નિઃસંતાનોને સંતાન આપનાર રાંદલ માતાના દડવાનો અદ્ભુત ઇતિહાસ
આજે સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે દડવા ગામે માતા રાંદલનું વિખ્યાત મંદિર આવેલું છે. ગોંડલથી મોવિયા – વાસાવડ માર્ગે ૩૫ કિલોમીટર દૂર આવેલા દડવા ગામે રાંદલ માતા અલૌકિક તેજોમય સ્વરૂપે બિરાજી રહ્યા છે. આધ્યાત્મિક ભાષામાં કહીએ તો અહીં રાંદલ માતાજીની મૂર્તિમાંથી દિવ્ય ઉર્જાનો મહાધોધ અવિરત વછૂટે છે. નવરાત્રીમાં દર્શન અલૌકિક અનુભૂતિની ઝલક આપે છે. તો ચાલો જાણીયે આ રાંદલ માતાના દડવાનો ઇતિહાસ.
રાંદલ માતાના દડવાનો ઇતિહાસ.
સૌરાષ્ટ્રમાં પડેલા ભયાનક દુષ્કાળને વરતવા માટે માલધારીઓ એક ટીંબા પર વસવાટ કરે છે જ્યાં તેને રાંદલ માતાજી એક બાળકી સ્વરૂપે મળે છે. બાળકી આવતા જ રિધ્ધિ-સિધ્ધિ વરતાય છે. અપંગ, આંધળા, કોઢીયાઓના રોગો માતાજીની કૃપાથી નાબૂદ થાય છે. છતાં પણ માલધારીઓને પરચો બતાવવાનો નિશ્ચય કરે છે. આવા આશયથી માતાજી બાજુનાં ગામ ધૂતારપૂરા નગરના (વાસાવડનાં) બાદશાહના સિપાઇઓ કે જેઓ દૂધ-ઘી હંમેશા આ માલધારીઓ પાસેથી લે છે તેને સોળ વર્ષની સુંદરીના રૂપમાં દેખાય છે.
બાદશાહ પાસે વાત પહોંચતા તરતજ બાદશાહ તેનું કટક લઇ સુંદરીને (માતાજી) લેવા આવે છે. અને માલધારીઓ ઉપર જુલમ ગુજારે છે. માતાજી કોપાયમાન થઇ બાજુમાં ઉભેલી વાછડીને પોતાના હાથનો સ્પર્શ કરાવતા તરત સિંહ સ્વરૂપમાં ફેરવી નાંખે છે. જે આખા દળ – કટકને દળી (નાશ કરે છે) નાંખે છે. તેથી આ ઐતિહાસિક સ્થળ દડવાના નામે જાણીતું છે. અચંબિત માલધારીઓ ભાવવિભોર થઇને માતાજીનાં પગે પડે છે અને પોતાના સાચા સ્વરૂપ તથા આશ્રય વિષે જણાવવાનું કહે છે.
રાંદલ માતા પોતે જ દેવી રાંદલ હોવાનું કહી વચન આપે છે કે મારી જે કોઇપણ ખરા હૃદયે ભકિત – ઉપાસના કરશે તેના રોગો હરીશ, આંધળાઓને આંખો આપીશ, અપંગોને પગ આપીશ, કોઢીયાઓનો કોઢ મટાડીશ, નિઃસંતાનોને સંતાન આપીશ અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરીશ. અહીં મંદિરમાં નવરાત્રીમાં યજ્ઞ થાય છે તથા રાંદલ માતાજીનાં લોટા પણ તેડાય છે. શાંતિ યજ્ઞ, ચંડીપાઠ પણ કરવામાં આવે છે ગોરણી પણ જમાડાય છે, બટુક ભોજન થાય છે અને અહીં દરરોજ થાળ ધરાય છે.
દડવા રાંદલધામમાં આરતીના દર્શન કરવા એ દિવ્યાનુભૂતિ સમાન છે. હાલમાં અહીં સવારે પાંચ વાગ્યે અને સાંજે સાત વાગ્યે આરતી થાય છે. પ્રાચીન પરંપરા જાળવીને આરતી કરવામાં આવે છે. શંખ – ઢોલ – નગારા – ઘંટના દિવ્ય ધ્વનિ સાથે ૩૦ થી ૪૦ મિનિટ સુધી આરતી ચાલે છે. આરતી સમયે માતાજીનું તેજોમય સ્વરૂપ અતિ તેજથી ઝળહળે છે. આ દર્શનનો લ્હાવો લેવા જેવો છે.
દડવાની દાતાર રાંદલ માતાજીના ભકતો દેશ – વિદેશમાં પથરાયેલા છે. બુદ્ધિ ની હદ પૂરી થાય ત્યાં શ્રધ્ધાના સિમાડા શરૂ થાય છે. રાંદલ માતાજીના મંદિરમાં એવી અનેક ઘટનાઓ બની છે અને હાલ બને છે, જે બુદ્ધિથી પર છે. તો બોલો રાંદલ માતની જય.