મેઘાણીએ જેને “ચારણકન્યા” કાવ્યથી અમર બનાવી છે એ ૧૪ વર્ષની હિરબાઇની સત્યઘટના

જગદંબા શી ચારણકન્યા –

તુલસીશ્યામથી બે ગાઉ છેટે આવેલા ખજૂરીના નેસડાના ફળિયામાં ઢાળેલા ખાટલાઓ પર બેઠા-બેઠા સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને અમીરાતને ઉજાગર કરનારા ઝવેરચંદ મેઘાણી અને ચારણી સાહિત્યના મુઠી ઉંચેરા કવિ દુલા ભાયા કાગ “ભગતબાપુ” દુધની તાંસળીઓ મોઢે માંડી રહ્યાં છે.બન્ને ધુરંધરો ઇતિહાસ અને સંસ્કૃતિ દટાયેલા પાના બહાર કાઢવા આ યાત્રામાં નીકળ્યા છે.અને અત્યારે ચારણના નેસની ભાવભીની મહેમાનગતી માણી રહ્યાં છે.ઝુંપડાની મહેમાન ગતી પણ અદ્ભુત હતી.ભાવનગર રાજકવિ પિંગળશી પાતાભાઇ નરેલાના કહેવા મુજબ –

“ઝુંપડીએ કો’ક તો જાજો….
એના મે’માન તો થાજો….”

ખજૂરીના નેસ પર સંધ્યાની રૂંઝ્યો વળી ગઇ છે.ભેંસો ને ગાયોના ધણ ગીરના જંગલોમાંથી ચરીને નેસ તરફ આવી રહ્યાં છે.આ બાજુ મહેમાનોનો ડાયરો જામ્યો છે.

એવામાં અચાનક ગિરના જંગલોને ધ્રુજાવી નાખતી,ભલભલાના કાળજામાં કટારી ભોંકી દે એવી ગિરના ખુંખાર ડાલામથ્થા કેસરીની ગર્જના સંભળાણી.ઘડીભર તો પવન થંભી જાય એવી દહાડ…..! નેસડામાં દેકારો મચી ગયો.બધાં દોડ્યાં ધાર પર.ત્યાં જ…..મેઘાણીભાઇએ અને ભગતબાપુએ જોયું…..એક સિંહ પાદરમાંથી વાછરૂને ઉપાડીને જતો હતો.પણ એટલું જ નહિ….હૈયા થંભાવી દે એવું નજરાણું તો બીજું હતું.એ ખુંખાર કેસરીની પાછળ એક સુકુમાર બાળારાજા જેવી દિસતી એક ચારણની છોકરી હાથમાં ડાંગ લઇને એ સિંહ પાછળ દોડી.એ કન્યા સિંહની સામે લાકડીઓ વીંઝતી હતી.અને એણે હાંકોટા નાખ્યા.”ગોઝારા ! ભાગ્ય.મેલી દે એ બચ્ચાંને…..તારે વાછરૂને રેંસી નાખવું છ ! ઊભો રે’જે.”કહી એણે સાક્ષાત્ જગદંબાનું સ્વરૂપ ધર્યુ હોય એમ ડાંગ ઉગામી.અને….અને….અહો આશ્વર્યમ્ ! સિંહ ઉભી પૂંછડીએ દેમાર નાસી ગયો…વાછરૂને ત્યાંનુ ત્યાં જ રહેવા દીધું ! ભગવાન જાણે એ સાક્ષાત્ જગદંબાને ભાળી ગયેલો કે શું !

જે હોય તે પણ મેઘાણી હવે ધ્રુજવા લાગ્યાં.દુલા કાગના કહેવા મુજબ તો એમને પકડી રાખવા પડ્યાં,બાકી એ પણ સિંહની પાછળ જતાં હતાં ! આ અપૂર્વ ઘટનાના સાક્ષી બનવાનું ગૌરવ આ બંને માણસોને પ્રાપ્ત થયેલું એ કાંઇ જેવી તેવી વાત નહોતી.અને પછી રાષ્ટ્રીય શાયર મેઘાણીની કલમ થોડી ઝાલી રહે ! એણે ગાતાં-ગાતાં રચના કરી અમર કાવ્યની – “ચારણકન્યા” ! જે આજે પણ ગુજરાતી ભાષાના ગૌરવ સમાન ગણાય છે.

કવિ કાગે આ નજરે જોયેલ ઘટનાના સાક્ષી હોવાના નાતે લખ્યું છે –

“તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એ વખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”

આ ડોલાવી નાખનાર અદ્ભુત કાવ્ય વાંચવું ગમશે –

સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવત કુળનો અરિ ગરજે

કડ્ય પાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે

જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે!

બાવળના ઝાળાંમાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે

ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે.

થર! થર ! કાંપે

વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે

પહાડોના પત્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે

સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌ એ કાંપે.

આંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે !

વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે.

જડબાં ફાડે!

ડુંગર જાણે ડાચાં ફાડે!
જોગી જાણે ગુફા ઉઘાડે!

જમ રાજાનું દ્વાર ઉઘાડે!
પૃથ્વીનું પાતાળ ઉઘાડે!

બરછી સરખા દાંત બતાડે
લસ! લસ! કરતી જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે!
બડકંદાર બિરાદર ઉઠે

ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઉઠે

બરછી ભાલે કાઠી ઉઠે
ઘરઘરમાંથી માટી ઉઠે

ગોબો હાથ રબારી ઉઠે
સોટો લઇ ઘરનારી ઉઠે

ગાય તણા રખવાળો ઉઠે
દૂધમલા ગોવાળો ઉઠે

મૂછે વળ દેનારા ઉઠે
ખોંખારો ખાનારા ઉઠે

માનું દૂધ પીનારા ઉઠે
જાણે આભ મિનારા ઉઠે.

ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઉભો રે’જે!

ગિરના કુત્તા ઉભો રે’જે!
કાયર દુત્તા ઉભો રે’જે!

પેટભરા ! તું ઉભો રે’જે!
ભૂખમરા ! તું ઉભો રે’જે!

ચોર-લૂંટારા ઉભો રે’જે!
ગા-ગોઝારા ઉભો રે’જે!

ચારણ-કન્યા !
ચૌદ વરસની ચારણ-કન્યા

ચુંદડિયાળી ચારણ-કન્યા
શ્વેત સુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા

ઝાડ ચડન્તી ચારણ-કન્યા
પહાડ ઘુમન્તી ચારણ-કન્યા

જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા

નેસ-નિવાસી ચારણ-કન્યા
જુગદમ્બા-શી ચારણ-કન્યા

ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા

હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા.

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો.

અસ્ત્રીના સતથી એ ભાગ્યો
સાચી હિમ્મતથી એ ભાગ્યો !

– Kaushal Barad

Leave a Reply

error: Content is protected !!