પેડલ રીક્ષા ચલાવતા આ અભણ દાદાએ ૩૦૦ થી વધુ બાળકોને ભણાવતા રાત-દિવસ એક કરી દીધેલા

1987ની સાલની આ વાત છે. 74 વર્ષનો પેડલ રીક્ષા ચલાવતો બાઈ ફાન્ગલી નામનો એક વૃદ્ધ એની કમરતોડ મજુરી છોડી નિવૃત્ત જીવન જીવવા પોતાનાં ગામમાં આવ્યો. ખુબ મજુરી કરવાથી એ થાકી ગયો હતો અને બાકીની જીંદગી આરામથી પસાર કરવા માંગતો હતો આ માટે પોતે કરેલી થોડી બચત પુરતી હતી.

પોતાના વતનમાં આવીને બાઇ ફાન્ગલીએ જોયુ કે નાના-નાના બાળકો પણ ખેત-મજુરી કરતા હતા. બાઇને આ જોઇ ખુબ દુ:ખ થયુ કે આ બાળકોને પણ પોતાની જેમ જ હેરાન થઇને જીવન પસાર કરવું પડશે. એ બાળકોના વાલીઓ પાસે ગયો અને ભણવાની ઉંમરે બાળકો આવી મજૂરી કરે એ યોગ્ય નથી એ વાત સમજાવી. વાલીઓએ કહ્યુ કે અમારે અમારા સંતાનોને ભણાવવા જ છે પણ એ માટેની ફી ભરવા માટે અમે સક્ષમ નથી.

બાઈ, પોતાના ગામથી પોતે જ્યાં પેડલ રીક્ષા ચલાવતો હતો ત્યાં તીયાન્જીન પાછો વળ્યો ! …. અને ફરી પેડલ રીક્ષા ચલાવવા લાગ્યો. રેલ્વે સ્ટેશન નજીક ઝુંપડું બનાવી ત્યાં રહેવા લાગ્યો. બાઇ ચોવીસે કલાક યાત્રીઓની રાહ જોતો, સાદું ભોજન જમતો અને જુના ઉતરેલા કપડાં પહેરતો. તેણે તેની જીવનભરની ખૂન પસીનાની કમાણી એ બાળકો પાછળ ખર્ચી નાખી કે જેઓ અપૂરતી આવકનાં કારણે ભણી શકતા ન હતા.

2001 માં તેણે તીયાન્જીન યાઓ હુઆ મીડલ સ્કુલ તરફ તેની રીક્ષાની આખરી સફર ખેડી નાણાંની છેલ્લી સોંપણી કરી. લગભગ 90 વર્ષની ઉમરે માનવતાનાં આ મહાનાયકે શાળાનાં વિદ્યાર્થીઓને ભારે હૃદયે જણાવ્યું કે તે હવે વધુ કામ કરી શકવાને અસમર્થ છે. શાળાનાં દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા.

બાઈએ 300 થી વધુ ગરીબ વિદ્યાર્થીઓને તેમનાં અભ્યાસ માટે 3,50,000 યુઆનની મદદ કરી હતી.

2005 માં બાઈએ આ દુનિયાને અલવિદા કરી ત્યારે એના ચહેરા પર સ્મિત હતુ અને બીજા અનેક ચહેરાઓ રડી રહ્યા હતા.

એક પેડલ રીક્ષાનો અભણ ડ્રાઈવર 300 બાળકોને અભ્યાસ માટે પ્રેરીત કરી શકતો હોઇ તો તમે કે હું તો બાઇ કરતા વધુ સારી પરિસ્થિતીમાં જીવનારા છીએ. આ સમાજ કે રાષ્ટ્રની ભાવી પેઢી પ્રત્યે આપણી કોઇ જવાબદારી ખરી ?

– શૈલેશ સગપરીયા

શૈલેશ સગપરીયા ની સદાબહાર વાર્તાઓ ના ગુજરાતી પુસ્તકો વળતર સાથે ઘરે બેઠા મેળવવા વોટ્સએપ કરો 7405479678 અથવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!