ગુર્જરસમ્રાટ શિલાદિત્ય – ૭મો જ્યાં બિરાજતો એ વલ્લભીપુર નો ધ્વંશ અને ઈતિહાસ વાંચવા જેવો છે

આજે એ નગરની ભવ્યતાની કલ્પના માત્ર જ કરી શકાય.હજારો ગગનચુંબી પ્રાસાદો જાણે એકબીજાની પ્રતિસ્પર્ધા કરતા હોય એમ ગગનને ચુંબન છોડવા ઊભા હશે.ઘેલો નદીના નીર એ વખતે તો ખબર નહિ કેવીય મોહકતા ધરાવતા હશે.એ નગરીની ભવ્યતા ખરેખર અદ્ભુત હશે એ કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી.તેના ભવ્ય શિવાલયોમાં અહર્નિશ “વિલ્લોલ વિચી વલ્લરી….”ના જાપ ચાલતાં હશે અને વળી એવા શાંત,નયનરમ્ય શોભતા હશે બૌધ્ધ મઠો.

ભાવનગરના વળાથી એકાદ માઇલ ઉત્તરે પીલુડીના જંગલોનાં વહેતી ઘેલો જ્યારે ચોમાસામાં ગાંડીતુર બને ત્યારે જો કોઇ ઇતિહાસના વિશ્વમાં ડોકિયું કરનારો એના કિનારાને ફંફોસે તો એ પુરાણી-ભગ્ન મૂર્તિઓ,ભગવાન શંકરના ભગ્ન બાણોના કકડા હજીયે એના જોવામાં આવશે અને એ પરથી એ દોઢેક હજાર વર્ષ પહેલાંન નગરીની ભવ્યતાનો અછડતો ખ્યાલ આવશે.

આ નગરી એટલે – વલ્લભીપુર.ગુજરાતનો પ્રમાણભુત ઇતિહાસ જ્યાંથી મળવો શરૂ થાય છે એ સંદર્ભે ગુજરાતની પ્રાચીનત્તમ રાજધાની.ભટ્ટાર્ક નામનો ગુપ્તરાજાઓનો સેનાપતિ,ગુજરાતનો સુબો ભટ્ટાર્ક તેનો સ્થાપક હતો.આ નગરીની સ્થાપના સાથે તેણે ગુજરાત પર ત્રણસો વર્ષ સુધી રાજ કરનાર મૈત્રકવંશનો પણ પાયો નાખ્યો હતો.એ જ વલ્લભીની ગાદી પર પછી સત્તર મૈત્રક રાજાઓ થયાં.જેમાના છેલ્લા સાત પોતાને શિલાદિત્ય તરીકે ઓળખાવતા.આ સમયમાં નગરીની જાહોજહાલી ઉત્તરોત્તર વધી હતી.શિવના ઉપાસક એવા પરમમાહેશ્વર મૈત્રકોએ વિશાળ શિવાલયો બાંધી શિવની આરાધના કરી હતી,એ સાથે બૌધ્ધધર્મને પણ આશરો આપ્યો હતો.એ નગરીનાં અગણિત ધનિકો રહેતાં અને એના આભને આંબતા મહેલોના પ્રતિબિંબો ઘેલોમાં પડતાં ત્યારે રચાતું ચિત્ર સહેજે નયનરમ્ય હતું.આવી અનોખી જાહોજહાલી ધરાવતી નગરીના ભાગ્યે વિધિએ એવો જ કરૂણ અંજામ પણ લખ્યો હતો….!

જ્યારે વલ્લભી પર ગુર્જરસમ્રાટ શિલાદિત્ય – ૭મો બિરાજતો હતો ત્યારે મારવાડના પાલી નામના એક નાનકડા શહેરમાં એક વાણિયાના બે દિકરાઓ રહેતાં હતાં.મોટાનું નામ કાકુ અને નાનાનું નામ પાતાલ.કાકુના ઘરમાં દારૂણ ગરીબી આંટો લઇ ગઇ હતી,જ્યારે પાતાલ પોતાના ધંધામાં સારી જમાવટથી શ્રીમંત હતો.આથી કાકુ પાતાલના ઘરે કામ કરતો.વળતર પેટે તેને બે ટંકનું ખાવાનું અને મહેનતાણું મળી રહેતું.

એક વખત કાકુએ કામમાં કાંઇક ગફલત કરી.પાતાલે એને ઠપકો આપ્યો.આથી કાકુનું મન દુભાયુ.પોતાના ઘર પરીવારને લઇ તે નીકળી પડ્યો.ફરતાં-ફરતાં વલ્લભી આવ્યો અને નગરદરવાજાની બહાર ભરવાડોના નેસ હતાં તેની બાજુમાં ઝુંપડી બાંધીને રહેવા લાગ્યો.તેની પરીસ્થિતી અત્યંત કંગાળ હોવાથી લોકો એને ‘કાકુ રંક’ તરીકે બોલાવતા.પણ….આ રંકનું ભાગ્ય હવે પલટવાનું હતું.

