Mojemoj.com

Best Gujarati Blog

ગૌરી – વ્રત કરતી દરેક દીકરી ને અચૂક વાંચવા જેવી વાર્તા

આજે ગૌરીવ્રતનો ત્રીજો દિવસ હતો. બધી ગોરો પોતપોતાની તૈયારી કરી ચુકી હતી. નાનકડી ગૌરીને વ્રતનું પ્રથમ વર્ષ હતું. તે તો હજુ વ્રત શું છે ? તે પણ સમજતી નહોતી…! પિતાજીએ તેને સરસ જવેરા કરી આપ્યાં હતા.

ગૌરી તો તેના સૌથી ઉંચા જવેરા જોઇને હરખાઇ રહી હતી.
‘જો તારા જવેરા કરતાં મારા જવેરા વધુ મોટા છે….લે ટીલો…ટીલો…!’ ગૌરી તેના મોટા જવેરા તેની બેનપણી કાજલના જવેરા સાથે સરખાવી ખીજવી રહી હતી..

‘તો જો જે ને તને તારો ઘરવાળો ઉંચો તાડી જેવો મોટો મળશે…!’ કાજલ ગૌરી કરતા ઉંમરમાં મોટી હતી પણ ગૌરીનાં ઉંચા જવેરા જોઇને તે ઇર્ષાથી બળી રહી હતી.

‘આ ઘરવાળો એટલે શું…??’ ગૌરીએ નિર્દોષ પ્રશ્ન કર્યો.

‘એ તો તુ મોટી થઇશ એટલે તને બીજો કોઇ માણસ લઇ જશે… તારી પાસે ઘરનું બધું કામ કરાવશે…! અને તું જો તેનું કામ નહી કરે તો તને મારશે પણ ખરો, તેને ઘરવાળો કહેવાય….!’ કાજલે તેને ખીજવતા કહ્યું.

‘મને મારશે… ! તો મારા બાપુ જોયા છે…! તેને મારી મારીને ધોઇ નાખે… મારા બાપુ હોય ત્યાં સુધી કોઇની તાકાત છે કે મને આંગળી પણ અડાડે…!’ ગૌરીએ રુઆબથી કહ્યું.

‘જો જે’ને … તારા બાપુ જ તને સામે ચાલીને તેની જોડે મોકલી દેશે…!’ કાજલે તેને વધુ ખીજવતા કહ્યું.

‘પણ.. મારા બાપુ એવું ક્યારેય ના કરે.. હું તેમની લાડકી છું…મને તેમનાથી કોઇ’દી અળગી ના કરે….!’ ગૌરી ગુસ્સે થઇ તો કાજલને મજા આવી ગઇ.

‘ગયા મહિને પેલા મનીષામાસીને જેમ લગન કરીને લઇ ગયા’તા… તેમ તને પણ લઇ જશે.. અને તારા જવેરા મોટા છે એટલે તને તો સૌથી પહેલા લઇ જશે…!’ કાજલે હવે તો ગૌરીને બરાબર પજવી દીધી.

‘તો મારે નથી જોઇતા આ જવેરા…!’ ગૌરીએ જોરથી તેના જવેરાને લાત મારી રડતાં- રડતાં તે પોતાના ઘર તરફ દોડી ગઇ.

‘શું થયું ગૌરી…? કેમ રડે છે….?’ બાપુએ ગૌરીને આમ અચાનક રડતાં રડતાં ઘરમાં આવેલી જોઇ તેની પાસે ગયા.

‘બાપુ… આ જવેરા કેમ વાવીએ છીએ…? અને મારે કેમ મીઠા વગરનું ખાવાનું..? મારે કેમ ઉપવાસ કરવાનાં…?’ એકસાથે ગૌરીએ ત્રણ પ્રશ્નો પુછી લીધાં.

બાપુ પણ તેના પ્રશ્નો સાંભળી ઉભા રહી ગયા… તે દિવાલ પર સામે ટીંગાયેલી ગૌરીની માંની તસ્વીર પાસે ગયા અને બોલ્યા, ‘બેટા… તારી માં જીવતી હોત તો તે તને સમજાવેત… પણ તારા જનમ ટાણે જ તે આપણને બન્નેને એકલા મુકીને ચાલી ગઇ…!’

‘તો બાપુ તમે મને સમજાવો…!’ ગૌરીએ જીદ કરી.

‘જો બેટા આ છોકરીઓનું વ્રત છે.. દરેક નાની દિકરીઓ પોતાના મનગમતા પતિ માટે આ વ્રત કરે છે.’

‘આ પતિ એટલે ઘરવાળો જ ને….!’ ગૌરીની શંકા સાચી પડી હોય તેમ બોલી.

‘હા. બેટા, તેનાથી સારો ઘરવાળો મળે અને…..!’ બાપુનું વાક્ય હજુ પુરુ થયું નહોતુંને ગૌરી રૂમમાંથી ચાલી ગઇ.

