પ્રેમીઓની એક જ મૂંઝવણ છે, પોતાના પ્રેમને વ્યક્ત કેવી રીતે કરવો – ઓફબીટ અંકિત ત્રિવેદી
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ – મરીઝ
તમારા ક્યારામાં કે કુંડામાં ઉગેલા છોડ ઉપર તમારો એ ન ઉગે ત્યાં સુધીનો જ અધિકાર છે. ઉગી જાય પછી તો એ છોડ ફૂલ આપવા, સુગંધ આપવા પોતાની જાતને ફેલાવવા સ્વતંત્ર છે.
વરરાજાની જેમ સજીધજીને માથે પાઘડી પહેરવાનો દિવસ જીવનમાં એક જ વાર આવે. જોકે, પછી ઘણા ઓવરટાઇમનું બહાનું કાઢીને લગ્નની નવી નોકરી શોધી લેતા હોય છે. એમને માટે આવો અવસર બે-ત્રણ વખત આવતો હોય છે ! પરંતુ એ તો સમાધાન છે. પ્રેમ નથી.
પ્રેમ તો એક જ વાર થાય. પ્રેમમાં હૈયું ધબકતું હોય છતાંય મીરાંની જેમ કટારી વાગે છે અને ધબકારાનો એકતારો જાગે છે. પ્રેમમાં શરીર છે પરંતુ શરીર જ પ્રેમ છે એ કહેવું અસ્થાને છે કારણ કે અગરબત્તીમાં જ સુગંધ હોત તો પછી એ પ્રગટીને હવામાં ફેલાવે છે તે શું છે ? પ્રેમ માણસને પોતે જે છે એનાથી સભાન કરે છે. એ રોજ દરરોજ માણસને નવો બનાવવાની શરૃઆત કરે છે.
પ્રેમીઓની એક જ મૂંઝવણ છે, પોતાના પ્રેમને વ્યક્ત કેવી રીતે કરવો. પોતાના પ્રેમને સાબીત કેવી રીતે કરવો. સીધી અને સરળ વાતને પ્રેમીઓ ઘુંચવીને કહેવામાં મશગુલ રહે છે એટલે જ પ્રેમપત્રો આવ્યા, પ્રેમ કાવ્યો આવ્યા. આ જગતમાં ઘણા લોકો એવું માને છે કે પ્રેમમાં નિષ્ફળ જઇએ પછી જ કવિ થવાય. તો પછી, જગતમાં જીવનારો લગભગ પ્રત્યેક માણસ કવિ ન બન્યો હોત, કવિતા ન લખતો હોત. વિરહ કવિતાને મળે છે, કવિને ફળે છે એ સાચ્ચું પણ, પ્રેમમાં તો એ મિલનમાં જ ઓગળે છે.
પ્રેમ સીધો સાદો ચોખ્ખો-ચટ્ટ કપાળ જેવો છે જેની ઉપર દરેક સંપ્રદાય પોતાના ટીલાટપકા કરીને એને વાજબી ઠહેરાવે છે. પ્રેમ સદીઓથી અને સનાતન છે, શાશ્વત છે. એટલે જ તો રાધા-કૃષ્ણને જોવા ગમે છે. મંદિરમાં કારણ કે પ્રેમ મૂર્તિમંત છે. પ્રેમને ખપે છે શરીર પરંતુ શરીરમાં પ્રેમ ઉમેરાય છે ત્યારે શરીર મંદિર બની જાય છે. પ્રેમ સ્પર્શથી બોલે છે અને વાણીથી અટકે છે. તમે ગમતી વ્યક્તિને બથ ભરો છો ત્યારે કાનુડાના મુખમાં દેખાયેલા બ્રહ્માંડને ભેટો છો !
દરેકને એક જ ડંખ સતાવે છે. હું જેને પ્રેમ કરૃ છું એ મને પ્રેમ કરે છે કે નહીં, અથવા તો એ વ્યક્તિ મને છોડીને બીજા કોઇને પ્રેમ કરશે તો. આવા સવાલો જ્યારે ઉદભવે ત્યારે સમજવું કે એ વ્હેમ હતો, પ્રેમ હતો જ નહીં. તમારા ક્યારામાં કે કુંડામાં ઉગેલા છોડ ઉપર તમારો એ ન ઉગે ત્યાં સુધીનો જ અધિકાર છે. ઉગી જાય પછી તો એ છોડ ફૂલ આપવા, સુગંધ આપવા પોતાની જાતને ફેલાવવા સ્વતંત્ર છે. હા, એ ખરૃં કે એ આપણા કુંડા કે ક્યારામાં આપણા માલિકી ભાવને એ છોડ સ્વતંત્રપણે જીવે છે.