એવું કહેવાય છે કે ગિરનારથી આવતા એક સાધુએ કાકુને કોઇક કારણોસર સિધ્ધરસની તુંબડી આપી.સિધ્ધરસ એટલે લોઢાને સોનું બનાવી દેતું પ્રવાહી.અને પછી કાકુનું ભાગ્ય ફરી ગયું.રાતોરાતને કરોડપતિ બની ગયો.એણે પોતાની ઝુંપડી સળગાવી દીધી અને નગરમાં વિશાળ ભવન બનાવી રહેવા લાગ્યો.

પણ કાકુમાં ખાનદાનીનો અભાવ હતો.તેણે ગરીબોને લુંટવા માંડ્યાં.શાહુકારીના ધંધામાં તેણે ઘણાંય રાંક લોકોના ખોરડાં વેંચાવ્યાં.આમેય બેઇમાન પૈસો આવે ત્યારે ભેગો પાપની ગાંસડી પણ બાંધતો જ આવે છે.કાકુ પણ એમાંથી બાકાત ના રહ્યો.

વાત આગળ વધે છે.કાકુને એક દિકરી હતી.તેને તે અતિશય ચાહતો.કાકુએ તેને વાળ ઓળવા સોનાની કાંસકી લઇ આપેલી.એક વખત એ છોકરી એ કાંસકી વળે વાળ ઓળતી હશે ત્યારે વલ્લભીરાજ શિલાદિત્ય-૭માંની પુત્રીએ તેને જોઇ.રાજકુમારીને કાંસકી ગમી ગઇ.તેણે જઇને શિલાદિત્ય પાસે એ કાંસકીની જીદ પકડી.શિલાદિત્ય ગયો કાકુ પાસે અને તેને એ કાંસકી આપવા જણાવ્યું.કાકુએ ચોખ્ખી ના પાડી.આથી શિલાદિત્ય ગુસ્સે ભરાયો અને તેણે બળજબરીથી કાંસકી ઝુંટવી લીધી.કાકુના ક્રોધનો પાર ન રહ્યો.તેણે પ્રતિજ્ઞા લીધી કે – વલ્લભીપુરને એક દિવસ ભંગારવાડો ના બનાવું તો હું કાકુ વાણિયો નહિ.

કાકુ પ્રતિશોધની ભાવનામાં આંધળો બન્યો.અને સિંધના મ્લેચ્છ રાજા પાસે ગયો.જઇને વલ્લભીપુરની સમૃધ્ધિની વાતો કરી.મ્લેચ્છ રાજાના મોંમા આવી સમૃધ્ધિની વાતો સાંભળી પાણી આવ્યું.હજારોની સેના લઇ તેણે વલ્લભી પર ચડાઇ કરવા કુચ આદરી.

દદુંભિ ગગડ્યાં.નોબતે દાંડીના ઘાવ પડ્યાં.વલ્લભી અને સિંધની ફોજો આથડી.ઘમાસાણ યુધ્ધ થયું.પણ સિંધની દરિયા જેવડી સેના સામે શિલાદિત્યની ફોજનું શું ગજું ? શિલાદિત્ય મરાયો.અને જોતજોતામાં ભુખ્યા દીપડાઓની ક્રુરતાથી મ્લેચ્છ ફોજે વલ્લભીપુરને પીંખી નાખ્યું.શિવાલયોને ધમરોળી નાખ્યાં,બૌધ્ધ મઠોને નષ્ટ કર્યા,હવેલીઓમાં આગ ચાંપી.એક સમયનું દુનિયાભરમાં ગાજતું વલ્લભીપુર સળગતું ખંડેર બન્યું,જાણે લવકારા નાખી ખાવા ધાતું હોય એમ !

કાકુને આના બદલાનાં શું મળ્યું ? આશા તો ઘણી હતી એને કે હવે વલ્લભીપુરની ગાદી મારી જ છે પણ મ્લેચ્છોએ એને મૃત્યુદંડ આપ્યો ! એવા વિશ્વાસઘાતી માટે મોટામાં મોટી ભેટ બીજી હોય પણ કઇ ?આખરે તો કોઇનું કાંઇ સધર્યું નહિ,ખાટી ગયાં મ્લેચ્છો.

આજે વલ્લભીના કોઇક અગમ દેખાતાં ખંડેરો જોતાં ફરી એ વલ્લભી યાદ આવે – સમૃધ્ધિની સેજમાં આળોટતું….અને તરત જ બીજું ચિત્ર દેખાય – આગની જ્વાળાઓમાં લપેટાતા વલ્લીભીપુરના કરૂણ ચિત્કારનું.

– Kaushal Barad

Leave a Reply

error: Content is protected !!