Mojemoj.com

Best Gujarati Blog

જીવિત – જયારે કોઈ હમેશ માટે ચાલ્યું ગયેલુ પાછુ આવે…

પવન સુસવાટા મારતો ફુંકાવા લાગ્યો. બારીઓ એકબીજા સાથે અથડાવા લાગી. રીટા કિચનમાંથી આવીને બારીઓ બંધ કરી દીધી. ત્યાં તો લાઇટ જતી રહી.

“ઓહ, ફરી લાઇટ જતી રહી. આ લાઇટે હેરાન કર્યા. અડધા અડધા કલાકે જાય છે. રાહુલ પણ હજુ આવ્યા નથી. સાડા સાત થવા આવ્યા. ફોન પણ બંધ આવે છે. કાલે કહેતા હતા કે પાંચ સુધી આવી જઇશ.” રીટા સ્વગત બબડતી બબડતી અંદર કિચનમાં જતી રહી. મીણબત્તી સળગાવી ત્યાં તો લાઇટ આવી ગઇ. છેલ્લા બે કલાકથી આવુ બની રહ્યુ હતુ. થોડી થોડી વારે લાઇટ જતી હતી અને ફરી થોડીવારમાં આવી જતી હતી.

રીટા આજે ઘરમાં એકલી હતી. તેના પતિ રાહુલ બે દિવસથી પોતાના ઓફિસના કામ માટે બહારગામ ગયા હતા. હજુ તેઓ આવ્યા ન હતા. તેની નાનકડી દીકરી પ્રિયા તેના નાની ઘરે રોકાઇ ગઇ હતી. સાંજે તે બેસવા આવ્યા ત્યારે તેની સાથે જ જતી રહી હતી.

વાતાવરણ ત્રણ કલાકથી ડામાડોર હતુ અને પવન પણ ફુંકાઇ રહ્યો હતો. હજુ વરસાદનુ નામોનિશાન ન હતુ. આજે તેમની એનિવર્સરી હતી. આજના દિવસે તેઓએ લવ મેરેજ કર્યા હતા.

રાહુલ રીટાને ખુબ જ ચાહતો હતો. તેમનો પ્રેમ અજોડ હતો. રીટા કયારેય રાહુલ પર ગરમ થતી ન હતી. આજે પણ રાહુલને મોડુ થવાથી તેને ગુસ્સો આવતો ન હતો. તેને કાંઇક વિચિત્ર ફિલિગ્સ થઇ રહી હતી. તે ખુબ જ પોઝિટીવ થિકિંગ ધરાવતી વ્યકિત હતી. પરંતુ આજે તેને કાંઇ સારુ લાગતુ ન હતુ.

તેને મનોવિજ્ઞાનનો ઉંડો અભ્યાસ કર્યો હતો અને તેને ખબર હતી કે વરસાદી વાદળ છાયા અંધકારભર્યા વાતાવરણમાં અને પ્રિયજનના વિરહમાં માનસિક સ્થિતિમાં બદલાવ આવી શકે છે. તેને પોતાના નેગેટિવ વિચારોને દુર કરવા ઘરકામમાં ધ્યાન પોરવવા લાગી. આજે તે પોતાના પતિને સરપ્રાઇઝ આપવા માંગતી હતી. તેને રાહુલની પસંદગીનુ ડિનર પ્લાન કર્યુ હતુ. રીટાને સરપ્રાઇઝ આપવુ ખુબ જ ગમતુ હતુ. રાહુલ તેની આ અદા પર ફિદા હતો.

થોડી વાર થઇ એટલે ફરી લાઇટ જતી રહી. રીટાએ રસોડામાં મીણબત્તી સળગાવેલી જ રાખી હતી. આથી તે પોતાનુ કામ ચાલુ રાખ્યુ ત્યાં ફોનની રીંગ વાગી તેને પોતાના લોટ વાળા હાથ ધોઇ લીધા ત્યાં ફોનની રીંગ પુરી થઇ ગઇ વળી થોડીવાર થઇ ત્યાં વીજળીનો જોરદાર કડાકો થયો અને ફરીથી રીંગ વાગી. તેનુ મન ખુબ જ વિચલિત થવા લાગ્યુ. તે દોડીને ફોન લેવા ગઇ. અનનોન નંબર પરથી કોલ હતો છતાંય તેને ફોન પીક અપ કરી લીધો. બહાર ખુબ જ જોરદાર વરસાદ પડવા લાગ્યો. પાસેથી અવાજ સાંભળવો મુશ્કેલ બને તેવી તેજ ગતિથી વરસાદ પડવા લાગ્યો.

“હેલો, મિસિસ મહેતા હીયર?”

“હા, બોલો.” રીટા ચીસ જેવા અવાજમાં કહ્યુ. તેને વરસાદને કારણે બહુ સંભળાતુ ન હતુ.

