જન્માષ્ટમી એટલે શું – એક ફાસ્ટ મ ફાસ્ટ લુક

જન્માષ્ટમી એટલે આપણી ભાષામાં સાતમ આઠમ, ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો તહેવાર. ધાર્મિક મહાત્મય ધરાવતા દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જન્માષ્ટમીની ઉજવણી થાય છે. ગામેગામ થતા સુશોભનોથી માંડીને લોકમેળા અને અષ્ટમીની રથયાત્રા પછી ‘નંદ ઘેર આનંદ ભયો’ ના નાદ સાથે જન્મદિનની આખરી ક્ષણોનો માહોલ જીવનનું એક અવિસ્મરણીય સંભારણું બની રહે છે. શ્રી કૃષ્ણ જન્મોત્સવ દરમ્યાન સુશોભનો, રાસ, તથા મેળાઓ સૌથી વધારે ધ્યાનાકર્ષક હોય છે. સૌરાષ્ટ્રનું કોઈ એવું ગામ, નગર કે શહેર નહિ હોય જ્યાં જન્માષ્ટમીની ઉજવણી નહીં થતી હોય. પોતપોતાની આગવી પરંપરા અનુસાર રાંધણછઠ્ઠથી આઠમ સુધી માત્ર આનંદ ને આનંદ જ હોઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ભક્તિનો અફાટ ભક્તિરસ છલકાય છે.

જન્માષ્ટમી નો પર્વ પ્રત્યેક વર્ષે એક જ વાર આવે છે, વસુદેવ શુદ્ધ સત્વનું સ્વરૂપ છે અને દેવકીજી નિષ્કામ બુદ્ધિનું સ્વરૂપ છે. દેવકીનો ભાઇ કંસ બહેનને વિદાય આપવા રથ હાંકે છે અને એ વખતે આકાશવાણી થાય છે કે “તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તને મારશે.” કંસે ભયભીત બની દેવકી અને વાસુદેવને કારાગૃહમાં પૂરી દીધા હતા. જેથી દેવકી ના આઠમાં સંતાન ને મારી શકે, એક પછી એક એમ દેવકીના બાળકોનો કંસે વિનાશ કર્યો. શ્રી કૃષ્ણાવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર. શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, શ્રી કૃષ્ણ જન્મ જયંતી, ભગવાન શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરવા, પુણ્યાત્માઓની રક્ષા કરવા તેમજ ગાયો, બ્રાહ્મણો અને સંતોનું પાલન અને રક્ષા કરવા ધરતી ઉપર જન્મ ધારણ કર્યો. ભગવાનનો જન્મ થતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ રેલાયો. પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને વસુદેવે જોયા. “મને ગોકુળમાં નંદબાબાને ત્યાં મૂકી આવો.” અને વસુદેવ-દેવકીને બીજા વધુ ૧૧ (અગીયાર) વર્ષ અને ૫૨ (બાવન) દિવસ પોતાનું ધ્યાન ધરવા કહ્યું. “યદા યદા હિ ધર્મસ્ય” આ કોલ પાળવા શ્રી કૃષ્ણે દેવકીજીની કૂખે અવતાર લીધો. જન્મ કારાવાસમાં પરંતુ ઉછેર નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં.

સવાર થતાં જ યશોદાજીને પુત્ર જન્મની વધાઈ સાંપડે છે, ગોકુળમાં આનંદ આનંદ છવાઈ ગયો. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.” વસુદેવ યોગમાયાને લઈ પાછા મથુરામાં કારાગૃહમાં પ્રવેશ્યા. આ બાલિકા શ્રી વિષ્ણુની નાની બહેન મહામાયા જ હતી. બ્રહ્મ સંબંધ થતાં બેડી તૂટેલી. માયાનો સંસર્ગ થવાથી તેમના હાથમાં ફરીથી બેડીઓ આવી ગઈ. કારાગૃહના દ્વાર બંધ થઈ ગયા.
શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતા વળી તિથિ પણ શ્રાવણ વદ આઠમ, આથી આ દિવસ જન્માષ્ટમી તરીકે પવિત્ર ગણાય છે. જન્માષ્ટમીના દિવસે કરવામાં આવેલું વ્રત વ્રતધારીને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપનારું છે. જન્માષ્ટમી વ્રત કરવાથી અને ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે.

-હર્ષદ બાટવિયા

Leave a Reply

error: Content is protected !!