આ રીતે બનાવો ચટાકેદાર સેવ ટમેટાનું શાક 😋
સેવ ટમેટાનું શાકઃ

રોડ સાઈડ ઢાબુ હોય કે મોંઘામાં મોંઘી હોટેલ, ગુજરાતમાં કોઈપણ હોટેલના મેન્યુમાં સેવ ટમેટાના શાકને અવશ્ય સ્થાન મળે. અને કેમ નહિ? આ શાકનો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે નાના મોટા બધાને જ તે ભાવે. વળી, આ શાક બનાવવામાં પણ ખૂબ જ ઈઝી છે અને ફટાફટ બની જાય છે. એમાંય સેવ ટમેટાના શાક સાથે ગરમાગરમ ફુલકા કે બાજરીના રોટલા મળી જાય તો તો આહાહા… જમવાનો ટેસડો પડી જાય છે. તો જાણો આવુ ટેસ્ટી અને ચટાકેદાર સેવ ટમેટાનું શાક બનાવવારી રેસિપી.
બેથી ત્રણ વ્યક્તિ માટે સેવ ટમેટાનું શાક બનાવવા માટે તમારે નીચે મુજબની સામગ્રી જોઈશે.
- 5 કપ સમારેલા ટમેટા (લગભગ 250થી 300 ગ્રામ ટમેટા)
- 1 મોટી ચમચી ઝીણુ સમારેલુ આદુ
- 1 લીલુ મરચુ
- પા ચમચી રાઈ
- અડધી ચમચી જીરુ
- ચપટી હીંગ
- પા ચમચી હળદર
- પા ચમચી લાલ મરચા પાવડર
- અડધી ચમચી ધાણાજીરુ
- પોણો કપ અથવા તો સ્વાદાનુસાર સેવ
- અડધો કપ પાણી
- બે ચમચી ઝીણી સમારેલી કોથમીર
- સ્વાદાનુસાર નમક
(તમે ઈચ્છો તો ડુંગળી અને લસણ પણ સાંતળીને નાંખી શકો છો.)
વઘારવાની રીતઃ
પહેલા તો ટમેટાને વ્યવસ્થિત ધોઈને સમારી લો. ત્યાર પછી આદુ અને મરચા પણ સમારી લો. એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ, જીરૂ તતડાવો. ત્યાર પછી સૌ પ્રથમ ઝીણુ સમારેલુ આદુ અને મરચા તેલમાં નાંખો અને ચપટી હીંગ ઉમેરો. તેલમાં આટલુ ઉમેર્યા પછી 10થી 12 સેકન્ડ માટે તેને હલાવો. આટલી વારમાં આદુની સુગંધ જતી રહેશે. આદુ સંતળાય પછી જ તેમાં ટમેટા ઉમેરો.
મસાલા કરવાની રીતઃ
ટમેટા ઉમેર્યા પછી થોડી વાર શાક હલાવો. ત્યાર પછી તેમાં હળદર, મરચુ, ધાણાજીરુ વગેરે મસાલો કરો. મસાલા કર્યા બાદ શાકને એક મિનિટ સુધી બરાબર હલાવો અને ચડવા દો. ત્યાર પછી જ નમક અને ખાંડ ઉમેરો.
ક્યાં સુધી ચડવા દેવુ શાક?
જ્યાં સુધી ટમેટા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી શાકને બરાબર ચડવા દેવુ. ત્યાર પછી તેમાં પાણી ઉમેરીને શાકને ઉકળવા દો. શાક લિક્વિડ જેવુ બની જાય પછી ગેસ બંધ કરી સ્વાદ ચેક કરી લો. જરૂર પડે તો મીઠુ કે ખાંડ ઉમેરો. શાકમાં પાણી વધારે લાગતુ હોય તો તેને થોડી વધારે વાર ઉકળવા દો.
સેવ ક્યારે ઉમેરવી?
ટમેટાનું શાક બરાબર તૈયાર થઈ જાય પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો. ત્યાર પછી આ બાઉલ પર સેવ ભભરાવો. શાકમાં સીધી સેવ ઉમેરશો તો સેવ પોચી થઈ જશે અને ખાવાની બહુ મજા નહિ આવે. આથી તમે શાક સર્વ કરવા જતા હોવ ત્યારે છેક છેલ્લે સેવ નાંખવી. ત્યાર પછી ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવો. આ શાકને ફૂલકા રોટલી, બાજરીના રોટલા કે થેપલા સાથે ગરમાગરમ સર્વ કરો.
સાભાર: આઈ એમ ગુજરાત