“આપના પતિ રાહુલ મહેરાનુ અહીં એક્સિડન્ટ થઇ ગયુ છે. અને ઘટનાસ્થળ પર જ તેમનુ મૃત્યુ થઇ ગયુ છે. જલ્દી આવી જાઓ.” સામેવાળા વ્યક્તિએ તેને એક્સિડંટનુ કહ્યુ તો રીટાના મોતિયા મરી ગયા. તેને ચક્કર આવી ગયા. માંડ માંડ તેને એડ્રેસ સાંભળ્યુ. અને હાથમાંથી ફોન છટકી ગયો અને બેભાન થઇ નીચે પડી ગઇ. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને ઘરમાં કોઇ હતુ નહિ. બારીમાંથી વાછટ તેના ચહેરા પર પડતા તેને થોડીવારમાં હોશ આવી ગયો. તે ઉભી થઇ સુનમુન બેસી ગઇ. તેને રડવુ કે શું કરવુ? તે ભાન ન હતુ. થોડીવાર તે આમ બેસી રહી ત્યાં ફરી દરવાજાની ઘંટડી વાગી. ઘણી વખત સુધી ઘંટડી વાગી પછી તે ઉભી થઇ અને દરવાજો ખોલ્યો. સામે જોઇ તેને ફરીથી ચક્કર આવી ગયા અને તે બેભાન થઇ ગઇ.

પાણીથી લથબથ તેના પતિ રાહુલે તે રીટાને હલબલાવી ઉભી કરી.

“તમે તમે અહીં…” રીટાએ થોથવાતા થોથવાતા કહ્યુ.

“હા, દીકુ આ મારું જ ઘર છે તો અહીં જ આવુ ને બહુ ઠંડી લાગે જલ્દી ગરમા ગરમ ચા પીવડાવ યાર.” આટલું બોલીને તે ફ્રેશ થવા જતો રહ્યો. મૃત્યુ બાદ કોઇ કેવી રીતે જીવિત હોય શકે? શું ફોન કરનારની કોઇ મિસ્ટેક છે? તપાસ તો કરવી જ પડશે પરંતુ અત્યારે રાહુલને કાંઇ જણાવવુ નથી એવો વિચાર કરતી તે ઉભી હતી ત્યાં બાથરૂમમાંથી બહાર આવતા રાહુલે કહ્યુ,

“એ રીટા, શું થયુ છે? કેમ અચાનક બેભાન બની ગઇ? એની પ્રોબ્લેમ?”

“ના ના થોડા ચક્કર આવે છે. એટલે”

“અરે જાનુ થોડો રેસ્ટ લે યાર. ખોટી દોડા દોડી ના કરાય યાર.”

“અરે તમે ચિંતા ન કરો કાંઇ થયુ નથી.” પરાણે સ્વસ્થતા જાળવતા રીટાએ કહ્યુ અને તે કિચનમાં ચા બનાવવા ગઇ. ચા બનાવતા બનાવતા તેને એડ્રેસ યાદ કરવા માંડ્યુ. ચા બની ગઇ ત્યાં સુધીમાં તેને પરફેકટલી એડ્રેસ યાદ કરી લીધુ.

રાહુલને ચા આપીને તે તૈયાર થઇ ગઇ.

“રાહુલ, ચાલો મારી સાથે?”

“કયાં જવાનુ છે? કહીશ તમને. અત્યારે ચાલો બહુ ઉતાવળ છે. મોડુ થાય છે.”

“ઓ.કે. ચાલો.” કહેતો રાહુલ પણ રીટા સાથે નીકળી ગયો. બંન્ને કારમાં બેસી નીકળી ગયા.

“હવે તો કહે કયાં જવાનુ છે?” રસ્તામાં રાહુલે પુછ્યુ.

“જગ્યા પર પહોંચીને તમને કહીશ.” રાહુલને થયુ કે કોઇ સરપ્રાઇઝ પ્લાન કર્યુ હશે. આજે તેમની એનિવર્સરી હતી. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. વાતાવરણ ખુબ જ રોમેન્ટિક હતુ. રીટાના મનમાં અજબનુ તોફાન મચી રહ્યુ હતુ. થોડીવારમાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. કાર ઉભી રાખીને રીટા બહાર ગઇ. ઘણાં બધા લોકો ત્યાં એકઠા થયા હતા અને પોલીસ ટુકડી પણ ત્યાં હાજર હતી. ત્યાંનુ દ્રશ્ય ખોફનાક હતુ. એક ટેકશી અને ટ્રકનો કુચ્ચો બોલી ગયો હતો અને માનવ અવશેષોના ટુકડા હતા. કેટલાક લોકો રડી રહ્યા હતા.

“હેલો, સર આઇ. એમ. મિસિસ મહેતા વ્હેર ઇઝ માય હસબંડ?”

