ખુબ જ ઓછો અભ્યાસ, રોકાણ માટે મૂડી પણ નહિ – તેમ છતાં ઉભું કર્યું પેનાસોનિકનું સામ્રાજ્ય

જાપાનના વાસા નામના એક ગામમાં જન્મેલો કોનોસુકે માત્સુશીતા નામનો બાળક ખુબ નસીબદાર હતો. એનો જન્મ એક અત્યંત ધનાઢ્ય પરિવારમાં થયો હતો. તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ હતી. પાણી માંગે અને દૂધ હાજર થાય એવી સુખમય સ્થિતિમાં માત્સુશીતાનો ઉછેર થયો.

આ રાજાશાહી જિંદગી બહુ લાંબુ ન ચાલી. માત્સુશીતાના પિતાજીને બહુ મોટું આર્થિક નુકશાન ગયું અને રાતોરાત મહેલમાં રહેનારો પરિવાર ઝૂંપડામાં આવી ગયો. પેટ ભરીને ભોજન પણ ન મળે એવી પરિસ્થિતિમાં જીવનજીવતો આખો પરિવાર કોઈ ગંભીર રોગનો ભોગ બન્યો. માત્સુશિતાના ભાઈભાંડુ મૃત્યુ પામ્યા. નવ વર્ષના માત્સુશીતાએ જીવનનિર્વાહ માટે ભણવાનું પડતું મૂકીને ‘હિબાચી’ નામની નાનકડી કંપનીમાં નોકરી શરુ કરી. ભગવાન પણ આ બાળકની કસોટી કરતા હોય એમ નોકરીને એક વર્ષ માંડ થયું ત્યાં કંપની જ બંધ થઈ ગઈ.

એક પછી એક મુશ્કેલીઓ આવતી રહી પણ માત્સુશીતા નિરાશ થયા વગર જિંદગીની લડાઈ લડતા રહ્યા. ફરીથી નવી નોકરીની શોધ શરુ થઈ. ઓસાકા ઇલેક્ટ્રિક લાઈટ કંપનીમાં એને નોકરી મળી ગઈ. માત્સુશીતા દિલ દઈને કામ કરતો આથી કંપનીમાં એને બઢતી પણ મળતી ગઈ. નોકરી સિવાયના ફાજલ સમયમાં માત્સુશીતા કંઈકને કઇંક શોધખોળ કર્યા કરે. આ ખણખોદ કરતા કરતા એણે એક ઇલેક્ટ્રિક સોકેટ બનાવ્યું.

માત્સુશીતાને આશા હતી કે આ સંશોધન બદલ કંપનીના માલિક એને બહુ મોટુ ઇનામ આપશે. ઇનામની વાત તો એકબાજુ રહી શાબાશીના બે શબ્દો પણ સાંભળવા ના મળ્યા. હતાશ થયા વગર માત્સુશીતાએ એના જુદા જુદા સંશોધનને આગળ વધાર્યા. 23 વર્ષની ઉંમરે આ કંપનીને અલવિદા કરીને પોતાનો જ ધંધો શરુ કરવાનો સંકલ્પ કર્યો.

કોઈ મોટી મૂડી નહોતી આથી અંગત લોકોને ભાગીદાર બનાવીને ઘરમાં જ નાના પાયા પર ધંધો શરુ કર્યો. માત્સુશીતા ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રિયલ કંપનીની સ્થાપના થઈ. કંપનીના સેમ્પલનો કોઈ વેપારીઓ દ્વારા સ્વીકાર થતો નહોતો. માત્સુશીતા આર્થિક રીતે સાવ પડી ભાંગ્યા. એકસમય એવો આવ્યો કે પત્નીનો પરંપરાગત પહેરવાનો કિંમતી પોશાક ગીરવે મુકવો પડ્યો. ધંધામાં સાથે રાખેલા બીજા ભાગીદારો છુટા થઈ ગયા. બધાને એવું લાગતું હતું કે માંડમાંડ થોડું ભણેલો આ માણસ ખતમ થઈ જશે.

માત્સુશીતાને એના સંશોધન પર પૂરો વિશ્વાસ હતો. એક દિવસ એના નેશનલ બ્રાન્ડના ઇલેક્ટ્રિક સોકેટનો બહુ મોટો ઓર્ડર મળ્યો. ભગવાને લીધેલી તમામ પરીક્ષાઓમાં પાસ થયેલા માત્સુશીતાની પ્રગતિ શરુ થઈ. સમય જતા નેશનલ બ્રાન્ડની પાછળ પેનાસોનિક શબ્દ લાગ્યો. આજે નેશનલ પેનાસોનિક અબજો રૂપિયાનો નફો કરતી વિશ્વની ટોચની ઇલેક્ટ્રિકલ કંપની બની ચૂકી છે.

મિત્રો, જીવનમાં આવતી નિષ્ફળતાઓની સામે ઘૂંટણીએ પડવાને બદલે હિંમતભેર સામનો કરતા શીખી જઈએ તો એકદિવસ સફળતાનો સ્વાદ જરૂરથી ચાખવા મળે. એકસમાન દિવસો કોઈના નથી રહેતા, સમય સતત બદલાતો રહે છે. તમારો એક વધુ પ્રયાસ તમારો સમય પણ બદલી નાંખશે.

– શૈલેશ સગપરીયા

Leave a Reply

error: Content is protected !!