પરંતુ વગડામાં ઉગેલા વૃક્ષ કે ફુલોને જોઈને આવું ધારી શકાય ખરૃં ? એટલે જ તો મહિનાઓમાં આંતરે દિવસે હિલ-સ્ટેશન પર જઇને આપણે મોકળાશનો અનુભવ કરીએ છીએ. પ્રેમનું પણ આવું જ છે, એના ૭-૧૨ના ઉતારા ન હોય ! એને સિદ્ધ કરવાના આસનો ન હોય, એની એપ્લીકેશન ડાઉનલોડ કરીને શીખી નથી શકાતો ! એમાં કોઇ ગુરૃ નથી. એની કોઇ ડીવાઇસ નથી. એમાં કોઇ એડવાઇસ નથી. એ તો, બેમાંથી ચાર થયેલી આંખોના માંડવે શ્વાસને કશું જ કહ્યા વગર વરમાળા પહેરાવે છે.
અને એ વરમાળા સુકાઇ જાય પછી પણ સુગંધની શાશ્વતિ અનુભવે છે. પ્રેમની વ્યાખ્યાઓ નથી હોતી, વ્યાખ્યાઓ પ્રમાણે પ્રેમ નથી થઇ શકતો. પ્રેમ મોબાઇલ નથી કે એને કોઇ ચાર્જરની જરૃર પડે. પ્રેમ ઘરની ઇલેક્ટ્રીસીટી પણ નથી કે જેને અમુક લાગણી, વિરહ, મિલન, આનંદ અને સ્પર્શની સ્વીચોની જરૃર પડે. એ તો, પાકીને તૈયાર થયેલો હિરો છે. જેને ઢાંકવાથી આપણી હથેળીઓમાં જ અજવાળુ પ્રસરવાનું છે.
આપણે સામેવાળી વ્યક્તિમાં આપણાપણું ઉમેરવા માંગીએ છીએ, પરિણામે સામેવાળી વ્યક્તિમાં જે કંઇ સારૃ છે, આનંદ કરવા યોગ્ય છે એ બધું પણ આપણાપણાના દસ્તાવેજમાં પોતાની પાવર ઓફ એટર્ની લખાવી લે છે. પરિણામે એકબીજા માટેનો પ્રેમ ઓછો થઇ જાય છે, અને એકબીજા પ્રત્યેનો હક હાવી થઇ જાય છે.
પ્રેમ તો શબ્દો વગર ગણગણવાનું ગીત છે. એ તો ખરી પડેલા પુષ્પની સુગંધ પણ છે અને નવી જન્મેલી કુંપળમાં રંગો ઉમેરતા પુષ્પની પાંખડીઓ પણ છે. ઘડિયાળના કાંટાને ઘડિયાળ સાથે કે ઘડિયાળને આપણા કાંડા સાથે કેટલા લેવા-દેવા ? દિવાલમાં લટકતી ઘડિયાળને દિવાલની પડી હોય છે ખરી ? બંધ થયેલી ઘડિયાળની ચાડી કોઇ દિવસ આપણી આંખો સામે તાંકીને ઉભી રહેલી દિવાલે કરી છે ખરી. પ્રેમ આ બધાં જ પ્રશ્નોના જવાબમાં છે.
સીધી અને સરળ વાત છે. આજે અત્યારે અનરાધારે જે વરસે તે પ્રેમ, બાકીનું બધું રૃણાનુંબંધથી લખાઇને આવેલા સંબંધોને નામ કરેલું મેડીક્લેમ ! દર વર્ષે વીમો શરીરનો ઉતરાવો પડે, આત્માનો નહીં. વિશ્વાસ માણસો પર ખૂટે છે,
પરમાત્માનો નહીં. જ્યાં રસ્તો પૂરો થાય, મુકામ મળી જાય, મંઝીલ સિદ્ધ થઇ જાય આપણા નામનું સાઇનબોર્ડ લાગી જાય પછી પણ એક યાત્રા અવિરત ચાલુ રહે છે, ગતિમાં હોય છે, પ્રેમની ! આપણે પ્રેમ જોડે ભાડાના ઘરમાં રહેતાં પાડોશી જેવો વ્યવહાર કરીએ છીએ. જે નથી સારા પાડોશી બની શકતાં, નથી ભાડાના ઘરને ભાડાની જેમ જીવી શકતા, નથી પોતાનાને અનુભવી શકતા. આપણે તો નકશા વગરના નગરમાં રહેતા રોમરોમના રેફ્યુજી છીએ.
ઓન ધ બીટ્સ
એક જ જવાબ દે મારો એક જ સવાલ છે
આ મારા પ્રેમ વિષે તારો શું ખ્યાલ છે
– મરીઝ
અંકિત ત્રિવેદીના સદાબહાર પુસ્તકોની યાદી જોવા અહી ક્લિક કરો