હેપી ઈન્ડીપેન્ડંસ ડે – શું આપણે ખરેખર સ્વતંત્ર થયા છીએ ??

ઘરમાં આજે ખુશીનો માહોલ હતો. રિષભની સગાઇ નક્કી થવાની હતી. અઢાર છોકરીઓ જોયા બાદ આખરે રિષભને પોતાની પસંદની છોકરી મળી ચુકી હતી તેથી તે ખુબ જ ખુશ હતો અને આજે સ્વતંત્રતા દિવસ નિમિતે ઓફિસમાં રજા હોવાના લીધે રિષભ સવારના જ ધ્વજવંદનના કાર્યક્રમ માટે નીકળી ગયો હતો અને ત્યાંથી પોતાના દોસ્તો જોડે ફરવા જવાનો પ્લાન હતો.

રિષભના પિતા હરદાસભાઈ સવારમાં રેડી થઈને ટીવી પર સ્વતંત્રતા દિવસ પર નરેન્દ્ર મોદીની સ્પીચ સાંભળી રહયા હતા એટલામાં જ તેમની દીકરી નવ્યા રેડી થઈને કશેક બહાર જવાની તૈયારી કરી રહી હતી.

“સવાર સવારમાં ક્યાં જાય છે નવ્યા ? અને આ જીન્સ પહેરવાનું ક્યારથી શરુ કર્યું ? આ ઘરમાં જીન્સ લાવ્યું કોણ ?”, હરદાસભાઈ પોતાના હુકુમત ચલાવતા અંદાઝમાં બોલતા હોય એ રીતે પૂછ્યું.

“આજે હું અને મારી ફ્રેન્ડ અમારા કોલેજ ફ્રેન્ડ્સ જોડે વન ડે પીકનીક પર જવાના છીએ પાપા”, નવ્યા એકદમ લાડથી બોલી.

“કોલેજ ફ્રેન્ડ્સમાં એકલી છોકરીઓ જ છે કે પછી છોકરાઓ પણ છે ?”, હરદાસભાઇએ સવાર સવારમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસ શરુ કરી.

“જી… પાપા…………. એક્ચ્યુઅલી એવું છે કે અમે સાત આઠ છોકરીઓ અને આઠ દસ છોકરાઓ છીએ જે જઈ રહયા છીએ”, નવ્યા હવે તેના પિતાનો અંદાઝ પારખી ચુકી હતી આથી ખચકાઈને બોલી.

“જોયું રિષભની મા, આપણે મરી ગયા છીએ એટલે હવે દીકરીઓ પૂછ્યા વગર છોકરાઓ જોડે ફરતી થઇ ગઈ છે. બાપને પૂછવાની પણ એને જરૂર નથી લાગતી. આજે ફરવા જશે અને પછી કાળું મોઢું કરીને આપણું નાક કપાવશે”, હરદાસભાઈ થોડા ગુસ્સે થઈને બોલ્યા.

“પાપા ! તમે શું બોલી રહયા છો એ તમને ખબર છે ? તમને આટલોય ભરોસો નથી મારા પર ?”, નવ્યા થોડી ગુસ્સે થઈને બોલી.

“તને કોલેજમાં ભણવા મૂકી એ જ મારી મોટી ભૂલ હતી. છોકરીઓએ ઘરમાં કચરા-પોતા અને રસોડા જ સંભાળવાના હોય. કાલથી તારી કોલેજ બંધ અને ઘરનું કામ કરવાનું શરુ કરી દે, લાગે છે હવે રિષભ જોડે તારાય હાથ પીળા કરી દેવા પડશે, સાંભળી લે રિષભની મા, આજ પછી આ મને પૂછયા વગર ઘરની બહાર ગઈ તો તારી અને તારી દીકરીની ખેર નથી. અને હા ! આ જીન્સ નાખી દે કચરામાં અને ભારતીય પોશાક પહેરો. પોતાની મર્યાદામાં રહો”, આખરે કશુંય વિચાર્યા જાણ્યા વગર હરદાસભાઈએ પોતાનો ફેંસલો સંભળાવી દીધો.

નવ્યા રડતી રડતી પોતાના રૂમમાં ચાલી ગઈ.

રિષભની મા તરત જ બહાર આવીને હરદાસભાઇ પાસે બેસી ગઈ અને બોલી,”આ રિષભના સસરા જોડે લેવડ-દેવડની વાત પહેલા કરી લેજો. એમ ને એમ ખાલી દીકરીને ખાલી હાથે મોકલી દેશે એ હું નહિ ચલાવી લઉં, ૫ લાખના ઘરેણા, ૨ લાખ રોકડા અને રિષભ માટે એક ૧૦ લાખની ગાડી આટલું તો માગજો જ, નહીંતર આ વેવિશાળ અહીંયા જ રોકી દેજો”

“હા… હા ! મને ખબર છે એ બધી, તું ચિંતા કરમાં, મારા ધ્યાનમાં છે જ. અને તું પણ રિષભની વહુને મળીને પહેલા જ ચોખવટ કરી લેજે કે મારા ઘરમાં વહુએ લાજ કાઢવાની રહેશે અને ફક્ત સાડી જ પહેરવાની છે. ઘરની બહાર એકલા કશેય જવાનું નથી અને હા એ જે કઈ ભણે છે એ કહી દેજે કે બંધ કરી દે, મારા ઘરની વહુ નોકરી કરે એ હું સ્હેજેય સાંખી નહિ લઉં”, હરદાસભાઇ પણ પોતાનું લિસ્ટ રજૂ કરતા હોય એમ બોલ્યા.

“આ શું જોવો છો આજ સવાર સવારમાં ?”, રિષભની માએ ટોપિક બદલતા કહ્યું.

“મોદી સાહેબની સ્પીચ સાંભળું છું. આજના દિવસે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર થયો હતો”, હરદાસભાઇ જાણે પ્રાઉડ ફીલ કરીને બોલી રહયા હતા.

ત્યાં જ તેનો મોબાઈલ રણકી ઉઠ્યો.

“હેલો ! હા ઘના.. બોલ બોલ… ધ્વજવંદનમાં જાય ત્યારે મને લેતો જાજે”

“એ હા હરિકાકા”

“અને સાંભળ ઘના ! પેલું શું કે ઈંગ્લીશમાં ??  હા જો યાદ આવી ગયું….

“હેપી ઇન્ડિપેન્ડન્સ ડે”

સમાપ્તિ…

Leave a Reply

error: Content is protected !!