ડો.અબ્દુલ કલામનાં જીવનના બનેલા 10 પ્રેરણાત્મક પ્રસંગો

સામાન્ય રીતે આપણે કોઈ નેત્રહિન વ્યક્તિને રસ્તો ઓળંગવામાં મદદ કરી હોય, દેશના સ્વચ્છતા અભિયાનમાં થોડી સફાઈ કરી હોય કે કોઈને રસ્તો ચિંધ્યો હોય આવા નાના-નાના કામો માટે પણ આપણે કેટલું ગૌરવ અને અભિમાન કર્યે છીએ. અચ્છા, ચાલો આ બધાં કામ પણ એની જગ્યાએ બરાબર છે. પણ જ્યારે આપણે ગાંધીજી કે ડો.અબ્દુલ કલામનાં જીવનની વાત કરતા હોય ત્યારે ખ્યાલ આવે કે આપણે તો કશું જ નથી. ખરેખર, આપણે કશું જ કર્યું નથી એવું લાગે.

ચાલો જાણ્યે ડો.અબ્દુલ કલામની સાદગી અને મહાનતા વિશે એમનાં જીવનની કેટલીક સત્ય ઘટનાઓ દ્રારા.

  1. જ્યારે અબ્દુલ કલામ વૈજ્ઞાનિક તરીકે કામ કરતા ત્યારે તેમની ટીમના એક સભ્યએ પોતાના બાળકોને પ્રદર્શન બતાવવા માટે ઘરે થોડા વ્હેલાં જવા માટે રજા માંગી હતી. પરંતુ કામની વ્યસ્તતાં ને કારણે તે ઘરે વ્હેલા જવાનું ભૂલી ગયા. સાંજે પોતાની ભુલનો વસવસો કરતાં જ્યારે ઘરે આવ્યાં ત્યારે જાણવા મળ્યું કે ડો.અબ્દુલ કલામ બાળકોને પ્રદર્શન બતાવવા માટે લઈ ગયા છે.
  2. વર્ષ 2013 માં કેલિફોર્નિયા ખાતેના એક કાર્યક્રમમાં જમવાના સમયે કેટલાંક ભારતીય બાળકો ડો.કલામને મળવા આવ્યાં. ડો.કલામે બાળકોને પોતાની સાથે જમવા કહ્યુ. એક છોકરાંને આગ્રહ કર્યો ત્યારે એ છોકરાં એ ડો.કલામની થાળીમાંથી સલાડમાં રહેલ પાલખ નું એક પાંદડું લીધું. આ ઘટના એ બાળકની જીંદગી માટે Leaf of inspiration બની ગઈ.
  3. જ્યારે ડો. અબ્દુલ કલામ DRDO માં હતાં ત્યારે કોઈ બિલ્ડીંગની સુરક્ષા માટે બહારની દિવાલો પર કાચનાં ટુકડા લગાવવાનું સુચન આવ્યું. પરંતુ એમણે કહ્યું કે કાચના ટુકડાને કારણે દિવાલ ઉપર બેઠનાર પક્ષીઓને ઈજા થઈ શકે તેથી એ સુચન કેન્સલ કર્યું.
  4. એક વખત ડો.કલામ સ્કુલનાં વિદ્યાર્થીઓને લેક્ચર આપી રહ્યાં હતાં એટલામાં લાઈટ જતી રહી. ડો.કલામ ઉભા થયાં અને સીધા જ બાળકોની વચ્ચે જતાં રહ્યા અને કહ્યુ કે બાળકો મને ઘેરીને ઉભા રહો. આવી રીતે એમણે લગભગ 400 વિદ્યાર્થીઓ સાથે વાત-ચીત કરી અને એ પણ માઈક વગર.
  5. એક વખત ધોરણ-6 નાં વિદ્યાર્થીએ “Wings of Fire” નામનું પુસ્તક વાંચી ડો.કલામનું સ્કેચ બનાવ્યું. પરિવારજનોએ ઉત્સાહ વધારતા સુચન કર્યું કે આ સ્કેચ આપણાં પ્રેસિડેન્ટને મોકલ. છોકરાંએ વિચાર્યું કે એનાંથી શું થશે ? આ સ્કેચ એમનાં સુધી પહોંચે પણ નહીં. ઘણું સમજાવ્યા પછી એ છોકરાંએ સ્કેચ મોકલ્યું. થોડા દિવસો પછી ડો.કલામનાં ઓટોગ્રાફવાળું “થેન્ક યુ” લખેલું પરબિડીયું આવ્યું.
