એક બાપની દીકરીને દરેક મુશ્કેલીનો સામનો કરવાની સોનેરી શિખામણ
એક દિવસ કૉલેજના પહેલા વર્ષમાં ભણતી દીકરી પોતાના પિતા પાસે ગઈ.
કૉલેજના નવા વાતાવરણમાં તેને મુશ્કેલી પડી રહી હતી. આગળ ભવિષ્યમાં કરીઅર બનાવવાની ચિંતા હતી. તેને જીવન ખૂબ જ અઘરું લાગી રહ્યું હતું.
એક દિવસ બપોરે તે પોતાના રૂમમાં રડી રહી હતી. થોડી વાર રહી તેના પિતા તેને બોલાવવા આવ્યા. દીકરીને રડતી જોઈ પિતાએ કારણ પૂછ્યું. દીકરીએ કહ્યું, ‘પપ્પા, મને કૉલેજમાં ફાવતું નથી. વાતાવરણ નવું છે. ભણવાનું અઘરું લાગે છે. શું કરું?’
આટલું બોલી તે ખૂબ રડવા લાગી.
પિતાએ દીકરીને શાંત કરી, પાણી પાયું. પછી પિતા, જે પોતે પ્રોફેશનલ શેફ હતા તેઓ પુત્રીને રસોડામાં લઈ ગયા. ત્રણ તપેલામાં પાણી ભરી ગરમ કરવા મૂક્યું. એક તપેલામાં બટેટું, બીજા તપેલામાં ઈંડું, ત્રીજા તપેલામાં કૉફી બીન્સ ઉકાળવા, ગરમ કરવા મૂક્યાં.
દીકરી કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના પિતા જે કરી રહ્યા હતા એ જોઈ રહી. ૧૫-૨૦ મિનિટ પછી પિતાએ ગૅસ બંધ કર્યો. પછી બટેટાને કાઢી એક વાટકીમાં મૂક્યું. બીજી વાટકીમાં ઈંડું અને ત્રીજી વાટકીમાં કૉફી બીન્સવાળું પાણી મૂક્યું.
પછી ત્રણ વાટકી દીકરીને બતાવી કહ્યું, ‘દીકરા, જો તને આજે બટાટા, ઈંડાં, કૉફી બીન્સની કહાણી કહું છું. જો દીકરા, આ ત્રણે વસ્તુને હાથ લગાડીને નજીકથી જો.’ દીકરીએ બટાટાને જાયું. એ ઊકળીને બફાઈ ગયું હતું. ઈંડું ગરમ થઈને કડક થઈ ગયું હતું અને કૉફી બીન્સ પાણીમાં ઓગળી ગયાં હતાં અને પાણીમાંથી સુગંધ આવી રહી હતી.
દીકરીએ આ બધું જોયા બાદ પિતા તરફ જોયું. પિતાએ કહ્યું, ‘દીકરા, આ ત્રણ વસ્તુ જુદી-જુદી છે. ત્રણેએ એકસરખી મુશ્કેલી સહન કરી ત્યારે બધાની પતિક્રિયા અલગ-અલગ રહી. બટેટું મુલાયમ થયું, ઈંડું કડક થયું અને કૉફી બીન્સે સુગંધ ફેલાવી. હવે જીવનમાં જ્યારે વિપરીત પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે તારે નક્કી કરવાનું છે કે મુશ્કેલી આવે ત્યારે શું કરવું અને શું બનવું… મુશ્કેલીની અસરથી ઢીલા પડવું, કડક બની તૂÊટવું કે પછી બીન્સની જેમ ઓગળી જઈ, ભળી જઈ સુગંધ ફેલાવવી.
– લાઇફ કા ફન્ડા – હેતા ભૂષણ