Mojemoj.com

Best Gujarati Blog

પતિનું જીવન બચાવવા ૬૭ વર્ષે સ્થાનિક મેરાથોન જીતનાર આ માજીને કરીએ એટલા સલામ ઓછા પડે

મહારાષ્ટ્રના બારામતી જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા લતા કરે એના પતિ ભગવાન કરે સાથે મજૂરીકામ કરીને જીવન વ્યતીત કરતા હતા. મહેનત કરીને કરેલી બધી જ બચત દીકરીઓના લગ્નમાં વપરાઈ ગઈ હતી. હવે વૃદ્ધાવસ્થામાં જીવનનો બીજો કોઈ આધાર ન હોવાથી પતિપત્ની રોજે રોજનું કમાઈને રોજે રોજનું ખાતા હતા.

ભગવાને પણ આ દંપતીની કસોટી કરવી હોય એમ આવી દારુણ ગરીબીમાં ભગવાન કરેને કોઈ વિચિત્ર રોગ આપ્યો. સ્થાનિક ડોક્ટરોએ વધુ સારવાર માટે મોટી હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી. લતા કરેએ સગાસંબંધીઓ પાસેથી માંગી ભિખીને થોડી રકમ ભેગી કરી અને પતિને સારવાર અપાવવા શહેરની મોટી હોસ્પિટલમાં લઇ ગઈ.

ડોકટરોએ તપાસ કરી અને કેટલાક રિપોર્ટ્સ કરાવવા જરૂરી હોવાનું જણાવ્યું. આ રિપોર્ટ્સનો ખર્ચો એટલો મોટો હતો કે જે આ પરિવાર ગમે તેમ કરે તો પણ જરૂરિયાત મુજબના નાણાં ભેગા કરી શકે તેમ નહોતો. લતા કરે પર જાણે કે આભ તૂટી પડ્યું. હવે શું કરવું તેની કંઈ સમજ પડતી નહોતી.

થાકેલી અને હારેલી લતાબાઈ નાસ્તો કરવા માટે હોસ્પિટલની બહાર આવી. નાસ્તાની દુકાનવાળાએ છાપાના એક ટુકડામાં થોડો નાસ્તો લતાબાઈને આપ્યો. હજુ તો નાસ્તાનો કોળિયો મોઢામાં જાય એ પહેલા લતાબાઈના હાથ થંભી ગયા. જે છાપાના ટુકડામાં એ નાસ્તો કરી રહી હતી એ ટુકડામાં સ્થાનિકભાષામાં છપાયેલા એક સમાચારની હેડલાઈન પર એની નજર અટકી ગઈ.

આ સમાચાર બારામતી જિલ્લાની સ્થાનિક મેરેથોન દોડ વિષે અને આ દોડના વિજેતાને આપવાના રોકડ ઇનામ અંગેના હતા. લતાબાઈએ તે જ ક્ષણે નિર્ણય કર્યો કે મારે પણ આ મેરેથોન દોડમાં ભાગ લઈને ઇનામ મેળવવું છે. એકવાર ઇનામની મોટી રકમ મારા હાથમાં આવી જાય તો હું મારા પતિની સારવાર કરાવી શકું
મારે કોઈપણ ભોગે પતિ ગુમાવવો નથી. લતાબાઈ સ્પાર્ધામાં ભાગ લેવા માટે પહોંચી ત્યારે આયોજકોએ રજીસ્ટ્રેશન કરવાની ના પાડી. લતાબાઈ પાસે પગમાં પહેરવાના બુટ તો એક બાજુ રહ્યા ચપ્પલ પણ નહોતા. 67 વર્ષની ઉંમરની આ બિનઅનુભવી સ્ત્રીને કેમ ભાગ લેવા દેવો ?

લતાબાઈને તો હોસ્પિટલની પથારીમાં રહેલા પતિનો ચહેરો જ દેખાતો હતો. આયોજકોને ખૂબ વિનંતી કરી, આજીજી કરી, પરિસ્થિતિ સમજાવી. અંતે આયોજકોએ ભાગ લેવા માટેની મંજૂરી આપી. 67 વર્ષની આ વૃદ્ધા પતિનો પ્રાણ બચાવવા જંગે ચડી. સાડી પહેરીને ખુલ્લા પગે એ મેરેથોનમાં ભાગ લેવા માટે ઉતરી. ગોઠણ સુધી સાડી ઊંચી કરીને એણે ડોટ મૂકી. દોડતી વખતે પગમાં નાના પથ્થરો વાગવાની કારણે પગમાંથી લોહી નીકળતું હતું તો પણ લતાબાઈ સતત દોડતી જ રહી અને સિનિયર સિટીઝનની કેટેગરીમાં પ્રથમ નંબર મેળવીને પતિની સારવાર માટે રોકડ ઇનામ જીતી લાવી.

લતાબાઈએ એ સાબિત કરી આપ્યું કે પ્રેમ માટે અને પોતાના માટે માણસ ગમે તે કરી શકે. જો મનોબળ મજબૂત હોય તો કોઈ કામ માટે ઉમર પણ અડચણરૂપ ના બને. પ્રેમ કરવાની આ રીત યુવાનોએ લતાબાઈ પાસેથી શીખવા જેવી છે.

લતા ભગવાન કરેને અને એની હિંમતને વંદન. સો સો સલામ છે દાદીમાં આપને…

– શૈલેશ સગપરીયા

ફેસબુક ના સૌથી લોકપ્રિય પેઈજ “જ્ઞાન સાથે ગમ્મત” થકી શૈલેશભાઈની લોકપ્રિય વાતો આપ વાંચી રહ્યા છો. શૈલેશભાઈ ના લોકપ્રિય ગુજરાતી પુસ્તકો ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!