ખુદ કો કર બુલંદ ઈતના કી હર તકદીર સે પહેલે,
ખુદ ખુદા પૂછે એ બંદે બતા તેરી રઝા ક્યાં હૈ?
સામાન્ય રીતે ઘણાં લોકોનો શારિરીક રંગ થોડો શ્યામ હોય, ચહેરા પર ખીલ, સફેદ કે કાળા દાગ હોય, શરીર દૂબળૂ-પાતળું હોય અથવા કોઈ નજીવી બીમારી હોય તો પણ લોકો પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે અને ચિંતાતુર બનીને જીવન જીવવાનું ભૂલી જતા હોય છે. જ્યારે લિઝી વેલાસક્વેઝ નામની સ્ત્રી કે જેને દુનિયાએ સૌથી કદરૂપી હોવાનો ખિતાબ આપ્યો છે, છત્તા ગૌરવભેર પ્રેરણાત્મક જીવન જીવી રહી છે. તો મિત્રો, ચાલો જાણીએ ખૂબ જ પ્રેરણાત્મક વાત.
લિઝી વેલાસક્વેઝ 17 વર્ષની ઉંમરમાં ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે એક યુ-ટ્યૂબ વીડિયોએ લિઝીને દુનિયાની સૌથી કદરૂપી મહિલાનો ખિતાબ આપ્યો હતો. અજાણી વ્યક્તિએ પોસ્ટ કરેલ 8 સેકન્ડનાં આ વીડિયોમાં નફરત ભરી લાખો કમેન્ટ્સ આવેલી. વીડિયોને 4 મિલિયન વ્યૂઝ પણ મળેલા. એમ છતા લિઝી હિંમત હાર્યા વગર આગળ વધી અને આજે તેણી એક જાણીતી લેખિકા, પ્રેરક વક્તા અને એન્ટી બુલીંગ કાર્યકર્તા બની ચૂકી છે, જેની જીવન યાત્રા પરથી ફિલ્મ પણ બની ચૂકી છે.
લિઝી વેલાસક્વેઝનો જન્મ 13મી માર્ચ, 1989નાં રોજ ટેક્સાસનાં આસ્ટિનમાં થયો હતો. જન્મ સમયે તેનું વજન માત્ર 1 કિલો 219 ગ્રામ હતું. તેણે હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ ટેક્સાસ યૂનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તે નિયોનેટાલ પ્રોગેરૉયલ સિન્ડ્રોમ (Neonatal Progeroid Syndrome)નામની બીમારીથી પીડાય છે. તેનાથી વ્યક્તિનાં શરીરની ચરબી સંપૂર્ણ રીતે બળી જાય છે અને પીડિત વ્યક્તિની આંખોમાં ખામી સર્જાય છે.
આ વિચિત્ર બીમારી વજનને વધતા રોકે છે, તેનાથી પીડિત 28 વર્ષિય લિઝીએ ડૉક્યૂમેન્ટ્રી ફિલ્મ ‘એ બ્રેવ હાર્ટઃ ધ લિઝી વેલાસક્વેઝ સ્ટોરી’ માં પોતાની જીવન યાત્રા દર્શાવી છે.
લિઝી વેલાસક્વેઝનું વજન અત્યારે માત્ર 29 કિલો છે, અને આ બિમારીનાં કારણે તેણી દિવસમાં દર 20 મિનિટે થોડું-થોડું ભોજન લે છે. લિઝી કોઈ વજનદાર વસ્તું પોતાની સાથે નથી રાખી શકતી. તેણીની આ બીમારી પર 10-12 વર્ષથી રિસર્ચ ચાલી રહ્યું છે અને લિઝીને પૂરો વિશ્વાસ છે કે, એક દિવસ તે ચોક્કસ સાજી થઈ જશે.
લિઝી વેલાસક્વેઝ આજે એક પ્રખ્યાત મોટિવેશનલ ગુરૂ તરીકે લાખો લોકોની જિંદગીમાં ખુશીઓનાં રંગો ભરી રહી છે. વિશ્વની સૌથી દુબળી-પતલી આ મહિલા ( World’s Thinnest Woman ) પોતાનાં સંદેશ દ્વારા સુંદરતાની નવી પરિભાષાનું નિર્માણ કરી રહી છે.
લિઝીની મોટિવેશનલ સ્પીચમાં જાદુઈ અસર છે. તે પોતાનાં ભાષણો દ્વારા હજારો લોકોની નફરતને થોડી જ ક્ષણોમાં દૂર કરી દે છે. તેનો અંદાઝે-બયાં એવો છે કે, લોકો દાંતમાં આંગળા દબાવી લે છે. લોકો તેનું વ્યાખ્યાન સાંભળવા માટે પડા-પડી કરે છે. અલગ-અલગ વિષય ઉપર તેણી 220 થી વધારે વક્તવ્ય આપી ચૂકી છે. લિઝીનાં મોટિવેશનલ વિડીયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યાં છે.
લિઝી અત્યાર સુધીમાં ચાર પુસ્તકો લખી ચૂકી છે. જે ખૂબ જ લોકપ્રિય થયાં છે. (1) Lizzie beautiful, (2) Be beautiful Be you, (3) Choosing happiness અને (4) Dare to be kind.
આ બીમારીથી આજની ઘડીએ દુનિયામાં માત્ર ત્રણ લોકો પીડાઈ રહ્યાં છે. ભયાનક બીમારીથી પીડિત હોવા છતાં પણ તે તમામ પ્રકારની નકારાત્મક્તાને પાછળ છોડીને પોતાની જિંદગીમાં આગળ વધી રહી છે. તે પુસ્તકો લખી રહી છે અને દુનિયા માટે પ્રેરક વ્યાખ્યાનો આપી રહી છે. આ બધું જ તે અમેરિકાનાં ટેક્સાસ શહેરમાં હરતા-ફરતા કરી રહી છે.
લિઝી કહે છે કે, ”ખરેખર ! મારું જીવન ખૂબ જ સંઘર્ષમય રહ્યું છે, બટ ધેટ્સ ઓકે..” હજારો મુશ્કેલીઓને અવગણીને ખુશ રહેનાર લિઝીની સફળતા અને એચિવમેન્ટ એ સાબીત કરે છે કે, શરીર અને શરીરની સુંદરતા સફળતા માટે જરૂરી નથી પણ મનની સુંદરતા અને આત્મવિશ્વાસ જરૂરી છે.
જીંદગીના વેહેણમાં જે તરતા શીખે છે,
કઠીન પરિસ્થિતિમાં જે જીવતા શીખે છે.
ઈશ્વર પણ સાથ નથી છોડતો તેનો,
જે હર હાલમાં મુસ્કુરાતા શીખે છે.
સંકલન – ઈલ્યાસભાઈ