તદન વિપરિત સ્વભાવ વાળી બે બહેનોની રસપ્રદ કહાની

શાંતિ અને અશાંતિ, બંનેના સ્વભાવ તદન વિપરિત. કાયમ માટે એક બીજાથી દૂર જ રહે. જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ ન જાય અને જ્યાં અશાંતિ હોય ત્યાં શાંતિ ન જાય.

એકવખત અશાંતિ જંગલમાં ફરવા માટે નીકળી. એણે શાંતિને નદીમાં સ્નાન કરતા જોઇ. શાંતિના કપડા નદીના કાંઠા પર દુર પડ્યા હતા. અશાંતિને વિચાર આવ્યો કે લાવને હું આ શાંતિના કપડા પહેરીને જરા અનુભવ તો કરુ કે લોકો શાંતિને જ શા માટે પસંદ કરે છે ? લોકો શા માટે શાંતિની પાછળ ભાગ ભાગ કરે છે ?

શાંતિ તો પોતાની મસ્તીમાં સ્નાન કરી રહી હતી. અશાંતિ નદી કાંઠેથી શાંતિના કપડા લઇ ગઇ. દુર જઇને શાંતિના કપડા પહેરી લીધા અને પોતાના કપડા નદી કાંઠા પર મુકીને એ તો ભાગી ગઇ. શાંતિ સ્નાન કરીને કાંઠા પર આવી તો પોતાના કપડા ગાયબ. હવે ત્યાં અશાંતિના જે કપડા પડ્યા હતા એ પહેર્યા વગર કોઇ જ છુટકો ન હતો. આથી શાંતિએ અશાંતિના કપડા પહેરી લીધા.

જે લોકો શાંતિને પોતાની પાસે બોલાવવા ઇચ્છતા હતા તે બધા હવે એનાથી દુર જવા લાગ્યા. શાંતિને સમજાઇ ગયુ કે લોકો માત્ર મારા કપડાને જ ઓળખે છે વાસ્તવમાં મને તો ઓળખતા જ નથી અને એથી જ એ મેં પહેરેલા કપડા જોઇને મને અશાંતિ સમજી બેઠા છે અને મારાથી દુર રહે છે.

માણસ શાંતિ મેળવવાના પ્રયાસો કરે તો પણ અશાંતિ જ મળે છે કારણકે આપણે શાંતિના કપડા પહેરીને આંટા મારતી અશાંતિને જ શાંતિ સમજી બેઠા છીએ.

– શૈલેશ સગપરીયા

Leave a Reply

error: Content is protected !!