મેથીપાક – જયારે દીકરા પોતાની બીમાર માં ની સારવાર ના પૈસા આપતા અચકાય…

‘ગુડ મોર્નીગ, સાહેબ.’
‘ગુડ મોર્નીગ, હોતુભાઈ બોલો બોલો શું વાત છે…’

‘આહીર સાહેબ, મારા ઓળખીતા તેની માની સારવાર કરાવવા માંગે છે.’

‘અરે ભાઈ હોસ્પિટલ દર્દીઓ માટે હોય છે !, મોકલજો ને ભલામણ કરી દઈશ.’

અમદાવાદના કુબેરનગરમાં રહેતા હોતુભાઈ ખૂબજ સેવાભાવી સામાજિક કાર્યકર હતા, પારકે દુ:ખે દુ:ખી થઈ દોડે તેવો પરગજુ સ્વભાવ. જોકે તેઓ હયાત ન હોવા છતાં આજેય તેમની સુવાસ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં સાંભળવા મળે છે.

હું મારા નિયત સમયે ઓફીસમાં પહોંચ્યો હતો. હોતુભાઈ સાથે થયેલ વાત મુજબ દસેક વાગ્યે બીમાર માને લઈ ત્રણ ભાઈઓ મારી ઓફીસમાં આવી ગયા હતા. માજીની હાલત વધુ ખરાબ હોય ડોકટરને ભલામણ કરી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. માજીની હાલત અપુરતા પોષણ અને પથારીમાં એકધારા સુતા રહેવાથી શરીરમાં ચાંદાઓ પડી જવા સાથે ખૂબજ નબળાઈ આવી ગયાનું જણાતા ડોકટરોએ તેની સારવાર શરૂ કરી દીધી.

માજીને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવા સાથે પોષણક્ષમ ખોરાક અને નિયમીત ડ્રેસીંગ કરવામાં આવતા પંદર દિવસમાં સાજા થઈ ગયા. માજીની હાલત સુધરતા જરૂર કરતા વધુ બે દિવસ હોસ્પિટલમાં રોકી રાખ્યા હતા. માજીની તબીયત સુધરી જતા ડોકટરે રજા આપવાની વાત કરતા તેની સાથે રહેતા તેના દીકરાઓ ચૂપચાપ દર્દીને એકલા મૂકી જતા રહ્યા હતા.

બે દિવસ સુધી સુધી વોર્ડમાં માજીના કોઈ સગા ન દેખાતા ડોકટરે માજીને હોસ્પિટલમાંથી રજા આપવાની વાત કરી હતી. સગા-સંબંધીઓ વગર માજી વોર્ડમાં એકલા હોય હું વોર્ડમાં તેને મળવા ગયો હતો. માજીને સગાઓ અંગે પુછતા માજીએ રડતા રડતા તેની આપવીતી કહી સંભળાવી હતી. ત્રણ દીકરા અને પુત્રવધુઓના ત્રાસની વાત સાંભળી ખૂબજ દુ:ખ થયું. માજીની દુ:ખભરી કહાની સાંભળી હોતુભાઈને ફોન કર્યો. હોતુભાઈ મારી વાત સાંભળી માજીના દિકરાઓને ઘેર પહોંચી ગયા. પરંતુ હોતુભાઈને તેના દીકરાઓએ પોતાની માને ઘરમાં પાછા લાવવાને ચોખ્ખી ના પાડી. અને નફફટાઈથી માજીને વધુ બે-ત્રણ મહિના દવાખાનામાં રાખવાનું કહ્યું. હોતુભાઈએ દુ:ખી થતા મને માંડીને વાત કરી.
હોતુભાઈની વાત સાંભળી દુ:ખ થયું અને શું કરવું ? તેવું વિચારતા વોર્ડમાં માજીને મળવા ગયો.

માજીને મળી દીકરાઓની બદમાશીની વાત કરી તેની પાસે કંઈ માલ મિલકત છે કે કેમ ? તેવી પૂછપરછ કરી. જોકે માજી પાસે જે ઘરેણાં-રૂપિયા હતા, તે દિકરા અને તેની વહુઓએ પડાવી લીધા હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેના દીકરાઓ જે મકાનમાં રહેતા હતા, તે ત્રણ માળનું મકાન તેના પતિના નામનું હોવાનું જણાવ્યું હતું.

