વાળંદના વાંકાં હોય તો કોથળીમાંથીય કરડે – કહેવત કથા અને સાથે ભાભાની મોજ
ગામડું ગામ.એમાં સીત્તેર વર્ષના એક ભાભા રહે.પણ ભાભાને અફિણનું જબરૂ બંધાણ હો ! અફિણ વીના ઘડીયે નો હાલે.
બન્યું એવું કે એક વખત ભાભાને દસ-બાર દિ’થી અફિણ નો મળ્યું ! ભાભા ચકળવકળ થવા માંડ્યાં.વગડામાં આંટા મારવા લાગ્યાં.ભાભાને ક્યાંય ચેન નો’તું.અફિણ….અફિણ…..એવું સતત રટણ ચાલતું’તું.ભાભાને જીવવું ખારૂ ઝેર થઇ ગ્યું.એમાં વગડામાં એક કાળોતરો નાગ ધીમે ધીમે રાંઢવાની જેમ હાલ્યો જાતો’તો.ભાભાએ એને જોયો અને વિચાર કીધો કે – ” આ કાળેતરો કરડાવીને મરી જાવું.અફિણ વગર નઇ જીવાય.”
ભાભાએ હડપ દેતાકને સરપને મોઢેથી પકડ્યો.અને પોતાના હાથના કાંડા પાસે લઇ ગ્યાં.પોતાની મોજમાં ભંગ પડવનાર સામે સર્પ ખારો ઝેર થઇ ગ્યો ને એણે ખસ….દેતાકને પોતાના દાંત ભાભાના કાંડામાં ખોંસી દીધાં.
પણ ભાભાને કાંઇ અસર ન થઇ હો ! એ તો ઉલટાના મોજમાં આવી ગ્યાં ને દુહા મંડ્યા ઠપકારવા…… ” આણંદ કે’ પરમાણંદા માણહે માણહે ફેર… ” ભાભાના આખા શરીરમાં અફિણ હતું.અને અફિણ પીનારને ઝેર નો ચડે.અફિણ ખુદ જ ઝેરને ટપે એવું છે ! ભાભા મંડ્યા દુહા ને છંદોની રમઝમાટી બોલાવવાં ને આ બાજુ અફિણના ઝેરથી સર્પ મરી ગ્યો ! પણ મરતાં મરતાં એટલું કે’તો ગ્યો કે – ” હવે માણસજાતનો ભરોહો નથી હો ! ” આ ઘટના પછી તો ભાભાને ઉકેલ મળી ગ્યો.એણે વગડામાં રખડી-રખડીને એક રાફડામાંથી અસલ કાળોતરો કોબ્રા પકડ્યો હો ! જેને જોતાં કુણા કાળજાવાળાં તો બી’ને મરી જાય એવો નાગ હો ! ભાભાએ નાગને કોથળીમાં પુર્યો.કોથળી ભેગીને ભેગી રાખે.જરાક ઢીલાં પડે એટલે કોથળીમાં હાથ નાખે ને અંદર કેદી થયેલો કાળોતરો જહડીને દાંત ખુંચાડે.ડંખ લાગે એટલે ભાભા ઠીકાઠીક મોજમાં આવી જાય.ને દુહા મંડે બોલવા –
હે અફિણનો નશો તો હવે મને લાગે ગંધારો,
હવે મને હરપ કરડાવ….
તો મારો સફળ થાય જન્મારો !
વળી પાછાં ઢીલા પડે એટલે કોથળીમાં હાથ નાખે ને મોજમાં આવી જાય.પછી તો ભાભાનો ઉઠીને આજ ધંધો.એક દિવસ વિચાર આવ્યો કે – ” આ હરપ મારુ બવ મોટું કામ કરી દે છે ને ઇ પણ પાછું વગર પૈસે.બચારો કેટલાં દી’થી ભુઇખો હશે.મારે ઇના પેટ ભરવાનો બંધોબસ્ત કરવો જોઇએ.બાકી મરી જાહે,બચારો ! ”
પછી તો ભાભા વગડામાં ફરતા ને ઉંદરડા કે દેડકાં મળે એટલે પકડીને કોથળીમાં નાખતા ને સરપ ખાતો.આમ બેય જણાનું ગાડું બરોબર દોડવા લાગ્યું હો !
એએમાં એક વખતની વાત છે.ભાભા એક ડોસા અવસાન થયાં એના બેસણામાં ગ્યાં.ચોરે બરાબરનો ડાયરો જામેલો.ભાભા પણ ડાયરામાં બેઠા.અને જરાક ઢીલાં પડે એટલે કોથળીમાં હાથ નાખે ને કાળોતરો ડંખ મારે એટલે મોજમાં આવે અને દુહાનો ગહેકાટ કરે.વળી પાછાં ઢીલા પડે એટલે કોથળીમાં હાથ નાખે વળી મોજમાં આવે.
આબધું ડાયરામાં ચા પાનાર વાળંદ જોતો’તો.એને થયું કે,આ ભાભા જરાક ઢીલાં પડે અટલે કોથળીમાં હાથ નાખે ને મોજમાં આવે છે એટલે કોથળીમાં કાંઇક જબરી વસ્તુ હોવી જોઇએ.હું પણ આવો અખતરો કરુ તો ચા બનાવવામાં આળસ નો આવે.
આઆવો વિચાર કરીને વાળંદ છાનોમાનો ભાભા પાસે ગ્યો ને ભાભાનું ધ્યાન બીજે હતું એવામાં છાનોમાનો પાછળથી કોથળીમાં હાથ નાખ્યો.અંદરથી ખીજવાયેલિ નાગે કાળજાળ ડંખ દીધો.વાળંદ અફીણનો બંધાણી નો’તો.એનું શરીર નાગનું ઝેર થોડું જીરવી શકે ! ત્યાંને ત્યાં એક જ ઘડીએ વાળંદનું ઢીમ ઢળી ગ્યું.
જ્ઞ જ્ઞ તે દિ’ની કહેવત હાલી આવે છે કે – ” વાળંદના વાંકાં હોય તો કોથળીમાંથીય કરડે.”
– Kaushal Barad