ભમરડો – નિર્દોષ મિત્રતાની અનુભૂતિ કરાવતી ટૂંકી હૃદયસ્પર્શી વાર્તા

ગામના પાદરે લીમડાનું ઘેઘૂર ઝાડ છે, અડીને તળાવ આવેલું છે. તળાવની પાળ ફરતે અનેક ઝાડની હાર ગામની શોભા વધારી રહ્યાં છે. નાના ભૂલકાઓ જ્યાં ત્યાં રમતા દેખાય છે. ગામ તો બહુ નાનું છે. પણ તેની શોભા ઘણી અનેરી માલૂમ પડે છે. ક્યાંકથી કોયલ નો અવાજ આવે છે તો ક્યારેક વળી મોરના ટહુકા પણ સંભળાય છે. સાંજે મનોહર આરતીની ઝાલર ને ઘંટારવનો નાદ દિલમાં અનોખી તૃપ્તિનો ભાવ પેદા કરે છે. સર્વે લોકો એકબીજા સાથે સંપ અને સહકારની ભાવનાથી રહે છે. આજે પણ તળાવની પાળ પર નાના ભૂલકાઓ રમી રહ્યા છે.

“આજે કઈ રમત રમશું ?” કોઈ એકે પૂછ્યું.

“આજે તો મનો કે એ જ” રઘો બોલ્યો.

“જો હવે આપણે એને મનો નહિ મનીષ કહેવાનું ” રમેશે કીધું ત્યાતો વચ્ચે દલો કુદી પડ્યો.

“કેમ અલ્યા મનાએ તને ગુલ્ફી ખવરાવેલી, તે એને માન આપવા લાગ્યો ?”

“ના, મેં તો કોઈને કશું નથી આપ્યું” મનીષ થી ના રહેવાયું “તમે લોકો મને મનો જ કહો, મને તો ગમે છે. ને આમેય બધા મને એ નામ થી તો બોલાવે છે.”

“મને ખબર છે પણ મને થયું કે મનો હવે શહેરમાં જતો રહેવાનો છે, ને આપણા ભેળો એ બહુ ઓછા દિવસ રમશે. તો મેં કુ એને મનીષ કહીએ.” ને જરા ઝંખવાઈ ને રઘો બોલ્યો.

“તે તનેય ક્યાં કોઈ રઘુ કહે છે, ને આને પણ ક્યાં કોઈ અશોક કહે છે.”

“અરે જવા દ્યો, બધાના તોછડા નામ છે, હા હા હા” ને સૌ એક સાથે ખુબ હસ્યા.

“રઘા બધું જવા દે કઈ રમત રમશું કે ?”

“મનો કંઈ કહેવા ત્યાર ના હોય તો બધાની માનીતી ગેમ આંબલી પીપળી… ઓકે ?”

“ઓકે કબૂલ” મનાએ કીધું કે બધા રાજી દઈને દાવ ચાલુ કર્યો.

કોઈ દાવ આપે છે તો બધા દાવ લઇ ને દોડે છે. કોઈ ઝાડ પરથી નીચે આવે છે તો કોઈ એને પકડવા દોડે છે. કોઈ ઝાડ ની ડાળ ને વળગી ને નીચે આવતા પડી જાય છે પણ પકડાઈ જવાની બીકે વળી પાછો એજ ડાળ પકડી ને ઉપર ચડી જાય છે. રમતની રંગત જામી છે. રઘો ને મનો બંને એકજ ડાળ પર ભેગા થઇ ગયા.

“રઘા શહેરમાં કંઈ આવી રમતું નહીં હોય.”

“તો કેવી હોય, કેમ ત્યાં ઝાડવા ન હોય, ઈ બધું જવા દે, અટાણે યાદ ન કર, ઉતર જલ્દી અશકો આવતો લાગે છે ”

ગામના ચોકમાં આજે માહોલ ઉભરાયો છે. લોકો ટોળે વળીને ગોળ લાઈન માં ઊંભા રહેલા છે. વચ્ચે એક જાદુગર અવનવા કરતબ બતાવી રહ્યો છે. દરેક કરતબે લોકો તાલી પાડે છે ને ઉમંગમાં ઝૂમી ઊઠે છે. નાના ભૂલકાઓ આગળની હરોળમાં બેઠા છે. તેઓ પણ ખૂબ જ ઉત્સાહમાં તાળીઓ પડે છે. દલો, અશકો, રઘુ, મનો, તનુ ને આખી ટોળી પણ સાથે ઝૂમે છે.

