સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં હનિફભાઇ બેલીમ વિષે વાંચવા જેવું છે

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં હનિફભાઇ બેલીમ નામના એક ભાઇ રહે છે. હનિફભાઇ કોઇ મોટી હસ્તી નથી પરંતું ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગમાં એસ.ટી બસના કન્ડકટર તરીકેની સામાન્ય નોકરી કરે છે. ઘરની પરિસ્થિતી પણ સાવ સામાન્ય. મર્યાદિત આવક અને બે દિકરા તથા એક દિકરીની જવાબદારી. આવી પરિસ્થિતીમાં પણ એમણે શરુ કરેલી એક સેવાની નાની પણ પ્રેરણાદાયી પ્રવૃતિથી પરિચિત થવા જેવુ છે.

સુરેન્દ્રનગર – અમદાવાદ રૂટની બસમાં કંડકટર તરીકેની એમની ફરજ. બપોરના 1 વાગે સુરેન્દ્રનગરથી બસ રવાના થાય અને સાંજે 7 વાગે પરત આવે. એકવાર ઉનાળામાં બસમાં બેઠા બેઠા જ એમને વિચાર આવ્યો કે મને આ આકરા તાપમાં તરસ લાગે છે તો આ બસના મુસાફરોને પણ તરસ લાગતી જ હશે. એમા પણ નાના બાળકોને તો પાણીની પ્યાસ વધુ હેરાન કરતી હશે. રસ્તામાં વેંચાતુ પાણી મળે પણ એ શુધ્ધ પણ ન હોય અને ઉલટાના મુસાફરો પાસેથી ગરજના ભાવ પડાવે. મારે આ મુસાફરો માટે કંઇક કરવુ છે.

હનિફભાઇ માત્ર વિચાર કરીને બેસી ન રહ્યા આ માટે એમણે પ્રયાસો પણ આદરી દીધા. એમણે એક નાનું સિન્ટેક્ષનું આઇસબોક્ષ ખરીદ્યુ. થોડી પાણીની બોટલ પણ ખરીદી. બસ ઉપડવાની હોય એ પહેલા એસ.ટી ડેપોમાંથી જ ફીલ્ટર કરેલા શુધ્ધ પાણીની બોટલ ભરીને પેલા આઇસબોક્ષમાં ગોઠવી દે અને 10-20 રૂપિયાનો બરફ વેંચાતો લઇને બોટલની ઉપર બરફ રાખી દે જેથી પાણી ઠંડુ રહે. અમદાવાદથી પાછા આવતી વખતે પણ એ જ રીતે પાણીની બોટલો ભરીને રાખે અને 10-20 રૂપિયાનો બરફ પણ નાંખે. આ કામ કરવા માટે એણે એસ.ટી. પાસેથી કોઇ મદદ માંગી નથી ખીસ્સાના નાણા ખર્ચીને આ સેવાયજ્ઞની શરુઆત કરી.

સુરેન્દ્રનગરથી બસ ઉપડે એટલે બધાની ટીકીટ કાપવાની શરુઆત કરી દે. હાંસલપુર ચોકડી આવે ત્યાં સુધીમાં બધાની ટીકીટ કપાઇ જાય. બધો હીસાબ પતાવીને પછી બસના બધા મુસાફરોને ઠંડુ પાણી પાવા નીકળે. નાના બાળકોને પાણી પીવામાં તકલીફ ન પડે એટલે સાથે નાની પ્યાલી પણ રાખે અને બાળકને આ પ્યાલીમાં પાણી ભરીને આપે જેથી એને પાણી પીવામાં સરળતા રહે.

સરકારે આ માટે ક્યારેય એને વધારાનો કોઇ પગાર નથી આપ્યો કે એની સેવાને બીરદાવતો એક પત્ર પણ નથી લખ્યો. હનિફભાઇએ ક્યારેય એવી અપેક્ષા પણ નથી રાખી. કોઇ એના આ કાર્યની નોંધ લે કે ન લે એની એને કશી જ નથી પડી એ તો ઉત્સાહ અને ઉમંગ સાથે છેલ્લા 12 વર્ષથી દર ઉનાળામાં અનેક મુસાફરોના પેટ ઠારવાનું કામ કરે છે.

મસમોટો પગાર લઇને પણ કંઇ ન કરવા ટેવાયેલા સરકારી બાબુઓએ વહીવટીતંત્રમાં ફેલાવેલા અંધકારને આવા કોઇક વિરલાઓ હાથમાં નાનો દિવો લઇને દુર કરવાના પ્રયાસો કરતા રહે છે. સરકારી વહિવટીતંત્રમાં લાંચ વગર કામ ન કરતા અધિકારી-કર્મચારીઓની સામે પોતાના ખર્ચે લોકો માટે કંઇક કરનારા કર્મયોગીઓ પણ છે ભલે એ લઘુમતિમાં છે પણ એની લઘુમતિ લોકોને ચંદન જેવી શિતળતા આપે છે.

મિત્રો, સમાજ પ્રત્યેની આપણી ફરજ જયારે આપણે આ ભાઈની જેમ સમજીશું, ત્યારે ભારતવર્ષ ને કોઈ ચીન કે પાકિસ્તાન થી ડરવાની જરૂર નથી પડવાની.

– શૈલેશ સગપરીયા

ગુજરાતના સૌથી વિશાળ ફેસબુક પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર તમે આ પોસ્ટ માણી રહ્યા છો.

Leave a Reply

error: Content is protected !!