  6. રાષ્ટ્રપતિ બન્યાનાં થોડા દિવસ બાદ તેઓ કોઈ ઈવેન્ટમાં ભાગ લેવા માટે કેરળ રાજ ભવન, ત્રિવેંદ્રમ ગયા. તેમની પાસે પોતાના તરફથી કોઈપણ બે વ્યક્તિઓને આ ઈવેન્ટમાં બોલાવવાનો અધિકાર હતો. તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે એક મોચી અને બીજા નાનકડી હોટેલના માલિકને બોલાવ્યા હતાં. ડો.કલામ જ્યારે કેરળમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા ત્યારથી તેઓની સાથે ઓળખાણ હતી. કોઈ મોટી હસ્તીને બોલાવવાને બદલે તેમણે સામાન્ય માણસને મહત્વ આપ્યું.
  7. આઈ.આઈ.ટી, વારાણસીનાં પદવી-દાન સમારોહમાં ડો.કલામ મુખ્ય અતિથિ હતાં. જ્યારે તેઓ સ્ટેજ પર પહોંચ્યા ત્યારે જોયું કે એમની ખુરશી અન્ય ખુરશી કરતાં મોટી હતી. તેમણે એ ખુરશી પર બેસવાની સ્પષ્ટ મનાઈ કરી. ડો.કલામે વાઈસ-ચાન્સેલરને એ ખુરશી પર બેસવા આગ્રહ કર્યો. જ્યારે વાઈસ-ચાન્સેલર પણ એ ખુરશી પર ના બેઠા ત્યારે બીજી સરખી સાઈઝની ખુરશી મંગાવવામાં આવી પછી બધાં બેઠા.
  8. ભારતના રાષ્ટ્રપતિ હોવા છતા બિલકુલ સામાન્ય માણસની જેમ જ રહેતા. એક વખત તેમણે Yahoo પર એક પ્રશ્ન પૂછયો – “What should we do to free our planet from terrorism?” ઘણાં લોકોએ આ પ્રશ્નનો જવાબ આપ્યો જેમા દેશની નામી-અનામી હસ્તીઓ પણ હતી.
  9. જ્યારે કોઈ પ્રેસિડેન્ટ બને ત્યારે સરકાર તેમની બધી જ જરૂરિયાતોનું પુરતું ધ્યાન રાખતી હોય છે. પદ છોડ્યા બાદ પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. એટલે ડો. કલામે પોતાની બધી જ બચત Providing Urban amenities in Rural Areas (PURA) initiative માટે દાન કરી દીધી.
  10. જ્યારે ડો.કલામ DRDO માં હતાં ત્યારે એક કોલેજ ઈવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે જવાનું હતું. ડો.અબ્દુલ કલામ રાત્રે જ સ્થળ મુલાકાત માટે પહોંચી ગયા. ત્યાં જઈને એમણે કહ્યુ કે હું રીયલ હાર્ડ વર્કિંગ લોકોને મળવા માંગતો હતો એટલે આ સમયે અહીંયા આવ્યો છું.

ખરેખર, ડો.અબ્દુલ કલામ જેવા મહાન વ્યક્તિત્વનો ભારતમાં જન્મ થયો એ ખુબ જ ગૌરવની વાત છે. તેમનાં જીવનમાંથી પ્રેરણા લઈ આપણાં જીવનને સાર્થક બનાવવાનો પ્રયત્ન કર્યે. ડો.અબ્દુલ કલામને કોટી-કોટી વંદન.

સંકલન : ઈલ્યાસભાઈ

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!