૩૩ વર્ષના અમેરિકન યુવાને ભારતીય આદિવાસીઓ માટે અમેરિકા છોડ્યું

ઝારખંડનાં પાટનગર રાંચીની બાજુમાં દાહુ નામનું એક નાનું ગામ છે. દાહુ આદીવાસી વસ્તી ધરાવતું ગામ છે. ગામના અને આસપાસના વિસ્તારના મોટા ભાગના લોકો અભણ છે અને એમાં પણ સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ તો ખુબ ઓછું છે. આવા સામાન્ય ગામે એક અસામાન્ય કામ કર્યુ જેનાથી એ બધાની નજરમાં આવી ગયુ. 2013માં દાહુની અન્ડર 14 મહિલા ફુટબોલ ટીમે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પેન ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરીને ઉત્તમ પ્રદર્શન દ્વારા દેશનું ગૌરવ વધાર્યુ. સાવ નાના ગામડાની આદીવાસી ટીમ ફુટબોલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેવી રીતે પહોંચી ? એવો સવાલ સૌ કોઇને થાય એ સ્વાભાવિક છે. આવુ બનવા પાછળ એક રસપ્રદ કહાની છે.

અમેરીકામાં જ જન્મેલો અને મોટો થયેલો ફ્રાંઝ ગેસ્ટલર 2007ના વર્ષમાં ભારતની મુલાકાતે આવ્યો હતો. ફ્રાંઝ અમેરીકાની હાવર્ડ લો સ્કૂલનો ગ્રેજ્યુએટ હતો અને બીઝનેશ કન્સલટન્ટ તરીકે કામ કરતો હતો. ફ્રાંઝે જ્યારે ઝારખંડના ગામડાઓની મુલાકાત લીધી ત્યારે આદીવાસીઓની દયનીય સ્થિતી જોઇને એમના માટે કંઇક કરવાની ઇચ્છા થઇ. એમાં પણ આદીવાસી છોકરીઓની સ્થિતી તો ખૂબ ખરાબ હતી.

ગામડાની આદીવાસી દિકરીઓ માટે કોઇ નક્કર કામ કરવું હોય તો અમેરીકામાં રહીને આવુ કામ સંભાળવું મુશ્કેલ હતુ એટલે ફ્રાંઝ અમેરીકા છોડીને ભારતમાં જ રહેવા માટે આવી ગયો. લોકો ભણીગણીને પૈસા કમાવા અમેરીકા જાય છે અને ફ્રાંઝ ભણીગણીને પોતાની ધીકતી કમાણી મુકીને સેવા કરવા ભારતના આદીવાસી વિસ્તારમાં આવ્યો. એણે “યુવા” નામની એક સંસ્થાની સ્થાપના કરી.

“યુવા” દ્વારા આદીવાસી વિસ્તારની દિકરીઓ માટે શાળાઓ શરુ કરવામાં આવી છે. આ છોકરીઓની ક્ષમતાઓનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરીને ફ્રાંઝે એને અભ્યાસની સાથે સાથે ફુટબોલની રમત માટે તાલીમ આપીને તૈયાર કરવાનું નક્કી કર્યુ. માત્ર 15 છોકરીઓથી શરુઆત કરી આજે આસપાસના વિસ્તારની 14 વર્ષથી નીચેની 250થી વધુ છોકરીઓને ફુટબોલની પ્રોફેશનલ ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં ઝારખંડ મહિલા ફુટબોલની રમતમાં 20માં ક્રમે હતું જે હવે 4થા ક્રમે પહોંચી ગયુ છે.

ઝારખંડના આ આદીવાસી વિસ્તારની છોકરીઓ ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે એમા શંકાને કોઇ સ્થાન નથી.

મિત્રો, 33 વર્ષની ઉંમરનો ફ્રાંઝ એની સ્વયંસેવકો અને શિક્ષકોની ટીમ સાથે, જેની સાથે સ્નાન-સૂતકનો કોઇ સંબંધ નથી એવી ભારતની આદીવાસી દિકરીઓના ઉત્કર્ષ માટે અથાગ પ્રયાસો કરી રહ્યો છે. આપણે ભારતવાસીઓ આપણી આસપાસના લોકોના ઉત્કર્ષ માટે કંઇ નાનુ મોટું કામ કરી શકીએ કે નહી ?
– શૈલેશ સગપરીયા

Leave a Reply

error: Content is protected !!