જ્યાં સાચા હિન્દૂ કે સાચા મુસલમાન બનતા પહેલા સાચા નાગરીક, સાચા ભારતીય બનવાની સ્પિરિટ હોય….

તમારું અને મારું ભારત કેવું હોય? આપણાં સપનાનું ભારત કેવું હોય? “રંગ દે બસંતી”માં છે ને કે કોઈ દેશ પરફેક્ટ નહીં હોતા, ઉસકો બહેતર બનાના પડતા હૈ. બહેતર તરફની ગતિ માટે એક સપનું ય હોવું જોઈએ. ગાંધીજીના વિચારોનું એક સંકલિત પુસ્તક છે: મારા સપનાનું ભારત. સપના જોવાવા જોઈએ, ભલે એ ગમે તેટલા આદર્શ અને અનરિયલીસ્ટિક હોય, અને એ તરફ ભલે ધીમું, ધીમું તો ધીમું, કંઈકનું કંઈક બદલાવું જોઈએ.

કેવું છે મારા સપનાનું ભારત?

જ્યાં સાચા હિન્દૂ કે સાચા મુસલમાન બનતા પહેલા સાચા નાગરીક, સાચા ભારતીય બનવાની સ્પિરિટ હોય એ ભારત. જયાં કોઈ એકબીજાને જાતી ન પૂછે. જયાં તકોની સમાનતા હોય, સદાવ્રતની જરુર ન રહે, છૂટથી પ્રેમ થાય, પેશાબ નહીં. છૂટથી વિરોધ થાય, વિધ્વંસ નહીં. પેરેન્ટ્સ જયાં બાળકોનાં માલિક નહીં મેન્ટર હોય એ ભારત. મહાનતા ભૂતકાળમાં શોધ્યા કરવાને બદલે, વર્તમાનમાં કર્મ કરી નવું મહાન ભવિષ્ય બનાવે એ ભારત (તો જ ભૂતકાળ સુવર્ણ હોવાની પરમ્પરા જળવાઈ રહેશે ને!). વિશ્વ આખાથી ઇંસ્પાયર થાય પણ ઈન્ફ્લુઅંસ થઇને પોતાનાપણું ખોઈ ન બેસે એ ભારત. અને બેટર બનવા માટે એ પોતાનાપણું બદલવું પણ પડે તો બેજીજક બદલે એ ભારત. બદલાતું ભારત! બદલાવની ઝડપ સાથે વિચારોનું ઊંડાણ જાળવી રાખે એ ભારત. કત્લ નહીં, કલાની કદર કરે એ ભારત. પોલિટિકલી મેચ્યોર હોય એ ભારત. ફક્ત બોલ-બચન નહીં, કંઈક કરી બતાવે એ ભારત. વાતે વાતે લાગણી દુભાવી દેવાને બદલે હસી ને ઇગ્નોર કરતા શીખે એ ભારત. હકો જાણ્યા પહેલાં ફરજો પાળી બતાવે એ ભારત. આતંકવાદીના માનવ અધિકારો પહેલાં, સામાન્ય નાગરીકોના માનવ અધિકારો એશ્યૉર કરે એ ભારત. મેલ-શોવેનીઝમ અને સ્યુડો-ફેમિનીઝમની વચ્ચે જેન્ડર ઇકવાલીટી શોધે એ ભારત. માત્ર જીડીપી નહીં, સોશિયલ પ્રોગ્રેસને સફળતા ગણે એ ભારત. રુલ તોડે એને નહીં, રુલ તોડતા જે અટકાવે એને હીરો બનાવે એ ભારત. ધક્કામુક્કી નહીં, લાઈનમાં ઊભું રહેતું ભારત. ઉકરડાથી ગંધાતું નહીં, કચરો રિસાઈકલ કરતું ભારત. વિજ્ઞાન અને અધ્યાત્મને લડાવે એ નહીં, એમાંથી ઉપાયો શોધે એ ભારત. દૂનિયા આખીની ડિઝાઇન્સ કોપી કરે એ કૉપી-કેટ નહીં, રિસર્ચ કરી દુનિયામાં ટ્રેન્ડ સેટ કરે એ ભારત. જેનું જ્ઞાન ધાર્મિક પુસ્તકનાં છેલ્લાં પાને પુરું ન થઈ જાય એ ભારત. અદાલતમાં ભારતના સંવિધાન પર હાથ મુકી સાચા સોગંદ ખાતું ભારત. દુર્યોધનવૃત્તિની ચુંગાલમાથી છૂટીને કૃષ્ણનીતિ તરફ નજર માંડે એ ભારત. કૃષ્ણ બનવાનું કહીને કંસ ન બની જતું ભારત. કાસ્ટ, રિલીજન, ગાય, ગોધરા અને આયોધ્યાને બદલે પાણી, ટેક્સ, કાયદો, આરોગ્ય અને વ્યવસ્થા પર ચૂંટણી લડે એ ભારત. એક, શૂન્ય, શૂન્ય ડાયલ કરતાં ડર ન લાગે એ ભારત. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના નારાઓ સિવાયની દેશભક્તિ દાખવી બતાવતું ભારત. 16મી ઓગસ્ટ અને 27મી જાન્યુઆરીએ જેની દેશભક્તિ ધૂળ ન થઈ જાય એ ભારત.

તમારા સપનાનું ભારત કેવું છે?

~ સંકેત

Leave a Reply

error: Content is protected !!