અદ્ભુત શિવાજીના હાલરડાની અવિસ્મરણીય પળ – જયારે રજપૂતોએ ગાયકને લોહીના તિલકથી વધાવ્યા
થોડા વર્ષો પહેલાંની આ વાત છે.ગુજરાતની લોકસંસ્કૃતિના ગર્વીલા અને સદાબહાર ગાયક એવા પ્રફુલ્લ દવેનો અમદાવાદના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે લોકડાયરાનો રાત્રિ કાર્યક્રમ હતો.વિરોચનનગરમાં દરબાર રાજપૂતોની વસ્તી વધારે એટલે પ્રફુલ્લ દવેને સાંભળવા રાજપૂતો સહિત મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી હતી.ગૌસેવક શ્રીશંભુ મહારાજની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રફુલ્લ દવે એટલે ગુજરાતની લોકગાયકીનો એક ગહેકતો મોરલો…!જેનો સરવા સાદનો કંઠ ગુજરાતની પ્રજાને ગાંડી બનાવે છે.લોકસંસ્કૃતિની અદ્ભુત ગાયનશૈલીને જાણે ઘોળીને પી જનાર અનન્ય ગાયક એટલે પ્રફુલ્લ દવે ! સંતવાણી,લોકગીતો અને અન્ય ગાયન ક્ષેત્રમાં જબરદસ્ત ધમાકો કરનાર એક અદ્ભુત સીતારો.આશા ભોસલે અને લતા મંગેશકર જેવી ભારતની મહાન ગાયિકાઓ પણ જેમની આગળથી શીખે એવો ગાયક ! લંડનના “આલ્બર્ટ હોલ”માં કાર્યક્રમ આપનાર એક માત્ર ગુજરાતી એટલે પ્રફુલ્લ દવે ! જ્યાં “તારી વાંકી રે પાઘલડીનું ફુમતું” ગાઇને ગુજરાતી ભાષાની હારે બાપે માર્યા વેર ધરાવનાર ગોરાને નચાવી દેનાર ગાયક ! જેના “મણિયારા”એ ગુજરાતને ગાંડી કરી અને “મારું વનરાવન છે રૂડું” એ સર્વત્ર ધુન મચાવી.શિવાજીના હાલરડાંએ પણ પ્રફુલ્લ દવેને અત્યંત પ્રસિધ્ધી અપાવી.ખરેખર,એમના કંઠમાં જાદુ છે એમ કહેવું અયોગ્ય નથી !
વિરોચનનગરમાં તેમની ગાયકીનો લહેરો બરોબરનો જામવા લાગ્યો.લોકો ડોલવા લાગ્યા.માનવમેદની પર લોકગીતોનો જાદુ છવાઇ ગયો.એવામાં પ્રફુલ્લ દવેએ “શિવાજીનું હાલરડું” ઉપાડ્યું.એ હાલરડું જેને ગુજરાતી સાહિત્યની અમર રચનાઓમાંથી એક ગણવામાં આવે છે.રાષ્ટ્રીય શાયર મેઘાણીની વીરરસ ભરી કલમે લખાયેલ આ શૌર્યગીત જ્યાં સુધી વિશ્વના ફલક પર ગુજરાતી બોલાય છે ત્યાં સુધી ગવાતું જ રહેશે…!જીજાબાઇ જેવી ભારતવર્ષની આર્યરમણી શિવાજીને પારણામાં જ કેવા સંસ્કાર આપે છે,એ આ હાલરડામાં વર્ણવાયેલ છે.
ગરાસિયા રાજપૂતો આ શૌર્યગીતના રંગે રંગાવા લાગ્યા.મેઘાણીના શબ્દો પ્રફુલ્લ દવેનો અષાઢીલો કંઠ જનમેદની પર વ્યાપી ગયા.એવામાં એક દરબાર ઘરે જઇને તલવાર લઇ આવ્યા.એ જોતાં જ બીજા અનેક ક્ષત્રિયોની તલવારો બહાર આવી.હવામાં ઉંચી થતી મ્યાન વગરની તલવારો દિવાબત્તીઓની રોશનીમાં ઝગારા દેવા લાગી.
અને પછી એક વિરલ નજારો સામે આવ્યો,જે ગુજરાતની તવારીખમાં કદી બન્યો નહોતો…! એક અદ્ભુત વાતાવરણ સર્જાયુ અને બધાં જ રાજપૂતોએ પાસે રહેલી ખુલ્લી તલવારો લઇને હાથની આંગળી ઉપર ઘસરકા કર્યાં.અનેક ક્ષત્રિયોની આંગળીમાંથી લોહીની ટશરો ફુટી.અને પછી બધાં જ ક્ષત્રિય બચ્ચાઓએ ઊભા થઇ થઇને પ્રફુલ્લ દવેના કપાળે રક્તના તિલક કર્યાં…! એક અસાધારણ નજારો ! ગાયકીની અને અસ્મિતાની આવી કદર અગાઉ ક્યારેય થઇ નહોતી !
આ વાત કોઇ જાતને ઉંચી-નીચી બતાવવાની નથી,વાત છે સાહિત્ય,સંસ્કૃતિ અને શૌર્યગાથાઓની કદરની ! અને વિરોચનનગરના ક્ષત્રિયોએ આ કદર કરી હતી.મેદની ભાવવિભોર બની ગયેલી.પ્રફુલ્લ દવે પણ રાજપૂતોના કદરદાન સ્વભાવને ક્યારેય ભૂલી શકશે નહિ.અને દરેક કાર્યક્રમમાં તેઓ અચુકપણે શિવાજીનું હાલરડું ગાય જ છે.
ખરેખર આવી કદર જ ગુજરાતની લોકસંસ્કૃતિની વિરાસતને બચાવી શકશે.દરેક ગુજરાતી ગર્વથી સીનો તાણીને કહી શકશે કે,અમે પણ અમારા અણમોલ રત્નોની કદર કરી જાણીએ છીએ…!ભલે આપણે રક્તતિલક ના કરી શકીએ પણ આવા સંસ્કૃતિની સરાહના કરતા કાર્યક્રમોની,ગાયકોની અને કવિઓની સરાહના કરીને એને પ્રોત્સાહન તો આપી જ શકીએ.
શિવાજીનું હાલરડું એટલે જીજાબાઇએ ઘોડિયે જુલતા શિવાજીને આપેલા રક્તસીંચનના સંસ્કાર…!મેઘાણીની અમર કલમ અને ભારતની મહાન આર્યરમણીના સંગમ સમાન આ હાલરડાં પર એક નજર નાખીએ :
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…
પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…
ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…
પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…
ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…
લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…
આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…
આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…
આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…
સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…
જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા ડોલે
સંકલન – Kaushal Barad