Mojemoj.com

Best Gujarati Blog

બર્થડે બોય નટુકાકાને એક સમયે મળતા હતાં માત્ર ત્રણ રૂપિયા – વાંચવા જેવું

નટુકાકા એટલે કે ઘનશ્યામ પ્રભાકર નાયક એ ગુજરાતી મૂળ ધરાવતા જાણીતા અભિનેતા, પાશ્વગાયક અને ડબિંગ કલાકાર છે જેને ‘મુંબઇનો રંગલો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમણે આઠ વર્ષની ઉમરે અભિનય કારકિર્દીની શરૂઆત કરેલી. રંગભૂમિ તેમજ ભવાઇ ઉપરાંત એમણે ઘણાં હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કરેલો છે. સબ ટીવી પર પ્રસારીત થતી દૈનિક ધારાવાહીક ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં તેઓએ નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા (નટુ કાકા)નું પાત્ર ભજવ્યું છે. તેઓ વર્ષોથી રંગભૂમિના ‘રંગલો’ શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા આવ્યા છે.

ઘનશ્યામ નાયકનો જન્મ ૧૨ જુલાઇ, ૧૯૪૫ના રોજ, મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં, થયેલો. તેમણે આશરે ૧૦૦ જેટલાં નાટક અને ૨૨૩ ચલચિત્રોમાં અભિનય કરેલો છે. તેમણે બાળવયે શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું.

તેમની કારકિર્દી વિષે

તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાશ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. ત્યાર બાદ વેણીના ફૂલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું, જેના દિગ્દર્શક મનુકાન્ત પટેલ છે. તેમણે ડોશીમાંના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે ગીતો ગાયા છે જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે. તેમના દ્વારા અભિનય કરાયેલું પ્રથમ હિન્દી ચલચિત્ર માસૂમ હતું. જેમાં તેમણે બાળકલાકાર તરીકે કામ કરેલું. તે સિવાય કચ્ચેધાગે, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ, બરસાત, આશિક આવારા, તિરંગા જેવા હિન્દી ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. તેમનું સર્વપ્રથમ ગુજરાતી નાટક પાનેતર હતું.

ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. તેમના વડદાદા, વાડીલાલ નાયક, શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથો સાથ ધરમપુર અને વાંસદાના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા. સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના જયકિશનના તેઓ ગુરૂ હતા. આમ, ચાર પેઢીથી તેઓનો પરિવાર કલાને સમર્પિત છે.

એમને અભિનીત અમુક ટેલિવિઝન ધારાવાહિક

  • મણીમટકું (ગુજરાતી) મટકાલાલ તરીકે (મુખ્ય કલાકાર)
  • ફિલિપ્સ ટોપ ૧૦ મખ્ખન તરીકે
  • એક મહલ હો સપનો કા’ મોહન તરીકે
  • સારથી ઘનુ કાકા તરીકે
  • સારાભાઇ vs સારાભાઇ (૨૦૦૬) વિઠ્ઠલ કાકા તરીકે
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (૨૦૦૮-હાલમાં) નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઇવાલા – નટુકાકા તરીકે
  • છુટા છેડા (૨૦૧૨) (ગુજરાતી)

નટુકાકાએ મુંબઈમાં કેવી રીતે શરૂઆત કરી ?

આ પ્રશ્નના જવાબમાં નટુકાકાએ જણાવ્યું હતું કે ‘ત્યાં અમને આખી રાત કામ કરવાના એ સમયે ત્રણ રૂપિયા મળતા હતાં. હું મલાડમાં રહેતો હતો. એટલે ત્યાંથી મોડી રાત્રે પણ કામ પૂરું થાય તો ઘરે જવા માટે કોઇ વાહન મળે નહીં. તેથી આખી રાત ત્યાં સેટ પર જ પડ્યા રહેતા અને પછી સવારે ઘરે જઇને સ્કૂલમાં જતાં હતાં. સવારના સાત વાગ્યે સ્કૂલમાં જવાનું થતું હતું. જોકે, સ્કૂલમાં પણ શિક્ષકો સામે ગીતો જ ગાતો હતો, ભણવામાં કોઇ રસ હતો નહીં.’ નટુકાકાએ કહ્યુ હતુ કે તેમણે માત્ર આઠ વર્ષની ઉંમરે કામ કળામાં કામ કરવાની શરૂઆત કરી હતી અને તેમને તે સમયે તેમને ત્રણ રૂપિયા મળતા હતાં.

આજે નટુકાકાનો જન્મ દિવસ છે, ચાલો સાથે બધા એમને વિશ કરીએ.

સોર્સ: ગુજરાતી વીકીપીડીયા અને દિવ્યભાસ્કર

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!