવું જ ! સામેની હોટલમાંથી વગર કહ્યે છોકરો આવીને આખો કપ ચાનો આપી ગયો. ઉપરથી પાછો પૂછતોય ગયો: ”નાસ્તામાં શું ચાલશે, સાહેબ ?”

”કશું પણ નહીં.” ડો. ભટ્ટ સાહેબે ના પાડી. ત્યાં અચાનક એમની પાછળથી કોઈનો અવાજ સંભળાયો.

”નાસ્તો કરો ને, વાઘેલા સાહેબ ? તમે કેમ બહારનું ખાવાની ના પાડો છો ? એ તો ડોકટરો ન ખાય….”

ડો. ભટ્ટ ચમકી ગયા. ગરદન ઘૂમાવીને એમણે પાછળ જોયું. છેક છેલ્લી સીટ ઉપર કોઈ બેઠું હતું. સફેદ પેન્ટ, સફેદ શર્ટ, આંખ ઉપર ચશ્માં… અને ચહેરો… અરે, આ તો પોલીસ ઈન્સ્પેકટર વાઘેલા હતા ! ડો. ભટ્ટ સ્તબ્ધ બની ગયા. પથ્થરની મૂર્તિની જેમ ન હલ્યા, ન ચલ્યા. આ કેવો જોગાનુજોગ ?! એક ચોક્કસ ક્ષણે પોતે પોલીસ અધિકારી બનવાનો અભિનય કર્યો અને જે પરિચિત નામ યાદ આવ્યું એ રજુ કરી દીધું, એ જ સમયે એ જ અસલી અધિકારી બસમાં હાજર હોય એ વાતને શું ગણવી ? ભટ્ટ સાહેબના ક્ષોભનો કોઈ પાર ન રહ્યો. પોતે જ્યારે વાઘેલા સાહેબનું નામ દઈને પેલા બીડી ફૂંકનારને ધમકાવી રહ્યા હશે, ત્યારે આ વાઘેલા સાહેબ પણ એ વાકય સાંભળી રહ્યા હશે ! અને છતાં એ ચૂપ રહ્યા. પણ હવે એ જરૂર ઠપકો આપવાના….!

ડો. ભટ્ટ ઊભા થયા. બસમાં એ બંનેને બાદ કરતાં ત્રીજું કોઈ જ હાજર ન હતું. વાઘેલા સાહેબની માફી માગી લેવાનો આ ઉત્તમ સમય હતો. ભટ્ટ સાહેબ છેલ્લી ‘સીટ’ પાસે ગયા. વાઘેલા સાહેબ પાસે પહોંચીને બે હાથ જોડવા ગયા, પણ વાઘેલાએ એમને રોકી લીધા. બે હાથને ભેગા ન થવા દીધા. એને બદલે એક હાથ પોતાના હાથમાં લઈને હસ્તધૂનન કર્યું.

ડો. ભટ્ટે બોલવાની શરૂઆત કરી: ”માફ કરજો, વાઘેલા સાહેબ, પણ મારાથી…”

”શી…શ….!” વાઘેલા સાહેબે નાક ઉપર આંગળી મૂકી: ”મને અત્યારે વાઘેલા કહીને ન બોલાવશો; કોઈ સાંભળી જશે.”

”પણ તમે તો વાઘેલા સાહેબ છો જ !”

”ના, નથી. અત્યારે નથી.” વાઘેલાએ ધડાકો કર્યો: ”અત્યારે હું ડયુટી ઉપર છું, છતાં યુનિફોર્મમાં નથી એ જોયું તમે ? અત્યારે હું એક સીક્રેટ ઓપરેશન ઉપર જઈ રહ્યો છું. બસમાં કોઈને શક ન પડે એટલે સફેદ પેન્ટ-શર્ટ પહેરીને નીકળ્યો છું. મારી આજુબાજુવાળાને મેં મારી ઓળખાણ ડો. ભટ્ટ તરીકે આપી છે. માટે જેમ ચાલતું આવ્યું છે એમ જ ચાલવા દો.”

”પણ તમને બસમાં કોઈ ઓળખી જનારું નહીં હોય ?” ડો. ભટ્ટે પાયાનો પ્રશ્ન ઊઠાવ્યો.

”મને નજરે જોનાર એક માત્ર તમે છો.” વાઘેલા સાહેબ હસ્યા: ”અને તમે તો જાહેર કરી શકો એમ નથી કે અસલી પોલીસ ઈન્સ્પેકટર તમે નહીં, પણ હું છું.”

બંને જણાં ખડખડાટ હસી પડયા. વાઘેલા સાહેબે ખિસ્સામાંથી પાંચસો પંચાવન સિગારેટનું પાકિટ બહાર કાઢયું. અંદરથી એક સિગારેટ કાઢવા ગયા, પણ ડો. ભટ્ટે એમને અટકાવ્યા: ”નો, નો, ડો. ભટ્ટ ! તમે બસમાં તો શું પણ બસની બહાર પણ ધૂમ્રપાન નહીં કરી શકો ?”

”કેમ ?” વાઘેલા સાહેબને આશ્ચર્ય થયું.

”કારણ બહુ સ્પષ્ટ છે; અસલી ડો. ભટ્ટને સ્મોકીંગની આદત નથી અને નકલી પોલીસ ઈન્સ્પેકટર વાઘેલાને એ વાત પસંદ નથી કે કોઈ પણ પેસેન્જર બસમાં બેસીને ધૂમ્રપાન કરે…..”

એક જોરદાર હાસ્યનો ફૂવારો ઉડયો જેમાં આખી બસ નહાઈ રહી

– ડો. શરદ ઠાકર

નોંધ: ડોક્ટર શરદ ઠાકર ના ડોક્ટર ની ડાયરી, રણમાં ખીલ્યું ગુલાબ અને બીજા ઘણા ગુજરાતી પુસ્તકો છપાયા છે. આ પુસ્તકોની યાદી જોવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!