“તને ખબર છે રઘા ?”

“શું ?”

“મારા બાપુજી કહેતા કે કદાચ આવતા અઠવાડિયે અમે લોકો શહેર માં રહેવા જતા રહીશું.”

“તું બઉ ખુશ છે આ ગામ છોડી ને જવામાં ?”

“એવું તો મેં નથી કીધું.”

“છોડ એ, જો જો જાદુગરે રૂમાલમાંથી કબુતર ઉડાડ્યું.”

ને બધા લોકો એ ખૂબ તાલી પાડી છોકરાઓ પણ ઝૂમી ઉઠ્યા. લોકો એ ઘણા બધા રૂપિયા તેને આપ્યા. ખેલ પૂરો થયો કે બધા વીખરાવા લાગ્યા. બધાની સાથે મનો પણ ઘરે જતો રહ્યો. દલો ને અશોક પણ જતા હતા તો રઘાએ તેમને રોક્યા.

“દલા, મનો કહેતો કે એ લોકો આવતા અઠવાડીયે જતા રહેવાના છે.”

“હા, મને પણ કહેતો હતો.”

“કઈ નહિ, આ તો આપની ટોળીમાંથી એક યાર ઓછો થઇ જશે.”

“હા યાર… પણ હું ને તું શું કરી શકીએ.. મને એવો વિચાર તો આવે જ છે, ને મનો તો આપનો બધાનો માનીતો ભાઈબંધ છે.”

“એટલે જ તો જીવ બળે છે, ને આપણે જાણીએ છે કે એ કદી કોઈની સાથે તકરાર કે ગુઈચા પણ નથી કરતો.”

ને વિલાયેલ ચહેરે તેઓ પણ પોત પોતાના ઘરે જતા રહ્યા. ગામનું જીવન સાદું ને સરળ. ગામમાં સાત આઠ દુકાનને એમાં એક વાળંદની દુકાન. ખેતી અને સમાન્ય વેપાર પર ગામલોકોનું ગુજરાન ચાલતું હતું. સંતોષ અને સંયમમાં રહીને જીવન જીવતા હતા. મનીષના બાપુજી નાના મોટા મકાન બનાવવાનો ધંધો કરતા. કોઈએ શહેરમાં જઈ ધંધો વિકસવાની સલાહ આપી એથી તેઓ એ ગામ છોડવાનું નક્કી કર્યું હતું. નાનજીભાઈ ખૂબ ધગશથી કામ કરતા અને ખંતીલા હતા. ગામમાં બધા તેમને માનથી બોલાવતા. ગામલોકોને જયારે ખબર પડી ત્યારે બધાએ તેમને વિનવી જોયા.

“નાનજીભાઈ, તમે અહી સુખી નથી ?”

“જેઠાભાઈ એવું કશું નથી, હું ગામ છોડીને નથી જતો. ને તમને તો ખબર છે કે મારું એક ખેતર પણ અહીં છે.”

“અમને ખબર છે પણ એ તો તમને પૈસાની જરૂર પડે તો વેચી પણ દો, ખરું ને જીવાકાકા ?”

“જો નાનું, તને કઈ વધારે કહેવું ઉચિત નથી. પણ તને સારું સુઝે તો આ ગામ શાંતિથી રહેવા બુરું નથી”

“રે જીવાકાકા, એમ કઈ ગામ સાથેનો નાતો તોડી ને નથી જતો.. ને નવરાત્રીમાં કે ગોકુળ આઠમ ઉજવવા બધા આવશું” ને ગળગળા થઇ ને નાનાજીભાઈ નીચું જોઈ ગયા. સારું થયુ કે વાતને અટકાવતો તેમનો ટેણીયો આવતો દેખાયો.

“બાપુજી, ખાવાનું થઇ ગયું છે તો મારા બાએ કીધું છે ઘરે ચાલો.”

