વધું પ્રભાવશાળી અને સફળ બનવા માટેના અસરકારક સાત કિમિયા

આપણી જીંદગીનું ચિત્ર આપણે જાતે જ દોરવાનું છે. એ જીંદગીનાં ચિત્રમાં ક્યાં-ક્યાં રંગ પુરવા અને કઈ રીતે એને સજાવવું, કઈ રીતે વધું આકર્ષક, મનમોહક અને બીજા કરતા અલગ બનાવવું એ પણ આપણે નક્કી કરવાનું છે અને આ માટે સમય આપણને ઘણી તકો આપે છે.

અત્યંત પ્રભાવશાળી લોકોની અમુક આદત હોય છે, અને આ આદતો ને લીધે જ એ લોકો પ્રભાવશાળી હોય છે.

  1. વાસ્તવિકતાનો સ્વીકાર કરી જવાબદાર બનવું. : કોઈપણ વસ્તુ માટે કે નિષ્ફળતા માટે બીજાને દોષ દેવો અથવા બીજાને જવાબદાર ગણવા એ ભૂલ ભરેલું છે. આપણી ભુલ હોય તો સ્વીકાર કરવો. ભુલ સુધારીને આગળ વધવું જોઈએ. પોતાના કાર્યમાં સક્રિય બનવું જોઈએ. કોઈ નાની-નાની વાતો પર બિનજરૂરી પ્રતિક્રિયા આપવી નહીં. બિનજરૂરી પ્રતિક્રિયાઓ આપવાથી ચિંતા વધે, સમય અને શક્તિનો પણ વ્યય થાય. એક જવાબદાર માણસ પાસે વધું વિકલ્પો હોય છે. સફળતા માટે રિ-એક્શન કરતા એક્શન વધું જરુરી છે.
  2. અંતને ધ્યાનમાં રાખી શરૂઆત કરવી : પોતાની ક્ષમતા, વિશેષતા અને શક્તિને ધ્યાનમાં રાખી કોઈ કાર્ય કે પ્રોજેક્ટની શરૂઆત કરવી. મંઝીલને ધ્યાનમાં રાખી યોગ્ય દિશામાં કાર્ય કરવું જોઈએ. નક્કી કરેલ લક્ષ્ય સુધી પહોંચવા સતત પ્રયત્નશીલ બનવું. આપણું વિઝન ક્લિયર હશે તો આપણાં વિચારો/આઈડિયા દુનિયા સામે મુકી શકીએ.
  3. પ્રાથમિક વસ્તુઓને પ્રાધાન્ય આપવું : જીંદગીને વધું સરળ બનાવવા માટે એ હંમેશા યાદ રાખવું કે આ જીંદગીમાં બધાં જ કામો આપણે ના કરી શકીએ. આપણી મર્યાદા અને આપણી ક્ષમતા કરતા વધું કરવાની કોશિષ વ્યર્થ છે. ક્યારેક કોઈ વસ્તુ માટે “ના” કહેતાં પણ શીખવું જરુરી છે. મહત્વની/પ્રાથમિક વસ્તુ કે કાર્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
  4. હકારાત્મક અભિગમ વિકસાવવો : કોઈપણ વસ્તુમાં હાર-જીત નહીં, સફળતા કે નિષ્ફળતા નહીં અને સરખામણી કે સ્પર્ધા નહીં. પણ સહકાર અને હકારાત્મક અભિગમ કેળવવો જોઈએ. કોઈ એક રમતમાં એક ટીમ જીતે છે અને બીજી ટીમ શીખે છે. આ અભિગમ આપણને વધું તકો આપે છે. પોઝિટિવ એનર્જી આપે છે. વધું સારુ કરવાની પ્રેરણા આપે છે.
  5. પહેલા સામેવાળી વ્યક્તિને સમજો પછી પોતાની વાત સમજાવો : કોમ્યુનિકેશન એ જીંદગીનું સૌથી જરુરી કૌશલ્ય છે. આપણને નાનપણથી જ બોલતાં, વાંચતા કે લખવાનું શીખવવામાં આવે છે. કોઈ દિવસ સાંભળવાનું શીખવવામાં આવે છે ? જવાબ છે નહીં. જયાં સુધી આપણે બીજા લોકોને રસ-પૂર્વક નહીં સાંભળીએ ત્યાં સુધી આપણે તેમને વધું સારી રીતે સમજી જ ના શકીએ. જે લોકો સારા શ્રોતા હોય એ જ સારા વક્તા બની શકે છે.
  6. તાલ-મેલ જાળવવો : “એક સે ભલે દો.” ટીમ વર્ક જરૂરી છે. રચનાત્મક સહકાર ખુબ જ જરૂરી છે. કોઈપણ કામ હું એકલો કરી લવ કે કરી શકુ એ ભુલ ભરેલું છે. એક કરતા બે લોકોના વિચારો, અભિપ્રાયો અને સમજણ ભેગી થાય તો વધું સારુ કાર્ય થઈ શકે. બે લોકો વચ્ચે રહેલ મતભેદ વધું સારુ સર્જન કરી શકે. મતભેદને કમજોરી નહીં પણ તાકાત માનવી જોઈએ.
  7. પોતાની જાત માટે સમય કાઢવો : જેમ વધું લાકડા કાપવા માટે સમયાંતરે કુહાડીની ધાર તેજ કરવી પડે એવી જ રીતે આપણે પોતાની જાતને પણ સમયાંતરે તેજ કરવી પડે. મન-મગજની શાંતી માટે, ફ્રેશ થવા માટે મન-ગમતી પ્રવૃતિ કરવી જોઈએ. જેમ કે શારીરિક, સામાજિક, માનસિક અને આધ્યાત્મિક રીતે પોતાની જાતને મજબુત બનાવવી જોઈએ. જેનાં માટે યોગ્ય ખોરાક, કસરત અને આરામ જરુરી છે. નવા મિત્રો બનાવવા, લોકો સાથે અર્થપૂર્ણ સંબંધો કેળવવા, સામાજીક કાર્યોમાં ભાગ લેવો, લખવું, વાંચવું, નવું-નવું શીખવું અને બીજાને શીખવવું, પ્રકૃતિનાં ખોળે સમય વ્યતીત કરવો, પ્રવાસ કરવો, પરિવારને પણ સમય આપવો, ધ્યાન-યોગ કરવા, સેવા-મદદ કરવી વગેરે.

દરેક નવો દિવસ માણસને રીન્યુ, રિફ્રેશ અને રિચાર્જ થવાની તક તો આપે જ છે, બસ એ માટે જરૂરી છે માણસની ઈચ્છા-શક્તિ, જ્ઞાન અને કૌશલ્યની.

ભાવનુવાદ : ઈલ્યાસભાઈ

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!