સમાજ હીત અને દેશભક્તિ માટે ૧૪ વરસની ઉમરે સાદગીભર્યું જીવન અપનાવ્યું

આઝાદી પહેલાના સમયની આ વાત છે. મુંબઇ જેવા મહાનગરમાં રહેતી અને ખુબ લાડકોડમાં ઉછરેલી ચારભાઇઓની એક લાડકી બહેન મહાનગરના આધુનિક રંગે રંગાયેલી હતી. જો મેચીંગ કપડા ન હોય તો પહેરવા ગમે જ નહી આવી તો એ છોકરીની જીવનશૈલી હતી. દર જન્મદિવસ ખુબ ધામધૂમથી ઉજવવાનો અને આ જન્મદિવસની ઉજવણીમાં ગુજરાતમાં રહેતા મામાએ ફરજીયાત પણે આવવાનું જ એવો ભાણીબેનનો આગ્રહ રહેતો.

આ છોકરીના 14માં જન્મદિવસની ઉજવણી વખતે મામા હાજર રહી શક્યા નહી એટલે ભાણીબેનને ખુબ દુ:ખ લાગ્યુ અને એણે મામાને એક પત્ર લખ્યો. મામાએ ભાણીબેનના આ પત્રના જવાબમાં સામે 20 પાનાનો પત્ર લખ્યો જેમાં પોતે જન્મદિવસની ઉજવણીમાં કેમ નથી આવી શક્યા એની વિગતે વાત લખી. અમરેલી જીલ્લાના જાળીયા ગામના વતની બાલુભાઇ ભટ્ટે ભાણીબેનને લખેલા આ 20 પાનાના પત્રમાં દેશની આઝાદી માટે ચાલી રહેલા મહાયજ્ઞની વાતો લખી હતી. આઝાદીની લડતના આ લડવૈયાને સરકારે જેલમાં પુરી દીધા હતા આથી એ મુંબઇ જઇ શક્યા નહોતા એની વાતો લખી હતી. આ ઉપરાંત આ સમય ફેશનેબલ કપડા પહેરીને મોજમઝા કરવાનો નહી પરંતુ સાદગીપૂર્ણ જીવન દ્વારા દેશભક્તિ અદા કરવાનો સમય છે એવી ટકોર પણ કરી.

ભાણીબેનને મામાની આ વાતો એવી તો અસર કરી ગઇ કે એમણે તત્કાળ સાદગીપૂર્ણ જીવન જીવવાનો નિર્ણય કર્યો. પરિવારના બાકીના સભ્યોને લાગ્યુ કે પત્ર વાંચીને છોકરી ભાવુક બની ગઇ છે. એની ભાવનાઓનો ઉભરો થોડા દિવસમાં સમી જશે. છોકરી માટે એની ઇચ્છા મુજબના ખાદીના કપડા લાવવામાં આવ્યા. છોકરીએ ઠાઠમાઠવાળી જીવનશૈલી છોડીને સાદગીપૂર્ણ જીવનની શરુઆત કરી. 14 વર્ષની આ છોકરીની ઉંમર અત્યારે 87 વર્ષની છે અને હમણા થોડા દિવસ પહેલા જ એમણે આ દુનિયામાંથી વિદાય લીધી.

આ મહાનારીનું નામ છે હસુમતીબેન ગુણવંતરાય પુરોહિત.

હસુમતિબેને પણ ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશ્યલ સાયન્સમાંથી એમ.એસ.ડબલ્યુનો અભ્યાસ કર્યો અને મુંબઇમાં જ વેલ્ફેર ઓફીસર તરીકે નોકરીમાં જોડાઇ ગયા. દિલ્હીમાં વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘના ચીફ સેક્રેટરી અને ખજાનચી તરીકે સેવા આપી ચૂકેલા સ્વાતંત્ર્યસેનાની ગુણવંતભાઇ પુરોહિત સાથે એમના લગ્ન થયા. લગ્નબાદ આ દંપતિ ગ્રામ્ય વિસ્તારના બાળકોની શિક્ષણ સેવા કરવા માટે ગુજરાતમાં આવ્યા. મુંબઇમાં મોટા થયેલા હસુમતિબેન અમરેલી જિલ્લાના નાના એવા બાબાપુર ગામના સર્વોદય આશ્રમમાં સેવામાં જોડાઇ ગયા. આશ્રમનો પૈસો અંગત કામ માટે ના વપરાય એટલે એમણે લગ્ન બાદ બીએડ કરીને શિક્ષક તરીકેની નોકરી ચાલુ કરી.

અત્યાર સુધીમાં 17000થી વધુ વિદ્યાર્થીઓ આ આશ્રમમાં રહીને ભણી ચૂક્યા છે. આશ્રમમાંથી ક્યારેય નૈયો પૈસો પોતાના માટે વાપર્યો નથી. ઉલટાનું આશ્રમને આર્થિક મુશ્કેલી પડી ત્યારે એમના ઘરેણા અને પિતાએ ભેટમાં આપેલ જમીનના પ્લોટસ વેંચીને બધી જ રકમ એમણે આશ્રમને આપી દીધી.

14 વર્ષની ઉંમરે એણે સાદગીપૂર્ણ જીવન સ્વિકાર્યુ તે એણે અંતિમ શ્વાસ સુધી નિભાવ્યુ. હસુમતિબેનના એકના એક દિકરાના લગ્ન હતા ત્યારે પરિવારના બીજા સભ્યોએ એમને ઘણા સમજાવ્યા કે તમારા દિકરાના લગ્ન છે એક દિવસ માટે તો ઘરેણા પહેરો. હસુમતિબેને વિનમ્રતાપૂર્વક ઇન્કાર કરીને કહી દીધેલુ કે દેશની કેટલીય બહેનોને પહેરવા માટે પુરતા કપડા પણ નથી તો હું ઘરેણા કેવી રીતે પહેરી શકુ ?

સેવાની સાક્ષાત મૂર્તિ સમાન આ મહાનારી આજે દુનિયામાં નથી પરંતું એની સેવાની સુવાસ દેશવિદેશમાં વસતા એના હજારો વિદ્યાર્થીઓ આજે પણ અનુભવી રહ્યા છે.

– શૈલેશ સગપરીયા

Leave a Reply

error: Content is protected !!