‘આ નાનકી ને આજે શું થયું છે…?!’ બાપુ તો સાવ સાદી વાત સમજીને રસોડામાં ગયા.

‘હા.. આ બાપુને’ય,મને અળગી કરવી છે…એટલે તે મારી જોડે વ્રત કરાવે છે… પણ હું આ વ્રતને તોડી દઇશ….. જેથી મને કોઇ ઘરવાળો લઇ’એ ના જાય…!’ અને ગૌરીએ મીઠાંનો મોટો ફાંકડો મારી દીધો..
મોઢું ખારું ખારું થઇ ગયું પણ તે વ્રત તોડવાનું પોતાનું મન બનાવી ચુકી હતી.

પછી તો આખો દિવસ થોડી –થોડી વારે તે મીઠું ખાઇ લેતી અને પોતાનું વ્રત તુટશે તો પછી કોઇ તેને બાપુથી દુર નહી લઇ જાય તેવો તેનો નિર્દોષ પ્રેમ હતો.

પણ.. સાંજ સુધીમાં તો તેના મોંની અંદર વધુ મીઠું ખાવાના કારણે લ્હાય ઉપડી.

સાંજે થોડું ખાવા જતાં જ ગૌરીએ ચીસ પાડી અને મોં નો દુ:ખાવો અસહ્ય લાગ્યો.

ગૌરીના પિતાજી તેનાં મોંને તપાસી જોયું. અંદરથી તે લાલ થઇને ફોલ્લા પડી ગયા હતા.

‘કેમ શું થયું ? તને મોંઢામાં ફોલ્લા કેવી રીતે થયાં, ગૌરી..?’ પિતાજીએ પુછ્યું.

તો ગૌરીએ તરત સાચેસાચુ કહી દીધું, ‘બાપુ… મારે તમારાથી દુર નથી થવું…મારે કોઇ ઘરવાળો નથી જોઇતો… મને સામેવાળા જોઇતી ફૈબા કેટલી’યે વાર કે’તા કે જો તારા લીધે તારા બાપુ નવી મમ્મી નથી લાવતાં. નવી મમ્મી તને સારી રીતે ના રાખે તે બીકે તારા બાપુ કાયમ એકલા જ રહેવાના…! તો બાપુ… હું પણ મારા ઘરવાળા સાથે ક્યારેય જવાની નથી.. તમને એકલા મુકીને…! મારા જવારાને પણ મોટા નથી કરવા બાપુ…! મારે તમારાથી દુર થવાનું એકે’ય વ્રત નથી કરવું. બસ મને કોઇ ઘરવાળો ન મળે એટલે મેં આજથી વધુ મીઠું ખાવાનું શરું કર્યું છે…મારે આ વ્રત તોડવું છે…’ ગૌરીએ તરત જ પોતાની રજેરજની વાત કહી દીધી.

બાપુએ તો તરત જ તેને પોતાના બન્ને હાથમાં ગૌરીને ઉપાડીને ગાલે કપાળે ચુમી લઇ હેતથી વરસાવી લીધી અને બન્ને આંખમાંથી આંસુઓની ધાર વહેવા લાગી.
‘કેમ રડો છો, બાપુ..? મેં વ્રત તોડ્યું ઇ સારું કર્યુ ને….?’ ગૌરીએ બાપુની આંખોનાં આંસુ લુછતાં કહ્યું.

‘કાંઇ નહી દિકરા, આ તો તારી જેવી સાક્ષાત *‘ગૌરીમાં’*મારા ઘરે આવી ગયા તેની ખુશીનાં આંસુ છે. નક્કી ગયા જનમમાં સારા કામ કર્યા હશે કે આ જન્મે દિકરીનાં બાપ થવાનો અવસર મળ્યો છે. દિકરી ગમે તેવા વ્રત કરે કે દુર જાય પણ બાપ ને દિકરી કોઇ’દી દુર થઇ જ ના શકે..! ‘ગૌરી’ તું વ્રત કર… તારા જેવી દિકરીઓ વ્રત કરે છે તેથી જ પુરુષોને દિકરીનાં બાપ બનવાનો રુડો અવસર મળે છે… નહીતર આ પુરુષોને તો ‘દિકરી’નસીબમાં ક્યાંથી હોય…??!’
અને બાપ-દિકરી એક્મેકને વળગી પડ્યાં.

બાપ-દિકરીનો સ્નેહ જોઇને જવારા પણ સામે ખુશીથી ઝુલી રહ્યા હતા.

સ્ટેટસ

રુડાં જવેરા વાવજો ને અલૂણાં ધરાવજો,
‘દિકરી’બની ખુદ ગૌરીમાં ઘરે પધાર્યા છે.
એ દિકરીને સ્નેહના શણગારથી સજાવજો.

લેખક: ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ સોર્સ: Vasim Landa

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!