નડિયાદની આ હોસ્પિટલમાં સારવાર વગર કોઈ પૈસા વગરનો દર્દી પાછો જતો નથી

ભારતના સંસ્કાર અને પરંપરા પ્રમાણે ઘર, કુટુંબ અને પરિવારના યોગક્ષેમ માટે સૌથી વધુ ત્યાગ અને ભોગ મહિલાઓ આપતી હોય છે. આજે પણ ભારતમાં કિડની દાતાઓની સંખ્યામાં ૭૦ ટકા દાતાઓ મહિલાઓ હોય છે. માતા, બહેન કે પત્ની હંમેશા કિડનીનું દાન કરવા માટે તત્પરતા બતાવે છે. નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલના મેડિકલ ડાયરેકટર અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. મહેશભાઈ દેસાઈ હોસ્પિટલે કિડની ટ્રાન્સપ્લાન્ટના કાર્યમાં ૪૦ વર્ષ પૂરાં કર્યાં એ સંદર્ભે ઉપરનો મુદ્દો ટાંકે છે.
સમગ્ર ભારતમાં માત્ર એક જ રોગનું નિદાન અને તેની સારવાર માટે સ્થપાયેલી એક માત્ર મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ છે. ગુજરાતના નડિયાદમાં શરૂ થયેલી આ હોસ્પિટલનો ધ્યેય મંત્ર છે કે ‘દરેક વ્યક્તિ દુનિયાની ઉત્કૃષ્ટ સારવારને પાત્ર છે.’ કિડનીના તમામ રોગોનું નિદાન અને તેની શ્રેષ્ઠતમ સારવાર માટે આ હોસ્પિટલ પ્રતિબદ્ધ છે. હોસ્પિટલ તથા દર્દીની સારવાર માટેની સમર્પિતતાની વાત કરતા ડો. મહેશભાઈ દેસાઈ જણાવે છે કે અમારી હોસ્પિટલમાં પૈસાના અભાવે કોઈ પણ દર્દી ક્યારેય સારવાર વગર પાછો જતો નથી. હોસ્પિટલનું વ્યવસ્થાપન અને સંચાલન ટ્રસ્ટ મારફતે થાય છે અને ટ્રસ્ટને માત્ર ને માત્ર દર્દીને સારામાં સારી સારવાર આપવામાં જ ટ્રસ્ટ છે. અહીં ગરીબ, પૈસાવાળા, નાત-જાત કે અન્ય ભેદભાવ વગર દર્દીને સારવાર આપવામાં આવે છે. ૧૯૮૦થી કિડની ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત કર્યા પછી આજે આશરે ૩૦૦૦ જેટલી કિડની ટ્રાન્સપ્લાન્ટનાં ઓપરેશન આ હોસ્પિટલમાં થયાં છે. ભારતભરમાંથી કિડનીના રોગની સારવાર માટે અહીં લોકો આવે છે. અહીં અત્યંત આધુનિક પદ્ધતિથી દર્દીની તપાસ થાય છે અને આધુનિક પદ્ધતિથી સારવાર પણ કરાય છે. પ્રોસ્ટેટ કેન્સરની સારવાર પહેલા લેપ્રોસ્કોપીથી થતી હતી. સન ૨૦૧૦થી હોસ્પિટલમાં તે સારવાર રોબોટ પદ્ધતિથી થાય છે.
મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ સમાજમાં કિડનીના આરોગ્યની જાગૃતિ માટે પણ જુદી જુદી પ્રવૃતિઓ કરે છે. હોસ્પિટલ દ્વારા આજુબાજુના વિસ્તારમાં નિયમિત આરોગ્ય કેમ્પ યોજવામાં આવે છે. જેમાં ડો. મહેશ દેસાઈ અને અન્ય નિષ્ણાત ડોક્ટરો લોકોને કિડનીના આરોગ્ય માટેની સમજણ અને માર્ગદર્શન આપે છે. નિયમિત યોજાતા આવા આરોગ્ય કેમ્પ, માધ્યમોમાં આવતા લેખો, સમાચાર વગેરેથી હવે લોકોમાં જાગૃતિ વધી રહી છે એવું ડો. મહેશભાઈ માને છે. જો કે આમ તો એવી વ્યવસ્થા હોવી જોઈએ કે બાળક જન્મે ત્યારે જ એના સંપૂર્ણ શરીરની મેડિકલ તપાસ થઈ જવી જોઈએ. જે કારણે વર્ષો પછી ઊભી થતી બિમારીને રોકી શકાય. આ હોસ્પિટલમાં અવારનવાર કિડનીના જુદા જુદા રોગ, નિદાન અને સારવાર માટે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવે છે. મેડિકલ સાયન્સમાં થતા સંશોધનોને પણ ધ્યાનમાં રાખીને અહીં સારવારની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવે છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનની યાત્રા આજે ૪૦ વર્ષના પડાવે પહોંચી છે ત્યારે ડો. મહેશભાઈ દેસાઈ ચિંતિંત સ્વરે જણાવે છે કે આજે પણ ગુજરાતમાં સમયસર યોગ્ય દર્દીને યોગ્ય કિડની મેળવવા માટે અત્યંત મુશ્કેલી પડતી હોય છે. તામિલનાડુમાં કિડની દાતા અને કિડની લેનાર માટે એક આખી અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થા થકી તામિલનાડુના કોઈપણ ખૂણામાં રહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીને સમયસર યોગ્ય કિડની મળી રહે છે. મારું માનવું છે કે ગુજરાતમાં પણ સરકારે આ પદ્ધતિ વિકસાવવી જોઈએ.
મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ આજે કિડનીના રોગ નિદાન અને સારવાર માટે વિશ્વ પ્રસિદ્ધ છે. તેનું કારણ જણાવતાં ડો. મહેશભાઈ કહે છે કે હોસ્પિટલનું ટ્રસ્ટ વર્ષ દરમિયાન કેટલી કમાણી થઈ તેના પર ધ્યાન રાખવાને બદલે વર્ષ દરમિયાન હોસ્પિટલમાં આવેલા કેટલા પેસન્ટને ઉત્તમ સારવાર મળી અને તે સાજો થયો તેના પર ભાર આપે છે. આ વર્ષથી હોસ્પિટલ દ્વારા નડિયાદની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય કેમ્પની શરૂઆત થવાની છે. જેના કારણે નાની ઉંમરથી આરોગ્યની જાગૃતિ આવે અને એક તંદુરસ્ત સમાજના ઘડતર માટેનો પ્રયાસ શક્ય બને. ભવિષ્યમાં મૂળજીભાઈ પટેલ યૂરોલોજીકલ હોસ્પિટલના ભાગરૂપે જ એક ટ્રાન્સપલાન્ટ ટાવર ઊભો કરાશે. બહુમાળી ટાવરમાં માત્ર કિડની ટ્રાન્સપ્લાન્ટ અંગેની તમામ સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે.
મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલને વિશ્વભરમાંથી દાતાઓનો સહયોગ અવિરત મળતો રહે છે તે માટે ટ્રસ્ટ વતી ડો. મહેશભાઈ ઉદારદીલના દાતાઓનો હૃદયપૂર્વક આભાર માને છે.
આલેખન : અનિતા તન્ના

Leave a Reply

error: Content is protected !!