માજીની વાત સાંભળી તેને ભગવાન ભરોસે છોડવા મન માન્યું ન હતું. અને દીકરાઓને સબક શીખવવાનું નક્કી કરી સરદારનગર પોલીસ ઇન્સ્પેકટરની મદદ માંગી હતી. પોલીસનો સહયોગ મળતા બીજા દિવસે માજીને હોસ્પિટલમાંથી રજા અપાવી હતી. માજીને રજા મળતા સિવિલની એમ્બ્યુલન્સ દીકરાઓના ઘર સામે આવી ઊભી રહી. એમ્બ્યુલન્સ જોઈ માજીના દિકરા અને તેનો પરિવાર ઘર બહાર આવી ગયો. એમ્બ્યુલન્સમાં માજીને જોઈ એમ્બ્યુલન્સ ડ્રાયવર સાથે ઝઘડો કરવા લાગ્યા. અને પોતાના ઘર આગળથી એમ્બ્યુલન્સ હટાવવાનું કહેવા લાગ્યા. થોડીવારમાં વાતાવરણ ઉગ્ર બનતા લોકો ભેગા થઈ ગયા હતા. જોકે માજીનો પરિવાર કોઈપણ ભોગે તેને સ્વીકારવા તૈયાર ન હોય અગાઉથી નકકી થયા મુજબ એમ્બ્યુલન્સ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી. પોલીસ ઇન્સપેકટરે માજીનું સવિસ્તાર નિવેદન લઈ માજીના દિકરાઓ અને વહુઓને પોલીસ સ્ટેશન બોલાવી લીધા.
ઘર આગળથી એમ્બ્યુલન્સ જતા હાશકારો અનુભવી રહેલ માજીના દિકરા-વહુઓએ અચાનક દરવાજા આગળ પોલીસવાન જોઈ ગભરાયા. પોલીસવાનમાંથી કોન્સ્ટેબલે ઊતરી કરડાકીથી પોલીસ સ્ટેશન આવવાનું કહેતા બધા ઢીલાઢફ થઈ ફટાફટ પોલીસવાનમાં બેસી ગયા.

પોલીસ ઇન્સ્પેકટરે ત્રણેય દીકરા અને તેની પત્નિઓને ચેમ્બરમાં બોલાવી સરકારી દવાખાનામાં દર્દીને દાખલ કરી તેને બીનવારસી હાલતમાં છોડી દેવા, ફરીયાદીના પતિનું મકાન પચાવી પાડવું, ખાવાનું ન આપવા સાથે મારકુટ કરવી, રૂપિયા-ઘરેણાં પડાવી લેવા વગેરે ગુનાહિત કૃત્ય અંગે પોલીસ ફરિયાદ મળી હોવાનું જણાવ્યું હતું. અને પોલીસ ફરિયાદ અન્વયે કાનૂની કાર્યવાહી કાર્યવાહી કરવાની થાય છે. અને આ કામે ધરપકડ, પોલીસ રીમાન્ડ, ગેરકાયદેસર મકાનનો કબજો લીધેલ હોય તાત્કાલિક મકાન ખાલી કરાવવાની વાત કરી હતી.

પોલીસ ઇન્સપેકટરની વાત સાંભળી ત્રણેય દીકરા અને તેની પત્નિઓના ટાંગા ધ્રુજવા લાગ્યા. જો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તો રોડ પર આવી જશે તેવી બીક લાગતા એક સાથે બધા દોડીને પોલીસ ઇન્સ્પેકટરના પગમાં પડવા લાગ્યા. પરંતુ પી.આઈ.એ કડકાયથી પગ પકડવા હોય તો માજીના પકડો તેવું કહેતા દિકરા-વહુઓ પી.આઈ.ને પડતા મૂકી માના પગ પકડવા દોડયા.

સ્વાર્થના સગાઓએ કાચીંડાની જેમ કલર બદલતા ‘મા…. મા..’ કરતા માને વળગી પડ્યા. જોકે આપણે જાણીએ છીએ કે માના હૃદયની ઓળખ તેની કોમળતા છે, તે કયારેય પોતાના સંતાનો પ્રત્યે કઠોર થઈ શકતી નથી. એટલે જ આપણે ત્યાં કહેવત છે ‘છોરૂ કછોરૂ થાય પરંતુ માવતર કમાવતર ન થાય’. અને માજીએ દીકરા-વહુઓના બનાવટી હૃદય પરિવર્તનને સાચું માની તેને માફ કરી દીધા, આખરે મા છે ને !. પરંતુ પોલીસ ઇંસ્પેકટર સાવ સહેલાયથી માને તેમ ન હતા, તેમણે ફરીયાદ મંગાવી બધાના જવાબ લીધા, અને માજીને તેમના દિકરા-વહુઓ સારી રીતે રાખશે તેવા બે જામીન લઈ દિકરાઓ સાથે એમ્બ્યુલન્સમાં માજીને તેના ઘેર વિદાય કર્યા. પોલીસ સ્ટેશનમાંથી વિદાય લેતા માજીની આંખોમાંથી અમીભર્યા આશીર્વાદ વરસતા જોયા હતા. આથી જ આપણે ત્યાં એક કહેવત છે……

‘દિ’ વાળે તે દીકરા, બાકી બધા દિપડા’

– જયંતિભાઈ આહીર

Leave a Reply

error: Content is protected !!