“ઠીક છે ચાલો ત્યારે ..” ને હાથ જોડીને તેઓ પણ મનાની આંગળી પકડીને ઘર ભણી પગ ઉપડ્યા.

ગામના ચોકમાં એક ટ્રક આવીને ઊભો છે ને બધા ધીરે ધીરે એકત્ર થતા જાય છે. ગામ લોકો નાનજીભાઈના ઘરનો સમાન ચડાવે છે. યાદ કરી કરી ને એકેક ચીજ લેવાતી જાય છે. દલો, અશોક, તનુ વિગેરે જમા થઇ ગયા છે. આજ પોતાનો યાર જવાનો છે – દરેક ના ચેહરા દયામણા થઇ ગયા છે. લાચાર નજરે ટ્રકમાં ભરાતો સમાન જોઈ રહ્યા છે. તેમની નજર મનાને ખોળી રહી રહી છે પણ તે દેખાતો નથી. ક્યાંથી દેખાય? સવાર પડે કે રઘો એને ઘરે આવી જાય તેને બદલે આજતો હજી ન દેખાયો એટલે મનો એના ઘરે ગયો તો રઘો ઘરમાં ઓશિયાળો થઇ ને બેઠો હતો.

“રઘા, કેમ હજી આવ્યો નહીં, કલાક પછી તો અમે નીકળી જઈશું.”

“મના તું ના જા તો અહી રોકી જા.”

“અહી… ?”

“હા, વળી મારું ઘર છે ને આપણે સાથે રહીશું.”

“ના મારા બાપુજીને તું ઓળખે છે, ને તને ખબર છે રોજ રાત પડે ને મને શહેરના સપના આવે છે.”

“તું મારી વાત નહીં માન ?” એકદમ ઓશિયાળા થઈને રઘુએ પૂછ્યું.

“રઘા હું શું કરું ?” મનો પણ ભાવવાહી બની ગયો

“મના તને ખબર છે આપણે ભમરડા દાવ રમતા ને હું બધાના ભમરડા તોડી નાખતો ?”

“હા , યાદ છે …તો ?”

“હું તને એ ભમરડો આપી દઈશ જો તું રોકાય તો…” રઘા એ ભમરડાની લાલચ આપી જોઈ.

“ના મારે નથી જોઈતો.. મને ન રોક રઘા.”

“અને મારી પાસે જેટલી લખોટી છે એ બધી તને આપી દઈશ પણ માની જા મના…. મને તારી વગર રમવાનું નહીં ગોઠે.” ને રઘો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો.

“મના ઘરે હાલ, બા તારા પર ખીજયા છે.” એને મોટા ભાઈએ સાદ કર્યો.

“રઘા હું તને કદી નહિ ભૂલું….” ને રડમસ થઇ તે પણ પોતાના ઘરે દોડી ગયો.

સમાન બધો રખાઈ ગયો. આખું ગામ નાનજીભાઈને વિદાય આપવા ભેગું થયું છે. મિત્રોએ હાથ મિલાવ્યા ને વડીલોને હાથ જોડી ને બધા ટ્રકમાં ગોઠવાઈ ગયા. મનો અને તેના ભાઈ પાછળ ઉભા છે, સજળ નેત્રે સૌએ વિદાય આપી. મનો બધા મિત્રોને હાથ હલાવી આવજો કરે છે ને બધા વચ્ચેથી ટ્રક ગામ બહાર નીકળી ગઈ. જેવી ટ્રક પાદરથી નીકળી કે એક ઝાડ નીચે આંસુ સારતો રઘા ને મનાએ જોયો કે તે આનંદ માં આવી ગયો

“આવજે…… રઘા …..”

પણ રઘો તો ટ્રક પાછળ દોડીને મનાને હાથ હલાવતો જાય છે, આંસુઓની ધાર રસ્તો પલાળતી જાય છે. ટ્રક દેખાતો બંધ થયો કે રઘો ઢગલો થઈને ફસકી પડ્યો ને રસ્તા પર જતી ટ્રકની ધૂળ તેની આંખો સામે છવાઈ ગઈ.

– રીતેશ મોકાસણા (આભાર: અક્ષરનાદ)

Leave a Reply

error: Content is protected !!