આ અમદાવાદીના આંગણે બારેય માસ શ્રાદ્ધ – જરૂર વાંચજો

અમદાવાદ- ભાદરવા મહિનાનું શ્રાદ્ધ પક્ષ આવે એટલે સૌને કાગડા યાદ આવી જાય. પોતાના દેવલોકમાં બિરાજમાન સગાંવહાલાંને યાદ કરી જે તિથિ એ મૃત્યુ પામ્યા હોય એ દિવસે દૂધ પાક અને ખીર બનાવી જમાડવાના પ્રયત્નો કરે. શ્રાદ્ધના દિવસોમાં ધાબા-અગાસીએ  પર પાણીની છોળો ઉડાડતા અને દૂધપાક ખીર મુકી કાગવાસના બરાડા પાડતા લોકો જોવા મળે. સાથે નભમાં ઉડતાં, ડાળ પર બેસતાં, ધાબા કે પતરે બેસતાં કાગડાંઓમાં સૈાને પોતાના પિતૃઓના દર્શન થવા માંડે. પણ આ પ્રક્રિયા મોટાભાગના લોકો માટે તિથિઓ પુરતી જ મર્યાદિત હોય છે.

હા, પણ અમદાવાદના પોશ એવા પશ્ચિમ વિસ્તારના શ્યામલ ચાર રસ્તા પાસેના એક એપાર્ટમેન્ટના ભોંયતળીયે અને અગાસીયે દરરોજ વહેલી સવારે કાગવાસ નાખતાં કલ્પેશભાઇ માટે તો બારેય માસ શ્રાદ્ધ. અમદાવાદ શહેરમાં પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબાર સાથે વર્ષો સુધી કાર્ય કર્યા  બાદ હાલ એક કોર્પોરેટ કંપનીમાં કામ કરતાં છેલ્લાં દશેક વર્ષ કરતાં ય વધારે સમયથી નિયમિત રીતે સવારે મોટી સંખ્યામાં કાગડાં ઓને કલ્પેશભાઇ જમાડે છે.

આ વહેલી સવારે ઉઠી અને કાગડાંઓ ને નિયમિત જમાડવાનું કારણ શું…?

એ પ્રશ્નના જવાબમાં કલ્પેશભાઇ chitralekha.com ને જણાવે છે કે મારું મન પહેલેથી જ જીવદયા તરફ વધારે આકર્ષાય છે. કાગડાં  અન્ય નાના-મોટાં પક્ષીઓ કે એમનાં ઇંડાને નુકસાન પહોંચાડતા નજરે પડતાં હોય એવું મારા ધ્યાન પર આવ્યું. મારા મનમાં વિચાર આવ્યો કે આ કાગડાંને આપણે જ ભરપેટ જમવા આપવાનું શરુ કરીએ તો કેટલાય પક્ષીઓના જીવ અને માળા બચી જાય. દશ વર્ષ પહેલાં શરુ કરેલા એક નાના પ્રયત્નથી આજે કાગડાંની સાથે ઘણાં પશુ-પક્ષીઓ મારાં આગણાંમાં ભોજન કરે છે. કાગડાંની સાથે જમવાં અનેક પશુ-પક્ષી આવતા હોવાથી હાઇ ક્વોલિટીના દૂધ-બ્રેડ, આઠ જાતના અનાજ વહેલી સવારે તૈયાર રાખવા પડે. ઘંઉ, ચોખા જુવાર, બાજરી, મગ, મઠ, મકાઇ, ચણા દાળ જેવા ધાનને  વિવિધ પક્ષીઓ પકવાનની જેમ આરોગે છે. કેટલાક પક્ષીઓ માટે ગાંઠીયા અને અઠવાડિયામાં ગમે ત્યારે ભોજન માટે ટપકી પડતાં કપિરાજના ટોળા માટે બિસ્કીટના પેકેટ્સ તૈયાર જ રાખવા પડે છે. જ્યારનું આ કાગડાંને જમાડવાનું નક્કી કર્યુ ત્યારનું મારુ નિત્યક્રમ વહેલી સવારે 4-30થી શરુ થઇ જાય છે.  પ્રૌઢ થયા પછી પણ વહેલી સવારથી જ તરવરાટ અનુભવાય છે. એક તરફ પશુ-પક્ષીઓને ભોજનની સાથે રેડિયો પરના ભજનમાં મન પરોવાઇ જાય છે. કાગડાંની સાથે, ચકલી, કાબર, કોયલ, કૂતરાં, બિલાડી, ખિસકોલી જેવા અનેક જીવને ભોજન કરતાં અને કલરવ કરતાં જોઇ મન પ્રફૂલ્લિત થઇ જાય છે.

આ કાર્ય શરુ કર્યા પછી કલ્પેશભાઇ બહારગામ જવાનું પણ ટાળે છે., કોઇક કારણસર જવું પણ પડે તો પત્ની કલ્પનાબહેન કે દીકરો કૌશલ પશુ-પક્ષીઓને જમાડવાનું કાર્ય ઉત્સાહથી કરે છે. કલ્પેશભાઇ પાસે આટલી મોટી સંખ્યામાં અબોલ જીવોને વહેલી સવારે જમતાં જોઇ કેટલાય સેવાભાવી-જીવદયા પ્રેમી લોકો પોતાના નામેય  ભોજન જમાડવાનું કહી જાય છે.

કેટલીક વાર ભાદરવા મહિનામાં આવતા શ્રાદ્ધ વેળાએ કાગવાસ નાખ્યા પછી પણ કેટલાકની અગાસીએ કાગડાં ડોકાતાય નથી, પણ કલ્પેશભાઇના આંગણામાં બારે માસ વહેલી સવારથી જ કાગડાં ભોજન માટે પંગત પાડી બેઠેલા કે ઉડાઉડ કરતાં જોવા મળી જાય. બે કલાક કરતાંય વધારે ચાલતી મહેનત માગી લેતી અને મોટો ખર્ચ કરાવતી જીવદયાની આ પ્રવૃત્તિ પ્રભુમાં એમની શ્રદ્ધાને કારણે પાર પડે છે એવું કલ્પેશભાઇનું માનવું છે.

એટલે જ તો કહ્યું છે કે શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ…….

સોર્સ – ચિત્રલેખા (અહેવાલ અને તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ)

Leave a Reply

error: Content is protected !!