દીકરાને ના તો રમકડા મળ્યા અને નહિ એના પપ્પા – ભારતીય સેનાના જવાનની કાલ્પનિક ઘટના

સાડાચાર વર્ષનો રાહુલ રોજ સવારે ઉઠીને મમ્મીને એક જ પ્રશ્ન કરતો : “મમ્મી, પપ્પા આવ્યાં ?”

હવે તો મમ્મીને પણ જવાબ મોઢે થઈ ગયેલો કે, “બેટા, તારા માટે રમકડાં ખરીદતા હશે એટલે મોડું થયુ. હવે પપ્પા જલ્દી આવી જશે. ચાલ હાથ-મોં ધોઈને નાસ્તો કરી લે.”

રાહુલનાં પપ્પા રાજેશભાઈ ભારતીય આર્મીમાં હતાં. તેઓ છેલ્લાં એકાદ વર્ષથી કાશ્મીરમાં ડ્યુટી પર હતાં.

ગઈરાતે અચાનક જ 2 આતંકવાદીઓ કાશ્મીરનાં અમુક વિસ્તારોમાં અંધા-ધુન્ધ ગોળીબારી કરી છુપાઈને બેઠા હતાં. રાજેશ અને સાથી સૈનિકો ત્યાં છેલ્લાં 14 કલાકથી આતંકવાદીનો ખાત્મો કરવા માટે ભૂખ્યા સાવજની જેમ ચારેબાજુ ફરી વળ્યાં હતાં.

ચા-નાસ્તો કરી રાહુલ દાદાજી સાથે સોફા પર રમતો હતો. ઘરમાં ટીવી શરૂ હતી. ટીવીમાં સમાચાર આવ્યાં કે ” કાશ્મીરમાં બે આતંકી ઠાર અને એક બહાદુર જવાન શહીદ.” મમ્મી કંઈ સમજે એ પહેલા જ ટીવીમાં એ શહીદ સૈનિકનું નામ જાહેર થયું, નામ હતું “રાજેશ”. થોડીવારમાં નેતાજીનું આ બાબતે નિવેદન શરૂ થયું અને રાહુલની મમ્મીએ ટીવી બંધ કર્યું.

રાહુલે ટીવીમાં આ છેલ્લો શબ્દ “શહીદ” સાંભળ્યો અને મૂર્તિ બની ગયેલ મમ્મીને પુછ્યું : ” મમ્મી, શહીદ એટલે શું ?”

આ વખતે એક મમ્મી નહીં પણ એક સૈનિકની પત્નીએ જવાબ આપતાં કહ્યું : શહિદ એટલે સહાનુભૂતિ રૂપે સાંભળેલા આવા શબ્દો કે “અમે આ હુમલાની ખુબજ સખ્ખત શબ્દોમાં નિંદા કર્યે છીએ, વખોડીએ છીએ અને દેશના જવાન શહીદને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ કરીએ છીએ”

રાહુલ કંઇ સમજ્યો નહીં એણે ફરી પુછ્યું : “શહીદ એટલે શું ?”

મિત્રો, ચાલો આજે આપણાં દેશનાં ફૌલાદી સૈનિકોનો આભાર માનીએ. જય હિન્દ. જય ભારત.

* કાલ્પનિક કથા

Leave a Reply

error: Content is protected !!