ગીરનાં ગામમાં કોઈ નેતાને બદલે શિક્ષકની પ્રતિમાની સ્થાપના થઇ

શિક્ષક સામાન્ય નહિં હોતા’ તેવું ચાણક્યનું વિધાન સૌરાષ્ટ્રના ગીર કાંઠાના દાદર (ગીર) ગામના શિક્ષકે સાચું પાડયું છે. આજે આ શિક્ષક તો નથી પરંતુ તેમણે ત્રણ દાયકા સુધી અનેક વિદ્યાર્થીઓને સંતાનની માફક સ્નેહથી ભણાવી અને તેને તેના કૌશલ્ય મુજબ નોકરી-ધંધે લગાડયા હતા. ગ્રામજનોને સવજી સાહેબ પ્રત્યે એટલું માન છે કે ગામમાં કોઈ નેતાને બદલે સવજી સાહેબની પ્રતિમા મુકાઇ છે.

આઝાદી પૂર્વે નવાબ શાસનનાં વખતમાં વિસાવદર તાલુકાના સરસઈ, નાની મોણપરી, દાદર ગીર સહિત આઠ ગામડાઓ નવાબે પોતાના મિત્ર સ્ટેટ ગોંડલ દરબારને ભેટમાં આપ્યા હતા. આથી આ ગામડામાં ગોંડલ સ્ટેટની જેમ શિક્ષણને પહેલેથી અગ્રતા અપાઇ હતી. ૧૯૩રમાં નિર્માણ પામેલા માંડ પંદરસોની વસતી ધરાવતા દાદર ગીર ગામમાં ૧૦૭રથી સવજીભાઈ વઢવાણા અને તેમના શિક્ષક ધર્મપત્ની મંગળાબેને પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ખેડાણ કર્યું છે. માત્ર શિક્ષણ આપવાને બદલે સવજીભાઈએ ગ્રામજનોમાં ઉત્સાહનો સંચાર રેડતા ખેતીવાડી ક્ષેત્રે સંશોધનો કરવા માટે પ્રોત્સાહન આપતાં એગ્રિકલ્ચરના અધિકારીઓ પણ દાદર ગીર દોડી આવ્યા.

પૂર્વ સરપંચ ભીમજીભાઈ કાતરીયાએ સવજીભાઈની નિષ્ઠા વિશે વાત કરતાં જણાવ્યું કે કન્યા કેળવણી માટે તેમણે ઘેર ઘેર જઈ ગ્રામજનોને સમજાવી દીકરીને ભણાવી-ગણાવીને સાસરે મોકલવાના ફાયદાઓ વર્ણવ્યા હતા. ફળ સ્વરૂપે આજે દાદર ગીરની અનેક દીકરી મોભાદાર નોકરી કરે છે. ભાવનગરના વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળ સહિત ઘણી દીકરીઓ આજે સવજી સાહેબને યાદ કરે છે. દાદર ગીરના વર્તમાન સરપંચ અશોકભાઈ માલવીયા, ખેડૂત અગ્રણી લલીતભાઈ પાઘડાળ અને સુરત સ્થિત મનોચિકિત્સક ડોક્ટર એમ પી માલવીયા સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના આદર્શ શિક્ષક સવજી સાહેબની કાર્યશૈલીને યાદ કરે ત્યારે તેમની આંખો ભીની થઈ જાય છે.

પૂર્વ શિક્ષણાધિકારી ગોહેલે દાદર ગીરમાં શિક્ષક સવજીભાઇની પ્રતિમા મૂકવામાં આવે તો કેટલાયને પ્રેરણા મળશે આ સૂચનને સૌ ગ્રામજનોએ વધાવી લીધું અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સવજી સાહેબની પ્રતિમાનું અનાવરણ કરી ગુજરાતના શિક્ષણ જગતમાં શિક્ષકત્વની ગરીમાને ઉજળી કરી દીધી છે.

સાભાર: સંદેશ

Leave a Reply

error: Content is protected !!