“નીચે તમારા હસબન્ડની બોડીના ટુકડા પડયા છે અને આ બધી તેમની વસ્તુઓ.” ઇન્સપેકટરે તેને રાહુલનુ પર્સ અને મોબાઇલ આપતા કહ્યુ. પર્સ અને મોબાઇલ અને નીચે પડેલી બોડીના કપડાં બધુ રાહુલનુ જ હતુ. બોડીની હાલત ખુબ જ ખરાબ હતી. તેની પહેચાન શક્ય ન હતી. એક પળ તો રીટાથી ડુસકુ મુકાય ગયુ. વળી તેને યાદ આવ્યુ કે રાહુલ તો તેની સાથે જ છે. તેને આજુબાજુ જોયુ તો રાહુલ ત્યાં ન હતો. આથી તે ગાડી તરફ દોડી અંદર જોયુ તો રાહુલ ત્યાં ન હતો. આજુબાજુ ચારે તરફ જોયુ તો રાહુલ કયાંય ન હતો. તેનુ મગજ ચકરાય રહ્યુ હતુ. તેને પોતાની મમ્મીને ફોન કરી પ્રિયાએ લઇ અહીં આવવા કહ્યુ.

ઇન્સ્પેકટર બધાની બોડીને પોસ્ટમોટમ માટે હોસ્પિટલ લઇ ગયા અને રીટા અને બીજા બધા સગા વ્હાલાઓ પણ તેમની સાથે ગયા. રસ્તામાં રીટાએ તેની માતાને હોસ્પિટલ પર આવવા કહ્યુ. તેને રડવુ કે શું કરવુ કાંઇ ખબર પડતી ન હતી. તેના મનને પુરો વિશ્વાસ હતો કે રાહુલ જીવે છે. પરંતુ અત્યાર સુધી તેની સાથે તે હતો અચાનક કયાં ગાયબ થઇ ગયો. શું મૃત્યુ બાદ પણ તે તેને મળવા આવ્યો હતો?

રીટાને કાંઇ ખબર પડતી ન હતી. હોસ્પિટલ પહોંચી ત્યાં તેની માતા પ્રિયાને લઇ ત્યાં પહોંચી ગયા હતા. માતાને જોઇ તે વળગીને રડી પડી. તેની સહનશક્તિ ખુટી પડી હતી. તેને રડતા રડતા તેની માતાને બધી વાત કરી.

“રીટા, કયાં જતી રહી હતી?” રાહુલે હોસ્પિટલમાં આવતા કહ્યુ. તેને જોઇ રીટાની માતા સવિતાબહેનની આંખો ફાટી ગઇ.

“તમે, તમે અહીં?” રીટાએ થોથવાતા થોથવાતા કહ્યુ.

“અરે, હું કારમાંથી ઉતરીને તારી સાથે જ આવતો હતો ત્યાં મારો મોબાઇલ વાગ્યો……………..” વચ્ચેથી અટકાવીને રીટાએ કહ્યુ

“તમારો ફોન તો…”

“હા, મારો ફોન તો રસ્તામાં પડી ગયો હતો. હું આવતો હતો ત્યારે રસ્તામાં મારુ વોલેટને ફોન પડી ગયા હતા. મેં ઘરેથી મારો બીજો ફોન લીધો હતો. તેમાં ફોન આવ્યો એટલે હું વાતો કરતો હતો ત્યાં સામે પાનની દુકાને મને કોઇ બોલાવતુ હોય તેવુ લાગ્યુ. હું ત્યાં ગયો તો મારો મિત્ર શેખર હતો. વરસાદ ખુબ જ પડી રહ્યો હતો એટલે અમે છાપરા નીચે ગયા. થોડી વાર બાદ હું આવ્યો ત્યારે તુ નીકળી ગઇ હતી. મને એમ કે પ્રિયાને લેવા તુ મમ્મીના ઘરે ગઇ હશે ત્યાં પણ ઘર લોક હતુ. હુ તારા જી.પી.એસ લોકેશન દ્રારા અહીં આવી ગયો. શુ થયુ તમે કેમ અહીં આવ્યા?”

રીટા રડતા રડતા રાહુલને વળગી પડી. અને તેને બધી વાત કરી ત્યાં,

“મેમ, આ બોડી તમારા હસબન્ડની નથી.” ડી.એન.એ રિપોર્ટ રીટાના હાથમાં આપતા કહ્યુ.

“ઓહ, માય ગોડ આવુ કેમ બની શકે? સેમ કપડાં, તમારી બધી વસ્તુઓ.”

“અરે રીટા, સેમ કપડાં તો ઘણાના હોય શકે અને મારી વસ્તુ રસ્તામાં પડી ગઇ હતી અને કોઇએ લઇ લીધી હશે અને તેનુ એક્સિડન્ટ થઇ ગયુ હશે.” રાહુલે તેને સમજાવતા કહ્યુ.

“બેટા, કેટલીક ઘટનાઓ જીવનમાં એવી બને છે જેને સમજવી મુશ્કેલ છે. ભગવાનનો પાડ કે રાહુલ સલામત છે. ચાલો હવે ઘરે.”

રીટાને ખુબ જ હાશકારો થયો અને તે પોતાના પરિવાર સાથે ઘરે ગઇ.

લેખિકા : ભાવિષા ગોકાણી

This Article is Protected with Copyright © 2017 with Author. All rights reserved.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!