અને એ ક્રાંતિકારી ને બચાવવા પોતાની જજની નોકરી છોડી દીધેલી…

વાત ક્રાંતિની હોય ત્યારે મારે જજ નથી બની રહેવું.. – વિજયગુપ્ત મૌર્ય

એ વખતે ભારત પર બ્રિટિશ સત્તાનો સૂરજ તપતો હતો. પોરબંદરમાં વેણીશંકર મુરારજી વાસુ જજ હતા. ડો.વસંત અવસરે નામના એક ક્રાંતિકારી ભાગતા ભાગતા તેમની પાસે આવ્યા. અંગ્રેજ રાજના ઘોડા એ ક્રાંતિકારી પાછળ પડ્યા હતા. તેને કોણ બચાવે?

ડો.અવસરેએ વેણીશંકર વાસુની મદદ માંગી અને પોતાનો કેસ લડવા વિનંતી કરી. પણ જજ કઈ રીતે કેસ લડી શકે? એ માટે તો વકીલની જરૃર પડે.

એક તરફ ક્રાંતિકારીનો કેસ હતો, બીજી તરફ જજની મોભાદાર નોકરી હતી. વેણીશંકર વાસુએ પળવારમાં નિર્ણય લઈ લીધો. જજની નોકરી છોડી દીધી. જજમાંથી બે-ચાર પગથિયાં નીચા ઉતરીને વકીલ બન્યા, કેસ લડ્યા. ડો.અવસરેને ન્યાય પણ અપાવ્યો.

એ વકીલ વેણીશંકર વાસુ એટલે કે વિજયગુપ્ત મૌર્યને યાદ રાખવા માટે જોકે આપણી પાસે ગુજરાતી ભાષામાં તેમનું અઢળક લેખન મોજુદ છે. અલબત, વિજયગુપ્ત દાદાના લેખનકાર્ય પહેલાનું ક્રાંતિકારી પાસું ખાસ જાણીતું નથી.

અઢળક પરિચય પુસ્તીકાઓ, વિજ્ઞાન લેખો, પર્યાવરણ અંગેના પુસ્તકો, કપીના પરાક્રમો અને હાથીનાં ટોળામાં કે શેરખાન જેવી રસ-રંજક જંગલ કથાઓ, પાકિસ્તાન સાથેના યુદ્ધોનો ઈતિહાસ, સમુદ્રી સાહસકથા.. અને એમ તેમના લખાણોનું લિસ્ટ ઘણુ લાંબુ થઈ શકે એમ છે.

હસમુખ ગાંધીએ વિજયગુપ્ત મૌર્યને ‘હરતાં ફરતાં જ્ઞાનકોષ’નું બિરુદ આપ્યું હતું. તો વળી હરકિસન મહેતાએ તો વિજયગુપ્ત મૌર્યની શિકારકથાઓ વાંચીને એમ માની લીધું હતું કે આ ભાઈ પોતે જ શિકારી છે!

એમની કોલમ એટલી બધી લોકપ્રિય હતી કે એક વખત માંદગીના બિછાને હતા ત્યારે ‘અખંડ આનંદ’ સામયિકના સંપાદક મંડળે એવો નિર્ણય કર્યો હતો કે જ્યાં સુધી સાજા થઈને (સવાલ-જવાબની ‘જ્ઞાન-ગોષ્ઠિ’ કોલમ) લખે નહીં ત્યાં સુધી મેગેઝિન છપાશે નહીં!

હાથી સાથે વિજયગુપ્ત મૌર્ય. બાજુમાં ઉભેલા સજ્જન સંભવત મહાન રિંગ માસ્ટર દામુ ઘોત્રે હોવા જોઈએ. પાક્કી ખબર નથી.

એ વિજયગુપ્ત મૌર્યને તેમની 25મી (મૃત્યુ તારીખ, 10 જુલાઈ, 1992, ગુરુવાર) પુણ્યતિથિએ નત મસ્નતકે વંદન

– લલિત ખંભાયતા

નોંધ: એમનું પુસ્તક “હાથીના ટોળા માં” (કીમત રૂ. ૧૨૦ + પોસ્ટેજ) ઘરે બેઠા મેળવવા વોટ્સએપ કરો 7405479678

 

Leave a Reply

error: Content is protected !!