Mojemoj.com

Best Gujarati Blog

કચ્છનું આ ગામ વિદેશીઓનું મન પણ મોહી લે છે – રણોત્સવ હોય ત્યારે રોનક જ અલગ હોય છે

કચ્છના સફેદ રણમાં રણોત્સવ ચાલુ થવાનો છે. દેશભરમાંથી અને વિદેશમાંથી આવેલા પ્રવાસીઓ નવેમ્બરથી લઇને ફેબ્રુઆરી સુધી કચ્છની સંસ્કૃતિ અને કલા કારીગીરીને નિહાળવાના છે. એ વાતથી આપણે બધા જ માહિતગાર છીએ કે ગુજરાતના દરેક ખુણે ભવ્ય ઇતિહાસ અને અદભૂત કારીગીરીનો ખજાનો છે. કચ્છ પણ તેમાનું એક છે. જેને લઇને છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતનાં અનેક ગામો પોતાની આગવી ઓળખ ધરાવે છે તેવી જ રીતે કચ્છમાં આવેલા આ ગામને નિહાળવા દર વર્ષે દેશ-વિદેશથી લોકો આવે છે અને તેની એક ઝલક પર તેઓ ફિદા થઇ જાય છે.

રણોત્સવની વાત હોય અને કચ્છના એ ગામનો ઉલ્લેખ ન થાય તે કેવી રીતે બને. ભૂકંપ બાદ કચ્છમાં જતા પણ લોકો ડરતા હતા. જાણે ઉજ્જડ રણ જેવાં દ્રશ્યો જોવા મળતા હતા. પણ જ્યારેથી રણોત્સવનું આયોજન થવા માડ્યું ત્યારથીમાંડીને કચ્છના અનેક ગામોનાં લોકોને રોજગારી સહિતની સારી સુવિધાઓ મળવા લાગી છે. તેવું જ કચ્છમાં આવેલુ હોડકા ગામ રણોત્સવની અનેક યાદગાર પળોનું સાક્ષી રહ્યું છે. આ ગામની આગવી લાક્ષણિકતા અને મહેમાનોને પોતાના બનાવી લેવાની ભાવનાના કારણે તે અનેક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, ખાસ કરીને રણોત્સવ દરમિયાન આ ગામની આવનારા પ્રવાસીઓ અચુક પણે મુલાકાત લે છે.

હોડકા ગામ અંગે વાત કરીએ તો એવી ઘણી બધી બાબતો છે, જે રણોત્સવ દરમિયાન હોડકા ગામને એક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરે છે. જેમાં તેની બેનમુન કારીગરી, પ્રવાસીઓ માટે ઊભી કરવામાં આવેલી અનોખી વ્યવસ્થા અને ગામમાં બનાવવામાં આવેલા મકાનો છે.

કોઇપણ ગામમાં પ્રવેશ કરો ત્યારે તેનો સાચો ચહેરો ગામમાં રહેલા મકાનો અને તેની બાંધકામ શૈલી પરથી જાણી શકાય છે. આજે સામાન્ય સુવિધા ધરાવતા ગામોમાં પણ આપણને સિમેન્ટથી બનાવવામાં આવેલા મકાનો જોવા મળી જતાં હોય છે,  પરંતુ રણોત્સવનું કેન્દ્ર બિન્દુ સમા હોડકા ગામમાં તમે જ્યારે પગ મુકો ત્યારે તમને સિમેન્ટ મકાનો જોવા મળશે નહીં, પરંતુ ત્યાં લીંપણ કરેલા મકાનો જ દ્રષ્ટિગોચર થશે. એટલું જ નહીં પરંતુ લીંપણકામ કરેલા મકાનોને પરંપરાગત શૈલીથી સુશોભિત કરવામાં આવ્યા હોય છે, જેથી તે પ્રવાસીને આકર્ષિત કરી મુકે છે.

વિશ્વ ફલક પર જાણીતી બની રહી છે અહીંની કારીગરી

ગુજરાતના મોટાભાગના ગામડા અને શહેરો પોતાની એક ખાસ વિશેષતા માટે જાણીતા છે, ત્યારે કચ્છનું હોડકા ગામ પણ પોતાની બેનમુન કલા કારીગરી માટે જાણીતું છે અને જે પ્રકારે તે પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારથી તેની કારીગરી વિશ્વ ફલક પર પણ જાણીતી બની રહી છે. આ ગામમાં સંસ્કૃતિ જીવીત રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, જ્યારે તમે આ સ્થળની મુલાકાત લો ત્યારે તમને કચ્છની પારંપરિક વસ્તુઓ અંગે અત્યંત નજીકથી જાણવાની તક મળે છે.

રણોત્સવના કારણે આ ગામમાં વહી સુવિધાની સરિતા

કચ્છના લોકનૃત્યો, ભરતગુથણ, સજાવટ, કચ્છી કલાકારો દ્વારા સર્જન પામેલી વસ્તુઓ કોઇપણ પ્રવાસીને પોતાની તરફ આકર્ષિત કરી લે છે. એક સમય એવો હતો. જ્યારે આ ગામમાં પ્રવાસીઓ જવાનું ટાળતા હતા, કારણ કે ત્યાં એવી કોઇ જ વ્યવસ્થા જોવા મળતી નહોતી કે જેથી પ્રવાસી આ ગામમાં અમુક સમય કાઢવાની કલ્પના પણ કરે, પરંતુ સમય બદલાતા અને રણોત્સવ જેવી રાજ્ય, દેશ અને વિશ્વ સ્તરીય ઉત્સવનું આયોજન થવાની શરૂઆત થઇ છે, ત્યારથી અહીંની સુવિધાઓમાં પણ વધારો થયો છે

સંગીતનો અનોખો દરબાર

આધુનિક સમયની વાત કરવામાં આવે તો આપણને ડાન્સ પાર્ટી કે પછી મ્યુઝિકલ નાઇટ્સના આયોજન અંગે અવાર નવાર વાંચવા મળે છે, પરંતુ ભાગ્યે જ ક્યાંક લોકડાયરો કે પછી લોકનૃત્યનું આયોજન કરવામાં આવ્યું હોય અને લોકોએ હોંશે હોંશે તેમાં ભાગ લીધો હોય તેવું વાંચવા કે સાંભળવા મળે છે, ત્યારે હોડકા ગામમાં રણોત્સવ દરમિયાન આવેલા પ્રવાસીઓને આ લુપ્ત થઇ રહેલી સાંસ્કૃતિક લોકનૃત્ય કળા અને સંગીતના અનોખા દરબારનો લુત્ફ ઉઠાવવાની બહુમુલ્ય તક મળે છે. અહીં આ પ્રકારના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં નૃત્ય અને સંગીતની સાથોસાથ ગામડાને સાચા અર્થમાં જાણી શકાય છે.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!