Mojemoj.com

Best Gujarati Blog

વાંચવા જેવું – ડુપ્લિકેટ ચહેરાઓ પાછળ નું અદ્ભુત વિજ્ઞાન

સોશિયલ મીડિયા પર સોશિયલ મીડિયા જેવા દેખાતા લોકોના ફોટોગ્રાફ્સ અવારનવાર વાઇરલ થયા કરતા હોય છે. ઓરીજીનલ અને ડુપ્લીકેટ બંને ફોટોગ્રાફમાં દેખાતા વ્યક્તિઓ પહેલી નજરે જ નહીં, પરંતુ ધ્યાનથી જુઓ તો પણ એવા જ દેખાય છે. થોડા સમય પહેલા હોલીવૂડ એક્ટર જોની ડેપ જેવો દેખાતો એક શ્રમજીવી વ્યક્તિનો ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

એકબીજાના ડુપ્લિકેટની બોલબાલા વિદેશો કરતાં ભારતમાં વધારે છે. સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોનીથી લઈને વિરાટ કોહલી કે સ્વ. એ. પી. જે. અબ્દુલ કલામ જેવા દેખાતા લોકો પણ આપણે ત્યાં નાનકડું સેલિબ્રિટી સ્ટેટસ ભોગવે છે. સરખે સરખા દેખાતા લોકોના વિજ્ઞાનમાં સૌથી મોટો સવાલ એ છે કે આવું કેમ થાય છે?

અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના ન્યૂરોબાયોલોજી અને બિહેવિયર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર માઇકલ શિહાન કહે છે કે વિજ્ઞાનને એટલી તો ખબર છે કે વ્યક્તિનો ચહેરો નક્કી કરવામાં કેટલાક ચોક્કસ સંખ્યાના જિનેટિક્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ હજી સુધી એ વાત ચોક્કસપણે જાણી શકાઈ નથી કે કુલ કેટલા પ્રકારના જીન્સ ચહેરાનો આકાર અને પ્રકાર નક્કી કરવામાં ભૂમિકા ભજવી જાય છે. આ ક્ષેત્રે વિજ્ઞાન સંશોધન કરી રહ્યું છે.

વૈજ્ઞાનિકોના વિવિધ રીસર્ચ મુજબ ચહેરો, આંખો, વાળ અને ચામડીના રંગ તથા આકાર-પ્રકાર નક્કી કરનારા જિનેટિક્સની આપણી પાસે સંપૂર્ણ ઓળખ છે, પરંતુ તેમાંના કયા જિન્સ કેવી અને કેટલા પ્રમાણમાં ભૂમિકા ભજવશે તેની આગાહી થઈ શકતી નથી. તૈયાર થયેલા ચહેરાના એનાલિસિસમાં આપણને એ ખબર પડી શકે કે આવું કેમ થયું? કુદરતની આ જટીલ પ્રક્રિયાને સમજવા માટે હજી આપણે બહુ અભ્યાસ કરવાનો બાકી છે. તેઓ વધુમાં જણાવે છે કે ઉત્ક્રાંતિએ માનવજાતને એટલી બધી વિવિધતાઓ આપી છે કે, આજે જો ચહેરા અને શરીરના આકાર પ્રકારની વિવિધતા માટે જવાબદાર જિન્સની ઓળખ કરવા જઈએ તો તેની સંખ્યા પણ લાખોમાં પહોંચી જાય છે. તેમ છતાં બે ચહેરા વચ્ચેની સામ્યતાઓ એક કુટુંબમાં સૌથી વધુ જોવા મળે છે. કારણ કે ચહેરાના આકાર-પ્રકાર નક્કી કરનારા જિનેટિક્સની સામ્યતાઓ એક જ કુટુંબમાં જન્મ લેતા બાળકો વચ્ચે વધારે હોય છે. એ ઉપરાંત એક જ પ્રકારની એથનિસિટીના સમાજમાં પણ સરખા ચહેરાઓ શોધવા આસાન બને છે.

વિજ્ઞાનીઓનું માનવું છે કે ભારતમાં ૧.૨ અબજ લોકોમાં પણ એક સરખા ચહેરાઓ મળી આવવા સામાન્ય બાબત છે તો ચીનમાં ૧.૩ અબજ હાલ એથનિસિટીના લોકો વચ્ચે સામ્યતાઓ શોધવી સહેલી છે. ભલે ૧૦૦ ટકા સરખા ન મળી આવતાં હોય, પરંતુ તેમની જિનેટિક સામ્યતાઓ મળતી આવે છે. ગ્લોબલાઇઝેશનના જમાનામાં લોકોનું એક દેશમાંથી બીજા દેશમાં અને એક ખંડમાંથી બીજા ખંડમાં સ્થળાંતર પણ મોટાપાયે થયું છે. ત્યારે એક એથનિસિટીના લોકોનો બીજી એથનિસિટીના લોકો સાથેનો વ્યવહાર વધ્યો છે.

અલગ અલગ એથનિસિટીના લોકો એકબીજા સાથે લગ્ન સંબંધે જોડાઈ રહ્યા છે અને તેમના સંતાનો બંને અલગ અલગ એથનિસિટીની જિનેટિક ખાસિયતો લઈને જન્મી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિમાં ચહેરો નક્કી કરનારા જિનેટિક્સની સંખ્યા આગામી ૫૦થી ૧૦૦ વર્ષોમાં લાખોને પાર કરી કરોડોમાં પહોંચી જાય તો નવાઈ નહીં, કારણ કે ઉત્ક્રાંતિ તો કુદકે ને ભૂસકે આગળ વધી રહી છે.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!