Mojemoj.com

Best Gujarati Blog

પોતાના અંતિમ સંસ્કાર માટે અગાઉથી 50000 રૂપિયા સ્મશાન ગૃહમાં જમા કરાવી દેનાર આ દંપતી વિષે વાંચવા જેવું છે

સુરતના અડાજણ જેવા અતિ સમૃધ્ધ વિસ્તારમાં રહેતા 98 વર્ષની ઉંમરના નરોત્તમભાઇ દાલીયા અને 85 વર્ષની ઉંમરના એમના ધર્મપત્નિ લક્ષ્મીબેન દાલીયા એકલવાયુ જીવન જીવતા હતા. એમને કોઇ સંતાન ન હતુ પરંતું આ બાબતની એણે ક્યારેય ભગવાનને ફરીયાદ નથી કરી કે ક્યારેય આ વાતને લઇને દુ:ખી નથી થયા.

નરોત્તમભાઇએ એક આદર્શ શિક્ષક તરીકે અને લક્ષ્મીબેને એક સ્વાતંત્ર્યસેનાની તરીકે આ દેશની ઉત્તમ સેવાઓ કરેલી છે. લક્ષ્મીબેને તો ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇ સાથે પણ કામ કર્યુ હતુ. થોડા સમય પહેલા આ દંપતિ અડાજણ જેવો પોશ વિસ્તાર છોડીને એક સામાન્ય વૃધ્ધાશ્રમમાં રહેવા માટે આવી ગયુ છે. એમના અંતિમ સંસ્કાર માટે અગાઉથી 50000 રૂપિયા સ્મશાન ગૃહમાં જમા કરાવી દીધા છે જેથી અવસાન બાદ અંતિમક્રિયામાં વૃધ્ધાશ્રમને કોઇ તકલીફ ન પડે.

આ દંપતિ પહેલેથી જ સેવાભાવી રહ્યુ છે. જ્યારે એના ગામમાં શાળા બની રહી હતી ત્યારે લક્ષ્મીબેને પોતાના ઘરેણા વેંચીને શાળાને દાન આપેલુ. સ્ત્રીને ઘરેણા અતિપ્રિય હોય આમ છતા લક્ષ્મીબેને શાળાને દાન દેવા માટે ઘરેણા શા માટે વેંચ્યા એવું એમને પુછવામાં આવ્યું ત્યારે લક્ષ્મીબેને કહેલુ , ” હું માત્ર 4 ધોરણ સુધી જ ભણેલી છું. હું ઇચ્છુ છુ કે મારા ગામની એકપણ દિકરી ભણ્યા વગરની ન રહી જાય. ગામના તમામ દિકરા-દિકરીઓ અમારા જ સંતાન છે.”

નરોત્તમભાઇ અને લક્ષ્મીબેને એક એવુ કામ કર્યુ છે કે તેમને સો સો સલામ કરવાનું મન થાય. આ દંપતિ પાસે ઘણી મીલકતો છે. એમની પાસેની બધી મીલકતોની કીંમત 180 કરોડથી પણ વધુ છે. આ તમામ મીલકતો જુદી-જુદી શૈક્ષણિક સંસ્થાઓ અને લોકક્લ્યાણની પ્રવૃતિ કરતી સંસ્થાઓને એણે દાનમાં આપી દીધી છે અને વૃધ્ધાશ્રમમાં આવીને એક સામાન્ય માણસની જેમ જીંદગી વિતાવે છે. એકબાજુ મરવાની ઉંમરે પણ કાળાધોળા કરીને રૂપિયા ભેગા કરવાનું કામ કરતા લોકો છે તો બીજી બાજુ સમાજને માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર દાલીયા દંપતિ છે.

આપણી મહાન સંસ્કૃતિએ આપણને ‘ તેન ત્યકતેન ભૂંજીથા : ‘ અર્થાત ત્યાગીને ભોગવી જાણોનો ઉત્તમ જીવન સંદેશ આપ્યો છે. મોટામોટા કથાકારો અને પ્રવચનકારો માત્ર તેની વાતો કરે છે જ્યારે નરોત્તમભાઇ અને લક્ષ્મીબેને એને ચરિતાર્થ કરીને બતાવ્યો

– શૈલેશ સગપરીયા

ફેસબુક ના સૌથી લોકપ્રિય પેઈજ “જ્ઞાન સાથે ગમ્મત” થકી શૈલેશભાઈની લોકપ્રિય વાતો આપ વાંચી રહ્યા છો. શૈલેશભાઈ ના લોકપ્રિય ગુજરાતી પુસ્તકો ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!